સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after eating at Central University

![]()
વડોદરા,વડોદરાથી ડભોઇ જતા રોડ પર કુંઢેલા ગામમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુલ ૧૭ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી.
ડભોઈ તાલુકામાં કુંઢેલા ગામે ડભોઇ વડોદરા રોડ ઉપર આવેલી સેન્ટ્રલ યુનિવસટીમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ગઇકાલે એન્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે છ વાગ્યે પ્રોગ્રામ શરૃ થયો હતો. જેમાં અંદાજે ૧ હજાર લોકો હાજર હતા. રાત્રે સાડા આઠ વાગ્યા પછી જમવાનું શરૃ થયું હતું. રાત્રિ ભોજન પછી ૧૧ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. અચાનક ઝાડા ઉલટી શરૃ થતા ૧૧ વિદ્યાર્થીઓને રાત્રે જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવારમાં દવા અને ઓઆરએસ આપ્યા પછી ડોક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને બે કલાક સુધી ઓબ્ઝર્ર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને રજા આપવામાં આવી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ફૂડ પોઇઝનિંગના કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ ગઇ ત્યારે પણ અન્ય છ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા તેઓની પણ સારવાર કરવામાં આવી હતી. જ્યારે યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, હિટ સ્ટ્રોકના કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૃ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે, ફૂડ પોઇઝનિંગની અસર હતી કે, હિટ સ્ટ્રોકની.
સેન્ટ્રલ યુનિ.માં અગાઉ પણ ભોજનની ગુણવત્તાને લઇને હોબાળો થયો હતો
વડોદરા,
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં મેસમાં ભોજનની ગુણવત્તાને લઇને ત્રણ મહિના પહેલા પણ હોબાળો થયો હતો. રસોઇમાં ગુણવત્તા જળવાતી નહીં હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ આંદોલન પણ કર્યું હતું. તદુપરાંત રસોઇમાં નોનવેજ પીરસવાના મુદ્દે પણ હંગામો થયો હતો.
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા વિદ્યાર્થીઓ
(૧) યશવર્ધન બલાશ, ઉં.વ.૨૧ (૨) અમિના અશરફ, ઉં.વ.૨૩ (૩) સહાન રજા,ઉં.વ.૨૫ (૪) શુભમ રાજ, ઉં.વ.૨૦ (૫) જીસાન પીવી, ઉ.ંવ.૨૩ (૫) જીસાન પીવી, ઉં.વ.૨૩ (૬) અરૃણ થોરી, ઉં.વ.૨૧ (૭) યુવરાજ સોલંકી, ઉં.વ.૨૧ (૮) મોહિત મીના, ઉં.વ.૧૭ (૯) અરમા શ્રુતા, ઉં.વ.૨૨ (૧૦) બાલાજી શર્મા, ઉં.વ.૧૮ (૧૧) પ્રિયાંશુ દિપકકુમાર રંજન, ઉં.વ.૧૮)



