गुजरात

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor altercation in Khadia village of Junagadh



મિત્રો નશાકારક પદાર્થનું સેવન કરવા માટે એકઠા થયા હતા : બંને મિત્રોએ લોખંડનો સળિયો માથામાં મારતા ગંભીર ઈજાના કારણે બનાવ હત્યામાં પરિણ્યમો : આરોપીઓની ધરપકડ

 જૂનાગઢ, : જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે. મૃતક અને આરોપીઓ નશાકારક પદાર્થનું સેવન કરવા માટે એકઠા થયા બાદ બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૃતક રફીકશા કરીમશા રફાઈ (રહે. ડુંગરપુર) ગત તારીખ 16ના રોજ પોતાના ઘરે હતા તે દરમ્યાન તેના મિત્ર મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેમના ઘરે આવ્યા હતા અને રફીકશાને ખડીયાના ધના મહારાજના આશ્રમ ખાતે આવવા જણાવ્યું હતું. ત્રણેય વ્યક્તિઓ આશ્રમ પાસે ભેગા થયા હતા જ્યાં કોઈ કારણોસર તેમની વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને બંને મિત્રોએ જ ત્યાં નજીકમાં પડેલા લોખંડના સળિયા વડે રફીકશા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રફીકશાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

હત્યાના આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીવાયએસપી  પરમારે જણાવ્યું હતું કે, મૃતકના મિત્ર મિલન સોલંકી તથા અનિલ ગુજરાતીને હત્યાના ગુના સબબ ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણેય વ્યક્તિઓ કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવાના ઈરાદે એકઠા થયા હતા. મૃતક રફીકશા છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આરોપીઓ પૈકી મિલન સોલંકી અગાઉ પણ કેટલાક સામાન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button