૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped 17 year old student

![]()
વડોદરા,અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં નોકરી કરતા ૪૫ વર્ષના ફિટનેસ ટીચર દ્વારા તેમની જ સ્કૂલમાં ભણતી સગીર વયની વિદ્યાર્થિનીને વિદેશ ફરવા લઇ જવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. જે અંગેનો ભાંડો ફૂટતા કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરની એક સ્કૂલમાં ફિટનેસ ટીચર તરીકે નોકરી કરતા ૪૫ વર્ષના શિક્ષક વિજયકુમાર ભેમાભાઇ રાઠોડ (રહે. હેલી એવન્યુ, હરિનગર પાણીની ટાંકી રોડ, ગોત્રી) દ્વારા સ્કૂલમાં જ ભણતી વિદ્યાર્થિનીને લાલચ આપવામાં આવી હતી કે, હું તને મ્યુઝિશિયન બનાવીશ, તારી સાથે લગ્ન કરીશ, મુંબઇ અને વિદેશ ફરવા લઇ જઇશ. સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવી શિક્ષક દ્વારા છેલ્લા બે વર્ષથી શારીરિક શોષણ કરવાનું શરૃ કરાયું હતું. શિક્ષક બાઇક પર બેસાડીને વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઇ જતો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર આરોપી બપોરના સમયે વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઇ જતો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન તેણે સાત થી આઠ વખત શારીરીક શોષણ કર્યું હતું.
ગત ૮ મી તારીખે મળસ્કે ચાર વાગ્યે વિદ્યાર્થિનીની માતા જાગી ગઇ હતી. પુત્રીને નહીં જોતા તપાસ કરતા તેમની પુત્રી શિક્ષક વિજય સાથે અગાશી પરથી મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી.
સ્કૂલ દ્વારા શિક્ષકનું રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું
વડોદરા,
છેલ્લા બે વર્ષથી શિક્ષક વિજય રાઠોડ દ્વારા સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવવામાં આવી હતી. શિક્ષકના કરતૂતોની જાણ સ્ક્ૂલમાં થતા તેની પાસે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું. તેમછતાંય શિક્ષક દ્વારા સગીરાના ઘર પાસે આવી લાલચ આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, શિક્ષક પરિણીત છે.
કાઉન્સેલિંગ પછી વિદ્યાર્થિનીએ કબૂલાત કરી
વડોદરા,
અગાશી પરથી પકડાયા પછી વિદ્યાર્થિનીએ શરૃઆતમાં એવું જ રટણ કર્યું હતું કે, હું ડિપ્રેશનમાં હોઇ શિક્ષક મને સમજાવવા આવ્યા હતા. પોલીસ અને પરિવારે કાઉન્સેલિંગ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

