दुनिया

યુએઈની અમેરિકાનો ડોલર છોડીને યુઆનમાં કારોબારની ધમકી | UAE threatens to abandon US dollar and trade in yuan



– ખાડીયુદ્ધના લીધે યુએઈની નાણાકીય સ્થિતિ કથળી

– અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી હોવાનો યુએઈએ દાવો કર્યો

નવી દિલ્હી : ઇરાન પર અમેરિકાના હુમલાની ઝાળ હવે યુએઈને પણ લાગી રહી છે. તેની ધીરજ હવે ખૂટવા આવી રહી છે. યુએઈએ આ યુદ્ધ માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. યુએઈએ ચતવણી આપી છે કે જો યુદ્ધના લીધે અમેરિકન ડોલરની કમી અનુભવાઈ તો તે ઓઇલ-ગેસના વ્યવહાર ચીનના ચલણ યુઆન અને અન્ય ચલણમાં શરૂ કરી દેશે. 

યુએઈ અધિકારીઓએ પશ્ચિમ એશિયા (મધ્યપૂર્વ) અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષ માટે સ્પષ્ટપણે પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. ધ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ યુએઈનું માનવું છે કે અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી છે.

મેક્રોઇકોનોમિક એનાલિસ્ટ લ્યુક ગ્રોમેનના જણાવ્યા મુજબ યુએઈએ પોતાના અર્થતંત્રને યુદ્ધની અસરથી બચાવવા માટે અમેરિકા પાસેથી નાણાકીય લાઇફલાઇનના સ્વરૂપમાં ડોલર સ્વેપ લાઇનની માંગ કરી છે. હવે જો યુએઈ તેલના વ્યાપાર માટે ચીની ચલણ યુઆનને અપનાવે છે તો આ બાબત વૈશ્વિક બજારમાં ડોલરના દબદબા સામે સૌથી મોટો પડકાર હશે. દાયકાઓથી ઓઇલનો વેપાર ડોલરમાં થતો આવ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ચીન પાસેથી પહેલાથી જ ઘણા દેશોની સ્વેપ લાઇન છે. તેથી યુએઈ માટે ચીન એક વ્યવહારિક વિકલ્પ બની ગયું છે. હવે જો અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધમાં કોઈ સમાધાન નીકળતું નથી તો ક્રૂડ ઓઇલની કિંમત વધી શકે છે. આ સંજોગોમાં વૈશ્વિક સ્તરે ડોલરની સ્થિતિ નબળી પડી શકે છે. લ્યુક ગ્રોમેનનો તર્ક છે કે ડોલર સિવાયના ચલણમાં વેપાર કરવાથી દેશોને પોતાનો મર્યાદિત ડોલરનો ભંડાર જૂનું દેવુ ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં મદદ મળે છે. બીજી બાજુએ ભવિષ્યનો વ્યાપાર નવા ચલણમાં શિફ્ટ થાય છે.

તાજેતરમાં જ ભારતીય કંપનીઓએ ઇરાન પાસેથી ઓઇલ ખરીદ્યુ હતુ. તેનું પેમેન્ટ તેમણે યુઆનમાં કર્યુ હતું. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સહિત બીજી કંપનીઓ પણ અમેરિકન ડોલરના બદલે યુઆનમાં ચૂકવણી કરવા વિચારી રહી છે. અમેરિકન ડોલરની નબળાઈનો સામનો કરવા ઇલેક્ટ્રોનિક્સ અને રિટેલ સેક્ટરની ટોચની કંપનીઓ યુઆન તરફ વળવાનો વિચાર કરી રહી છે. 

ખાડીયુદ્ધના લીધે યુએઈને બધી રીતે ફટકો પડયો છે. ઇરાને કરેલા હુમલામાં ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું છે. જ્યારે ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરતા તેની નિકાસ અટકી ગઈ છે. તેના કારણે ઓઇલ-ગેસમાંથી થતી આવક પણ અટકી ગઈ છે. આ સંજોગોમાં જો અમેરિકા તેને ડોલર સ્વેપ લાઇફલાઇન પૂરી ન પાડે તો તેણે ઓઇલ-ગેસના વેપારથી લઈને બચત માટે યુઆન સહિત અન્ય ચલણ તરફ નજર દોડાવવી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે અમેરિકા આ પ્રકારે સ્વૈપ લાઇનને લઇને અત્યંત સાવધ છે. તે યુએઈને સ્વેપ લાઇનની મંજૂરી આપે તેવી સંભાવના ઘણી ઓછી છે. ભારતીય કંપનીઓ પણ રૂપિયાના ઘટેલા મૂલ્યના કારણે આયાત ખર્ચ ઘટાડવા યુઆન તરફ વળી છે. 



Source link

Related Articles

Back to top button