राष्ट्रीय

Explainer: તમિલનાડુની ચૂંટણીમાં હિન્દી વિરુદ્ધ તમિલ અસ્મિતાનો જંગ, સમજો દ્રવિડ રાજકારણમાં ભાષાના ગૌરવનો ઈતિહાસ | The Language Divide Hindi Imposition Debate in Tamil Nadu MK Stalin Language controversy



The Language Divide: Hindi Imposition Debate in Tamil Nadu: ભાષા માત્ર વાતચીતનું માધ્યમ નથી, તે ઓળખ છે, અસ્મિતા છે અને કેટલાક માટે તો જીવન મરણનો સવાલ છે. તમિલનાડુની ધરતી પર આજે ફરી એકવાર એ જ જૂનો સૂર સંભળાઈ રહ્યો છે, ‘અમારા પર હિન્દી થોપાઈ રહ્યું છે’. 1937માં રાજાજીએ પહેલી વાર હિન્દીને ફરજિયાત કરી ત્યારે જે આગ સળગી હતી, તે 1965માં રાષ્ટ્રભાષાના નામે વિકરાળ બની અને હવે 2026ની વિધાનસભા ચૂંટણીમાં નવી શિક્ષણ નીતિ (NEP- ન્યૂ એજ્યુકેશન પોલિસી)ના નામે એ જ આગ ફરી ભડકી ઊઠી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનું સ્પષ્ટ માનવું છે કે, ‘ત્યારે નહીં, હવે નહીં, ક્યારેય નહીં.’ તેમના માટે તમિલ ભાષાનો બચાવ એ રાજકારણ નહીં, પણ ઇતિહાસનું ઋણ ચૂકવવા સમાન છે. ચાલો, જાણીએ લગભગ એક સદી જૂના આ ભાષા વિવાદનો ઇતિહાસ શું છે. 

1937માં વિવાદનો પાયો નંખાયો 

આ વિવાદનો પાયો 1937માં બ્રિટિશ શાસનના સમયમાં નંખાયો હતો. મદ્રાસ પ્રેસિડેન્સીના તત્કાલીન મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી (રાજાજી)એ તમિલનાડુની માધ્યમિક શાળાઓમાં હિન્દી ફરજિયાત કરી દેતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. ખાસ કરીને રાજાજી સામે સૌથી પહેલા પેરિયાર ઇ.વી. રામાસ્વામીએ અવાજ ઉઠાવ્યો હતો. તેમનું માનવું હતું કે ઉત્તર ભારતની ભાષા દક્ષિણમાં થોપવી એ સાંસ્કૃતિક ગુલામી સમાન છે.

… અને ભાષા માટે પહેલીવાર લોહી વહ્યું

વર્ષ 1938માં તમિલનાડુમાં હિન્દી શીખવું ફરજિયાત કરી દેવાતા વિરોધ વધવા લાગ્યો. ત્યાર પછી 1939માં તો કેટલાક સ્થળે હિંસા પણ ફાટી નીકળી. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન બે યુવાન નટરાજન અને થલમુત્થુ નાદરના મોત થયા. નટરાજન 20 વર્ષનો નિરક્ષર સુથાર હતો, જેની હિન્દી ભાષાના વિરોધ બદલ ધરપકડ કરાઈ હતી. જેલમાં પેટની બીમારીથી તેનું મૃત્યુ થયું. થલમુત્થુ નાદર ‘ડાઉન વિથ હિન્દી, મે તમિલ ફ્લોરિશ’ના નારા સાથે જેલમાં દાખલ થયા, જ્યાં તેમનું પણ અવસાન થયું. આ બંનેને તમિલ ગૌરવના શહીદ તરીકે આજે પણ પૂજવામાં આવે છે. ચેન્નઈમાં તેમનું સ્મારક ‘ભાષા શહીદો’ની યાદ અપાવે છે. 

રાજાજીએ હઠ ચાલુ રાખી અને સ્થિતિ વણસી 

ભાષા મુદ્દે તમિલનાડુમાં આવા રમખાણો થવા છતાં રાજાજીની હિન્દી ફરજિયાતની હઠ ચાલુ જ રહી. આ અંગે તત્કાલીન બ્રિટિશ ગવર્નર લોર્ડ એર્સ્કિને પણ રાજાજીના વલણની ટીકા કરી. 1940માં એર્સ્કિનના આદેશથી હિન્દી ફરજિયાત કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવાયો અને તેને વૈકલ્પિક વિષય બનાવાયો. 

