યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first proposal women reservation ahmedabad municipal corporation history

![]()
Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં તેના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રોપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.
સરદારે મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો
સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એવો જમાનો હતો કે મદ્રાસ (હવે ચેન્નાઈ)માં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. મહિલા અનામત અંગેનો વિચાર 12 ડિસેમ્બર 1918ના મુંબઈની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, ‘સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?
કોર્પોરેશન એક્ટમાં ફેરફાર સુચવ્યો
આવા આ સમયમાં દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલે 13 માર્ચ 1919ના પોતાની દરખાસ્તમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસ્તી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?
શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં?
મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃવિચારણા કરવાની ફરજ પડે. સરદાર વલ્લભભાઈની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સુરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઈ થઈ પણ 1925માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ જૂન 1926 થી શરૂ થયો હતો.



