गुजरात

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | Digital Arrest Fraud Gujarat Seniors Lose Crores as Cyber Criminals Target Life Savings


Digital Arrest Fraud: ગુનો ઉકેલવા કરતાં તેને રોકવો એ પોલીસની પહેલી ફરજ છે. પરંતુ, ગુનો બને તે પછી તેનો ઉકેલ લાવી વાહ…વાહ…. મેળવવાની વ્યાપક બનેલી માનસિકતાના કારણે સાયબર ક્રાઈમ વધી રહ્યું છે. ખાસ કરીને વૃધ્ધોને ડિજિટલ એરેસ્ટ કરવાના કિસ્સા વધી રહ્યાં છે. વૃધ્ધોને ટાર્ગેટ કરતી ગુનાખોરી રોકવા માટે પાંચ વર્ષ અગાઉ કરાયેલાં આયોજનો કાગળ પર રહેતા સાયબર માફિયા બેફામ બન્યાં છે. ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના શહેરી વિસ્તારોમાં પોલીસ વૃધ્ધોની મદદ માટે 24 કલાક માટે તત્પર હોવાના દાવાઓ કાગળ ઉપર છે. સાયબર ક્રાઈમ રોકવા માટે કરોડો રૂપિયા ફાળવાતા હોવાની ગુજરાત સરકારના ગૃહ વિભાગની ડિગો વચ્ચે ગુજરાતના વૃધ્ધોની મરણમૂડી બચાવવામાં પરિણામ શૂન્ય સમાન છે.

ડેટા લીકનો સવાલ: પોલીસની તપાસ સામે સવાલ

ગુજરાતમાં વિતેલા 3 વર્ષથી સિનિયર સિટીઝનો અને મહિલાઓને ટાર્ગેટ કરીને પૈસા પડાવવાનું સાયબર ક્રાઈમ વધી રહ્યું છે. સિનિયર સિટીઝનોનો ડેટા સાયબર માફિયાઓ સુધી કઈ રીતે પહોંચે છે તે શોધવાની પોલીસની ત્રેવડ જણાતી નથી. ગુજરાત પોલીસે જ પાંચ વર્ષ પહેલા જ કરેલા આયોજનો પૂર્ણરૂપે અમલમાં મુકાય તો પણ સિનિયર સિટીઝનો સાથે આચરતા સાયબર ક્રાઈમના ગુનાઓ ઉપર અંકુશ આવી શકે તેમ છે. વર્ષ 2020-10ના નવ મહિનામાં બે દંપતિ સહિત નવ સિનિયર સિટીઝનોની હત્યાની ઘટના અમદાવાદમાં બની છે. 

શી ટીમની જવાબદારી: એકલા રહેતા વૃદ્ધોની નિયમિત મુલાકાત

ગંભીર ગુનાખોરીના ઘટનાક્રમ વચ્ચે વર્ષ 2021માં તત્કાલિન ડીજીપી આશિષ ભાટિયાએ તમામ શહેરોના પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારમાં એકલા રહેતાં સિનિયર સિટીઝનોની યાદી બનાવવા તેમજ મહિલા પોલીસની શી ટીમને સિનિયર સિટીઝનોની નિયમીત મુલાકાત લેવાના આયોજનો કર્યાં હતાં. ગુજરાતમાં સરકારને સિનિયર સિટીઝનોની ચિંતા છે તેવી લાગણી સાથે ‘પ્રોજેક્ટ નમન’ અમલમાં મુકાયો હતો. 

