ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

![]()
વડોદરા,પ્રતાપનગર રોડ ઓ.એન.જી.સી.માં ગવેશના ભવનની ઓફિસના ત્રીજા માળેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઓ.એન.જી.સી. ના ગવેશના ભવનમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આજે સવારે ૧૦ વાગ્યે મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રીજા માળે બાથરૃમની નજીકથી એક તાજી જન્મેલી બાળકી મળી હતી. બાથરૃમમાં પણ લોહીના ડાઘા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકી તાજી જન્મેલી તેમજ બિનવારસી હાલતમાં હોઇ તેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કોણ બિલ્ડિંગમાં આવ્યું અને ગયું, તે અંગે તપાસ શરૃ કરી છે. દરમિયાન એવી વિગતો ચર્ચામાં આવી છે કે, શ્રમજીવી પરિવારની સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો છે. પોલીસ કહે છે કે, અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.



