વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks out during cricket tournament on Waghodia Road late at night in Vadodara: 6 injured

![]()
Vadodara Crime : વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે કહાર મહોલ્લામાં રહેતા ચિરાગ કિશોરભાઈ કહારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે વાઘોડિયા ગ્રાઉન્ડમાં કાલભૈરવ ટીમ તથા દ્વારકાધીશ ઇલેવન ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હું કાલભૈરવ ટીમના કેપ્ટન તરીકે રમવા ગયો હતો આ રમત જોવા માટે મારા બનેવી નરેશ કહાર ઉર્ફે લાલી તથા મારો ભાણિયો હર્ષ નરેશભાઈ કહાર પણ આવ્યા હતા. રાત્રે 10:00 વાગે મેચ શરૂ થઈ હતી અમારી સામેની ટીમને પહેલી બેટિંગ આવતા તેઓ 35 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા.
રાત્રે સવા બાર વાગે અમારી બેટિંગ આવતા અમે જીતની એકદમ નજીક હતા મારા બનેવીએ ચાલુ મેચમાં બોલ ધીમેથી નાખવા માટે કોમેન્ટ કરતા સામેવાળાની ટીમમાંથી કોઈએ એકદમ લાઈટો બંધ કરી દીધી હતી અને કરસન રબારી લોખંડની પાઇપ વડે મને માથામાં ફટકો માર્યો હતો. મારા બનેવી છોડાવવા વચ્ચે પડતા હર્ષદ ભરવાડે તેઓને પણ ગાળો બોલી માથામાં લોખંડનો પાઇપ મારી દીધો હતો. મારો ભાણિયો હર્ષ છોડાવવા પડતા રીતુ શર્માએ તેના ઉપર પણ લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આરોપી ભાગી ગયા હતા.
સામા પક્ષે હર્ષદ ભરવાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેચમાં મારા મારી થતા મેં જગાભાઈ ભરવાડ તથા રાહુલ ભરવાડ તેઓને છોડાવ્યા હતા ત્યારબાદ બંને પક્ષના છોકરાઓ બાપોદ પોલીસ સ્ટેશન ગયા હતા. અમારા વિસ્તારમાં રહેતા રિતેશ શર્માને ઈજા થઈ હોય તેને એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા જેની ખબર જોવા માટે હું તથા રિતેશનો ભાઈ દિપક બુલેટ લઈને જતા હતા ત્યારે એમ.જી રોડ રણછોડજીના મંદિર પાસે રાત્રે સવા વાગે શિવમ હકાર, હર્ષ કહાર તથા અન્ય એક આરોપીએ અમને ઊભા રાખી અગાઉના ઝઘડાની અદાવત રાખી સાઇકલની ચેન તથા ડંડા વડે માર માર્યો હતો.



