6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું | Rajasthani style portrait of deaf mute boy found at station leads to family

![]()
વડોદરાઃ વડોદરાના રેલવે સ્ટેશનેથી છ મહિના પહેલાં મળી આવેલા ૧૪ વર્ષના મૂકબધિર કિશોરને પંદર દિવસ પછી બીજી સંસ્થામાં શિફ્ટ કરવાનો હતો પણ તેને બીજી સંસ્થામાં જવું નહતું.આ દરમિયાન મહિલા કાઉન્સેલરની મહેનત રંગ લાવી હતી અને કિશોરના નસીબ આડેનું પાંદડું ખસી જતાં તેનોપરિવાર સાથે મેળાપ થઇ ગયો હતો.
બન્યું એમ કે,છ મહિના પહેલાં ઘરછોડી ભાગેલા કુલદીપ નામના મૂકબધિર કિશોરના વાલીવારસ નહિ મળતાં પોલીસે વડોદરાની બાળ કલ્યાણ સમિતિને સોંપી ચિલ્ડ્રન હોમમાં આશરો અપાવ્યો હતો.જ્યાં સંધ્યા સપકાળ નામના કાઉન્સેલર દુભાષિયાઓને બોલાવી કાઉન્સેલિંગ કરતા હતાં.પરંતુ કિશોર પરિવાર કે વતનના કોઇ સગડ મળતા નહતા.
દરમિયાનમાં નિયમ મુજબ ૧૫ દિવસ પછી કિશોરને બીજી સંસ્થામાં શિફ્ટ કરવાનો હતો.પરંતુ તેેન બીજી સંસ્થામાં જવું નહતું અને ઇશારાથી ભાગી જવાની કે બીજું કોઇ પગલું ભરવાની ધમકી આપતો હતો.આ દરમિયાન તેણે દોરેલા રાજસ્થાની શૈલીનું એક ચિત્ર જોઇ કાઉન્સેલર ચોંક્યા હતા.તેમણે ચિત્ર પરથી સોશ્યલ મીડિયા પરના જુદાજુદા સ્થળો બતાવતાં કિશોરે નાથદ્વારા અને તેની પાસેના શિવમંદિરને ઓળખ્યું હતું.
કાઉન્સેલરે તેના ઉપરી મેહુલ લાખાણી સહિતના અધિકારીઓનો સંપર્ક કરી કિશોરને બસમાં રાજસ્થાન લઇ ગયા હતાં.જ્યાં પોલીસની મદદ લઇ પાંચ દિવસથી જુદાજુદા ગામોમાં ફરતા હતા ત્યારે કિશોરે કેટલાક સ્થળો ઓળખી બતાવ્યા હતા.દરમિયાનમાં કારમાં જતી વખતે કિશોરે એકાએક જોરજોરથી ઊંહકારા ભરવા માંડી ઇશારા કરતાં કાઉન્સેલરને શંકા થઇ હતી.કિશોરે બાઇકનો ઇશારો કરતાં કાઉન્સેલરે કાર પાસેથી પસાર થયેલી બાઇકનો પીછો કરાવ્યો હતો.બાઇક સવાર દંપતીને કારે આંતરતા ગભરાઇ ગયા હતા.પરંતુ કિશોર નીચે ઉતરતાં જ તેઓ ભેટી પડીને રડી પડયા હતા.પૂછપરછ બાદ દંપતી કિશોરના કાકા-કાકી હોવાનું ખુલ્યું હતું અને ત્યારબાદ હદયદ્રાવક દ્શ્યો સર્જાયા હતા.