ભાષા વિવાદના કારણે થયો ડીએમકેનો ઉદય 

દેશની સ્વતંત્રતા બાદ 1960ના દાયકામાં ફરી એકવાર મામલો ગરમાયો. કેન્દ્ર સરકારે 26 જાન્યુઆરી 1965થી હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો નિર્ણય કર્યો. તમિલનાડુમાં આ નિર્ણયને ‘ઉત્તરી સંસ્કૃતિ થોપવાનું દબાણ’ એટલે કે ઉત્તર ભારતના રાજ્યોની સંસ્કૃતિ જબરદસ્તીથી થોપવાનું કહીને ભડકો થયો. તમિલનાડુમાં વ્યાપક રમખાણો થયા, જેમાં ઘણાં યુવાનોએ આત્મવિલોપન કર્યું અને શહીદી વહોરી. આ સમય સુધીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) મજબૂત રાજકીય પક્ષ તરીકે ઉભ્યો. ડીએમકેએ તમિલ ગૌરવનો ઝંડો લહેરાવ્યો અને યુવાનોમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી.

લાલ બહાદુર શાસ્ત્રીએ મામલો થાળે પાડ્યો

તમિલનાડુમાં આ આંદોલન બે મહિના ચાલ્યું. છેવટે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ખાતરી આપી કે જ્યાં સુધી બિન-હિન્દીભાષી રાજ્યો ઇચ્છે ત્યાં સુધી સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી ચાલુ રહેશે. આ વચનથી આંદોલન શાંત થયું. 1965ના આંદોલનની યાદમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ તમિલનાડુમાં ‘ભાષા શહીદ દિવસ’ ઊજવાય છે.

ત્યાર પછી ત્રિભાષા ફોર્મ્યુલાની રજૂઆત થઈ  

આ દરમિયાન 1964-66માં કોઠારી કમિશને ત્રિભાષા સૂત્રનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં બિન-હિન્દી રાજ્યોમાં પ્રાદેશિક ભાષા, અંગ્રેજી અને હિન્દી શીખવવાની (એ જ ક્રમમાં) ભલામણ કરાઈ. એ નિર્ણયને પણ તમિલનાડુએ ‘હિન્દી લાદવાનું કાવતરું’ ગણાવ્યું. 1968માં ઇન્દિરા ગાંધી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સત્તાવાર રૂપ આપ્યું, પરંતુ શિક્ષણ એ રાજ્યનો વિષય હોવાથી તેનો અમલ કરવાની જવાબદારી રાજ્યો પર હતી. આથી, ઘણાં રાજ્યોએ આ ફોર્મ્યુલાને સંપૂર્ણપણે લાગુ ના કરી. આમ, ત્રિભાષા ફોર્મ્યુલા ફક્ત કાગળ પર જ રહી ગઈ.

હિન્દીના વિરોધમાં બંધારણ બાળી નાંખ્યું

વર્ષ 1986માં રાજીવ ગાંધીએ ત્રિભાષા નીતિને ફરી પ્રોત્સાહન આપ્યું. ત્યારે ડીએમકેના સભ્યોએ બંધારણની નકલો બાળી. આ મુદ્દે અનેક લોકોની ધરપકડ થઈ. પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ સહિત અનેક નેતાઓ જેલમાં ગયા. છેવટે રાજીવ ગાંધીએ રાજ્યને ખાતરી આપી કે હિન્દી લાદવામાં આવશે નહીં. પરિણામે તમિલનાડુએ બે ભાષાની નીતિ (તમિલ અને અંગ્રેજી) અપનાવવાનું ચાલુ રાખ્યું, જે આજે પણ ચાલુ છે.

નવી શિક્ષણ નીતિ 2020 શું છે?

વર્ષ 2020માં કેન્દ્ર સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી, જેમાં ત્રિભાષા સૂત્રને વધુ ‘લવચીક’ બનાવવાનો દાવો કરાયો હતો. આ નીતિ મુજબ, દરેક વિદ્યાર્થીએ ત્રણ ભાષા શીખવી જ જોઈએ, જેમાંથી ઓછામાં ઓછી બે ભાષા ભારતની મૂળ ભાષા હોવી જોઈએ, જ્યારે ત્રીજી ભાષા વિદેશી (જેમ કે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, કોરિયન, સ્પેનિશ વગેરે) હોઈ શકે છે. આ ત્રણ ભાષામાં પ્રથમ ભાષા માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા હોવી જોઈએ, અને એ જ ભાષામાં ધોરણ 5 સુધીનું શિક્ષણ અપાવું જોઈએ. બીજી ભાષા વિદેશી હશે અને ત્રીજી ભાષા હિન્દી કે કોઈ અન્ય ભારતીય ભાષા હોઈ શકે છે. આમાં ક્યાંય હિન્દીને ફરજિયાત બનાવવાની વાત નથી. 

