ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his mother in a rented house

![]()
વડોદરા,માતા સાથે રહેતા યુવકને પત્ની સાથે મતભેદ હોઇ ડિવોર્સની વાત ચાલતી હતી. દરમિયાન ગઇકાલે તેણે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી બાયપાસ કાન્હા નિર્મલ રેસિડેન્સીમાં રહેતો ૨૮ વર્ષનો હાર્દિક દિપકરાવ શિંદે મુંબઇમાં ફૂટવેરની દુકાનમાં નોકરી કરતો હતો. ત્રણ દિવસ અગાઉ જ તેણે આ મકાન ભાડે લીધું હતું. ગઇકાલે બપોરે માતા સાથે જમ્યા પછી તે બીજા રૃમમાં સૂવા માટે ગયો હતો. માતાએ સાંજે તેને ઉઠાડવા માટે દરવાજો ખખડાવ્યો હતો અને મોબાઇલ ફોન પણ કર્યો હતો. પરંતુ, હાર્દિકે દરવાજો ખોલ્યો નહતો. જેથી, માતાએ નજીકમાં જ રહેતી પુત્રીને જાણ કરી બોલાવી હતી. ત્યારબાદ કટર વડે દરવાજો કાપીને અંદર જોયું તો હાર્દિકે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશનના હે.કો. ભાવેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હાર્દિક અને તેની પત્ની વચ્ચે મતભેદ હોઇ ડિવોર્સની વાત ચાલતી હતી. તેની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, હાર્દિકને અન્ય યુવતી સાથે સંબંધ હતો અને તે યુવતીના કારણે જ તેણે જીવન ટૂંકાવ્યું છે. જોકે, પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.



