ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance officials nabbed six accused in myul accout case

અમદાવાદ,શનિવાર
સાયબર ક્રાઇમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પુરી પાડતી ગેંગને ઝડપી લેવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાંથી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાંથી ૨૧૦ કરોડ રૂપિયાની રકમની હેરફેર કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મોટાપ્રમાણમાં ચેકબુક, ડેબિટ કાર્ડ, મોબાઇલ ફોન તેમજ ક્યુ આર કોડનું મટિરીયલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ડીજીટલ એરેસ્ટ, ગેમિંગ, લોન ફ્રોડ, જોબ ફ્રોડ સહિતના સાયબર ક્રાઇમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરતી ગેંગ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહી હતી. ત્યારે વડોદરામાં એક ચોક્કસ ગેંગ સક્રિય હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છ શખ્સોની અટકાયત કરીને સઘન પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલવામાં તેમજ નાણાંની હેરફેર કરવામાં મોટાપ્રમાણમાં સક્રિય હતા. પોલીસને આરોપી પાસેથી ૧૧ મોબાઇલ ફોન, ૧૨ ચેકબુક, પાંચ પાસબુક, ૩૯ ડેબિટ કાર્ડ, એક લેપટોપ, બેંક અલગ અલગ ૧૦ ક્યુ આર કોડ મળી આવ્યા હતા. લેપટોપમાં તપાસ કરતા તેમના દ્વારા ખોલવામાં આવેલા કુલ બેંક એકાઉન્ટમાંથી કુલ ૨૧૦ કરોડ રૂપિયાની હેરફેર કરવામાં આવી હતી. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ પઠાણની મલ્ટીપલ બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાં ઉપાડવાનું કામ કરતો હતો, વિવેક વણઝારા કમિશન લઇને એકાઉન્ટ ખોલીને કમિશન આધારે નાણાં ઉપાડતો હતો. તેને મંયક બૈરવા નામનો મિત્ર મદદ કરતો હતો. આ ઉપરાંત, રોહિત શર્મા પણ બેંક એકાઉન્ટમાં કમિશનના આધારે નાણાં ટ્રાન્સફર કરતો હતો. જ્યારે મોહિત રાવલ મોબાઇલ બેંકિંગ માટે સીમ કાર્ડ પુરા પાડતો હતો અને દિપેશ રાજપુરોહિત મુખ્ય માસ્ટર માઇન્ડ હતો અને ૪૦થી વધુ બેંક ખાતાનું સચાલન કરતો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