સ્ટાલિનનો સ્પષ્ટ ઇનકાર અને કેન્દ્રીય સહાય બંધ 

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને સ્પષ્ટ કહ્યું છે કે તમિલનાડુ ક્યારેય ત્રિભાષા નીતિ સ્વીકારશે નહીં કારણ કે, આ નીતિ તમિલ ભાષાની ગરિમાને નબળી પાડે છે. તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું કે કોવિડ મહામારીના સમયમાં સંસદમાં ચર્ચા વિના આ નીતિ લાદવી એ લોકશાહીના પાયાને નબળો પાડે છે. તમિલનાડુએ નવી શિક્ષણ નીતિનો પણ વિરોધ કરતાં કેન્દ્ર સરકારે ‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ તમિલનાડુની સહાય અટકાવી દીધી છે. પહેલા આ રકમ રૂ. 573 કરોડ હોવાનું કહેવાયું, પરંતુ તાજેતરમાં તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું કે કેન્દ્રે રૂ. 2,200 કરોડ જેટલી રકમ રોકી દીધી છે. 

મદ્રાસ હાઇકોર્ટ કેન્દ્ર સરકારની નીતિ વિરુદ્ધ 

આ મામલો કોર્ટમાં જતાં મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્રને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શિક્ષણના અધિકાર (RTE) અંતર્ગત આવતા ભંડોળને ભાષાની નીતિ સાથે ના જોડી શકાય. કોર્ટે કહ્યું કે આરટીઈ હેઠળ ભંડોળ ચૂકવવું એ કેન્દ્રની ફરજ છે, અને તે નવી શિક્ષણ નીતિ સ્વીકારવાની શરતે નહીં જોવું જોઈએ. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિના અમલીકરણને શિક્ષણ ભંડોળ રોકવા માટેનું ‘શસ્ત્ર’ ના બનાવી શકે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી છે કે નવી શિક્ષણ નીત અને પીએમ શ્રી યોજના રાજ્ય માટે બંધનકર્તા નથી. રાજ્યની દલીલ છે કે કેન્દ્ર ‘સહકારી સંઘવાદ’ના સિદ્ધાંતનો ભંગ કરી રહ્યું છે.

ચૂંટણીમાં સામાજિક ન્યાય વિરુદ્ધ હિન્દીનો જંગ  

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (23 એપ્રિલ) નજીક છે અને ‘હિન્દી લાદવાનો’ મુદ્દો પૂરજોશમાં છે ત્યારે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને આ ચૂંટણીને ‘સામાજિક ન્યાય અને હિન્દી લાદવા’ વચ્ચેની ટક્કર ગણાવી છે. 25 જાન્યુઆરી, 2026ના ‘ભાષા શહીદ દિવસ’ નિમિત્તે સ્ટાલિને કહ્યું, ‘તમિલો તેમની ભાષાને જીવ કરતાં વધુ પ્રેમ કરે છે. તમિલોએ હિન્દી લાદવા સામે એક થઈને સંઘર્ષ કર્યો છે. ત્યારે નહીં, હવે નહીં, ક્યારેય નહીં… તમિલનાડુમાં હિન્દીને કોઈ સ્થાન નથી.’ હાલમાં જ તિરુચિરાપલ્લીમાં રેલવે સાઇન બોર્ડ પરના હિન્દી લખાણ પર ડીએમકે કાર્યકરોએ કાળો રંગ લગાવીને વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચો: ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા

ભાષા માટે આટલી હઠનું કારણ શું છે? 

તમિલનાડુની આ હઠના મૂળમાં એકથી વધુ કારણો છે. 

– આ હઠનું કારણ માત્ર ભાષા નથી, પરંતુ સાંસ્કૃતિક અસ્તિત્વનો સવાલ છે. તમિલ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા પૈકીની એક છે, જેનો સાહિત્યિક ઇતિહાસ 2,000 વર્ષથી વધુનો છે. તેઓ તેનું ગૌરવ ગુમાવવા માંગતા નથી. 

– રાજકીય રીતે પણ આ મુદ્દો ડીએમકે માટે જીવનરેખા સમાન છે. દરેક ચૂંટણી વખતે ‘તમિલ અસ્મિતા’નો મુદ્દો ઉઠાવીને પક્ષ પોતાના પરંપરાગત મતદારોના મત મેળવે છે. 

આમ, કેન્દ્ર સરકારે ભલે ગમે તેટલી ખાતરી આપે, તમિલનાડુમાં ભાષાનો મુદ્દો ભાવનાત્મક અને રાજકીય હથિયાર બની રહે છે, જેની આગ આવનારા દિવસોમાં પણ સળગતી રહેવાની સંભાવના છે.



Source link

Related Articles

Back to top button