गुजरात

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in Dhandhuka After Youths Murder Clashes and Arson Reported


Dhandhuka News: અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના બાદ બે કોમ સામ સામે આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે બે ધર્મના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. એવી ચર્ચા છે કે બંને યુવકો વચ્ચે વાહન ઓવરટેક જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. 

હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં કરી આગચંપી

હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી 2 - image

ધંધુકામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો, મુખ્ય આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી 3 - image

અમદાવાદ એસપી (SP) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી 4 - image

આસપાસના શહેરોમાંથી ફાયર વિભાગની ટીમો બોલાવાઈ

કેટલીક દુકાનોમાં પણ આગચંપી કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરામાંથી ફાયર વિભાગની ટીમો બોલાવવામાં આવી છે.

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી 5 - image
મૃતક યુવકની તસવીર

હાલ સ્થિતિ કાબૂમાં, શાંતિની કરાઈ અપીલ

સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એક દુ:ખદ ઘટના છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૌએ સમજદારી દાખવવી જોઈએ.

પોલીસે શું કહ્યું?

મામલાની ગંભીરતાને જોતાં SP હોસ્પિટલ પહોંચ્યા હતા, મૃતકના પરિવાર અને સંબંધીઓ તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી કહ્યું હતું કે, ‘બાઈકની ઓવરટેક બાબતે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. યુવકને પગમાં છરી વાગી હતી જેથી તેનું મોત થયું છે. આગેવાનોના તમામ મુદ્દાઓ અમે સાંભળ્યા છે. અમે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઘરમાં ઘૂસીને જવાબદારોને પકડવાની અમારી કોમ્બિંગ ચાલુ રહેશે. આની પાછળ જે પણ કોઈ લોકો છે તેના સુધી પહોંચી કડક એક્શન લેવામાં આવશે. હાલ સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ છે, અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે અપીલ પણ કરીએ છીએ.આરોપીને પકડી લેવામાં આવ્યો છે આગળની કાયદાકીય પ્રક્રિયા હાલ ચાલુ છે.’

આ પણ વાંચો: ધમધોખતા તાપ વચ્ચે ત્રણ દિવસ રાજ્યના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી

હાલમાં ધંધુકામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણ હેઠળ છે, છતાં તંગદિલીને ધ્યાનમાં રાખીને વધારાની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને શહેરની શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપે.





Source link

Related Articles

Back to top button