પ્રોજેક્ટ નમન: ‘આદર અને અપનાપન’ માત્ર વાતોમાં જ સીમિત

ગુજરાત સરકારની મોટી મોટી વાતોની માફક જ પ્રોજેક્ટ નમનમાં આદર સાથે અપનાપન બતાવીને સિનિયર સિટીઝનોના નામ, સરનામા, ઉંમર, પાડોશી, સંબંધીઓ, ડ્રાઈવર, દૂધવાળો કરિયાણું આપી જનાર કે છાપા નાખી જનાર ઉપરાંત મકાનમાલિક, ભાડૂઆત અને સિક્યુરિટી ગાર્ડની વિગતો નોંધવામાં આવતી હતી. ગુજરાત સરકારના ગૃહવિભાગ, પોલીસની વેબસાઈટ ઉપર સિનિયર સિટીઝનોની નોંધણી થાય છે પણ હવે કાળજી લેવાતી નથી એ કારણે જ સાયબર માફિયાઓ બેફામ બની રહ્યાં છે અને અમદાવાદ સહિત ગુજરાતના વૃધ્ધોની મરણમૂડી જોખમમાં આવી પડી છે. 

આ પણ વાંચો: અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

નેતાઓની સેવામાં પોલીસ વ્યસ્ત, વૃદ્ધોની સુરક્ષા ભગવાન ભરોસે

ચૂંટણીનો માહોલ છે ત્યારે પોલીસ કે સરકારી અધિકારીઓ જેટલો આદરભાવ સરકારી મંત્રીઓ કે નેતાઓ પ્રત્યે બતાવે છે તેટલી ચિંતા પોલીસ અધિકારીઓ કે નેતાઓ સિનિયર સિટીઝનોની કરતાં નથી અને અગાઉ કરાયેલાં સલામતીના સરકારી આમેજનો કાગળ ઉપર જ રહી જવા પામ્યાં છે.

ગુજરાતમાં સિનિયર સિટીઝનોને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયાની ઠગાઈના કિસ્સા

માર્ચ-26: ગાંધીનગર-અમદાવાદના બે વૃદ્ધ મહિલાના 30.66 કરોડ પડાવ્યા હતા. ગુજરાતના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ ફ્રોડની બે તપાસ CBIને (બનાવ માર્ચથી જુલાઈ 2025)

જાન્યુઆરી-26: અમદાવાદના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડ સીબીઆઈ-ટ્રાઈના નામે ચાઊં કર્યા

ફેબ્રુઆરી-26: ગાંધીનગરના નિવૃત્ત શિક્ષકને 28 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 99 લાખ પડાવ્યા.

માર્ચ-26: ઘાટલોડિયાના વૃદ્ધ વિધવા પાસે 47 લાખ પડાવી અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા.

માર્ચ-26: વડોદરામાં વૃદ્ધ પાસેથી 2.27 કરોડ પડાવ્યા, જેમાં 3 રાજ્યના 4 શખ્સો પકડાયા.

માર્ચ-26: વડોદરાના નિવૃત્ત બેંક ઓફિસરને 18 દિવસ વીડિયો સર્વેલન્સમાં રાખી 74 લાખ પડાવ્યા.

એપ્રિલ-26: અમદાવાદમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 1.43 કરોડ પડાવ્યા.

એપ્રિલ-26: વલસાડમાં સિનિયર સિટીઝનના 1.11 કરોડ પડાવ્યા. 

એપ્રિલ-26: નવા વાડજમાં વૃદ્ધાના 5.31 લાખ વીડિયો કોલ કરીને પડાવી લેવાયા.

એપ્રિલ-26: ગોતામાં સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1.43 કરોડની છેતરપિંડી.

એપ્રિલ-26: એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતીને ડરાવીને 33 લાખની ઠગાઈ.

આ પણ વાંચો: મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના

વૃદ્ધોની વિગતો સાયબર માફિયાઓને મળે છે કઈ રીતે?

સૌથી મોટો સવાલ એ છે કે, એકલવાયું જીવન જીવતા અને આસાનીથી ટાર્ગેટ થઈ શકે તેવા વૃદ્ધોની વિગતો સાયબર માફિયાઓને કઈ રીતે મળી જાય છે? પોલીસ હજુ સુધી એ વિગતો જાણી શકી નથી કે વૃદ્ધોની વિગતો ગઠિયાઓ કઈ રીતે મેળવે છે તેની તપાસ પોલીસ કરતી નથી અથવા તો મૂળ સુધી પહોંચી શકતી નથી.


સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં 2 - image



Source link

Related Articles

Back to top button