વડોદરા પાલિકાના વોર્ડ 2માં છાણી વિસ્તારના એકતા નગરમાં ‘કામ નહીં તો વોટ નહીં’ ના બેનર લાગ્યા | Banners saying ‘No work no vote’ were put up in Ekta Nagar of Chhani area at Vadodara

![]()
Vadodara : આગામી પાલિકાની યોજનારી ચૂંટણી અંગે હવે જોર શોરથી પ્રચાર શરૂ થયો છે ત્યારે વોર્ડ-2ના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરના પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોએ ‘કામ નહીં તો વોટ નહીં’ ના બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. છાણી એકતા નગર ખાતે 3000 જેટલા નોંધાયેલા મતદારો હોવાનું કહેવાય છે.
પાલિકાની આગામી ચૂંટણી અંગે શહેરભરમાં તમામ ઉમેદવારોએ પોતપોતાનો ચૂંટણી પ્રચાર જોર શોરથી શરૂ કરી દીધો છે ત્યારે વોર્ડ નંબર 2ના છાણી વિસ્તારના એકતા નગરના રહીશો રોષે ભરાયા છે. અગાઉ આ વિસ્તારમાં ગંદકીના કારણે ડેન્ગ્યુના અનેક કેસ નોંધાયા હતા. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ તપાસ કરવા આવ્યું ન હતું. આ વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવતું હોવા અંગે પણ રજૂઆતો કરી હતી ત્યારે પાણીની પાઇપો લીક થતી હોવાનું બહાનું બતાવ્યું હતું. એકતા નગર વિસ્તાર સ્થાનિક કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધો હોવાનું સ્થાનિક રહીસોનું કહેવું છે પરંતુ તેમણે પણ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નહિ હોવાના આક્ષેપો કર્યા હતા. હવે જ્યારે પાલિકાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ઉમેદવારોએ મતદારોને રિઝવવા અવનવા પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ સ્થાનિકોએ કામ નહીં તો વોટ નહીં એવા નારા એકત્ર થઈને લગાવ્યા હતા. એકતા નગર વિસ્તારમાં અંદાજિત 3000 જેટલા મતદારો હોવાથી તમામ ઉમેદવારો આ વિસ્તારમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.



