गुजरात

વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Congress candidate Ashish Joshi’s son attacked by BJP workers in Ward 15 of Vadodara city



Vadodara Election : વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે કે, પ્રચાર દરમ્યાન તેમના પરિવાર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અને તેમના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે.

આશિષ જોષીના જણાવ્યા મુજબ, ઉકાજી વાડીયા વિસ્તારમાં તેઓ પોતાની પત્ની, બહેન અને પુત્ર યસ સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન બોલાચાલી વધી જતાં ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો, જેમાં તેમના પુત્ર યસને હાથના ભાગે ઇજા પહોંચી છે. સમગ્ર મામલો હવે પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યો છે.

આશિષ જોષીએ વધુમાં આક્ષેપ કર્યો કે, ભાજપના ઉમેદવારોને વોર્ડમાં પ્રતિસાદ ન મળતા હારના ભયથી તેઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે થવી જોઈએ. સંસ્કારી નગરી વડોદરામાં આવા બનાવો દુર્ભાગ્યપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે આ ઘટનાની કડક નિંદા કરી અને જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી આયોગને રજૂઆત કરવાની પણ વાત કરી છે. સાથે જ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરીને પાસા હેઠળ ધરપકડ કરી શહેર બહાર ખસેડવાની માંગ પણ ઉઠાવી છે.



Source link

Related Articles

Back to top button