નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવેદન | eknath shinde dismisses shiv sena unification rumors

![]()
Eknath Shinde dismisses Shiv Sena unification rumors : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના બંને જૂથો (ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે) વચ્ચે ફરી મિલન થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ તમામ અટકળોને લગભગ ફગાવી દીધી છે. શિવસેનાના નેતા અબ્દુલ સત્તાર અને ઉદ્ધવ જૂથના નેતા અંબાદાસ દાનવેના તાજેતરના નિવેદનો બાદ મિલનની જે ચર્ચાઓ શરૂ થઈ હતી, તેના પર શિંદેએ વિરામ મૂક્યો છે.
શું બોલ્યા એકનાથ શિંદે?
એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી જ બાળાસાહેબ ઠાકરેના અસલી વિચારો અને હિન્દુત્વની વિચારધારાને આગળ વધારી રહી છે. તેમણે કહ્યું, અમે બાળાસાહેબની વિચારધારા અને હિન્દુત્વને જાળવી રાખીને આગળ વધી રહ્યા છીએ. અમે એવી સરકાર બનાવી છે જે મહારાષ્ટ્રની જનતાની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને જનતાએ અમને બે વાર પોતાનો જનાદેશ આપ્યો છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથેની કોઈપણ સંભવિત સુલેહ કે મિલન પર સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તેમના શબ્દોમાં સ્પષ્ટ હતું કે તેઓ વર્તમાન સત્તાધારી ગઠબંધન સાથે મક્કમ છે.
વિવાદનું મૂળ: નેતાઓના નિવેદનો
આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે શિવસેનાના અબ્દુલ સત્તાર અને શિવસેના (UBT) ના અંબાદાસ દાનવેએ ભાજપની કાર્યશૈલી પર નિશાન સાધ્યું હતું. દાનવેએ ભાજપ પર ‘મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે’ તેવો આક્ષેપ કર્યો હતો, જ્યારે સત્તારે તો ભાજપ પર શિવસેનાનું અસ્તિત્વ ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંજય રાઉતનો પલટવાર
આ સમગ્ર વિવાદમાં સંજય રાઉતે પણ ઝંપલાવ્યું છે. તેમણે અબ્દુલ સત્તાર પર નિશાન સાધતા કહ્યું કે, જો તમને લાગે છે કે ભાજપ શિવસેનાને ખતમ કરી રહ્યો છે, તો તમે તેમની સાથે રહીને ચમચા તરીકે કામ કેમ કરી રહ્યા છો? તમારે તમારા નેતાઓને જવાબ પૂછવો જોઈએ.
એકનાથ શિંદેના આ નિવેદન બાદ હવે એ સ્પષ્ટ જણાય છે કે હાલના તબક્કે શિવસેનાના બંને જૂથોના મિલનની કોઈ શક્યતા દેખાતી નથી. બંને જૂથો પોતપોતાની રીતે ‘અસલી શિવસેના’ હોવાનો દાવો કરી રહ્યા છે.



