પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા પરિણીત આરોપીની જામીન અરજી રદ | Bail application of married accused who committed rape after being lured into a love trap rejected

![]()
વડોદરા : સગીરના પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી
બનાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પોક્સો
જેવા ગંભીર કેસોમાં જ્યારે ટ્રાયલ નિર્ણાયક તબક્કે હોય ત્યારે આરોપીને જામીન પર
મુક્ત કરી શકાય નહીં. ભોગ બનનાર હોસ્ટાઇલ જાહેર થઇ હોવા છતાં કેસની ગંભીરતા ઓછી થતી નથી.
કેસની વિગત એવી છે કે,વર્ષ ૨૦૨૫માં આરોપી રાજબાબુ મહતો વિરુદ્ધ પોક્સો
એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જૂન ૨૦૨૫માં આરોપી
સગીરાને લલચાવીને પોતાની કારમાં એક હોટલ પર લઈ ગયો હતો અને ત્યાં તેણે
શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કરતૂતને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને અંતે
તેણે ગર્ભપાત કરાવવાની નોબત આવી હતી.આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી રાજાબાબુએ
જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, કેસની ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર સગીરા હોસ્ટાઈલ થઈ ગઈ છે, તેથી આરોપીને જામીન મળવા જોઈએ.
જ્યારે સરકારી વકીલ એન.યુ. મકવાણાએ દલીલ કરી હતી કે,આરોપી
પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું જીવન બરબાદ કર્યું છે.
ચાર્જશીટ દાખલ થયા પછી પણ સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી અને ગુનો અત્યંત ગંભીર
હોવાથી તેને જામીન ન આપવા જોઈએ.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીની
જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,અગાઉ પણ આરોપીની
જામીન અરજી હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા નકારવામાં આવી છે ત્યારે ગુનાની
ગંભીરતા જોતા જામીન આપવા યોગ્ય જણાતું નથી.


