વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલ્યાંઃ જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક બિનહરીફ | BJP wins three seats in Vadodara district even before the elections

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલવાની શરૃઆત થતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે.જેમાં વાઘોડિયા તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠક આવે છે.આ પૈકી ગુતાલ બેઠક પર ભાજપે વિશાલ વસાવાને ટિકિટ આપી હતી. જ્યારે,કોંગ્રેસે નરેન્દ્ર વસાવાને ટિકિટ આપી હતી.
પરંતુ ભાજપના જરોદ જિ.પં.ના પૂર્વ ચેરમેન અને કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ત્રણ મહિના પહેલાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા,તે નરેન્દ્ર વસાવાને સમજાવતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને કારણે વડોદરા જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
નોધનીય છે કે,ગુતાલ તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપના જ ઉમેદવારનું ફોર્મ ભરાતાં આ બેઠક બે દિવસ પહેલાં જ બિનહરીફ થઇ હતી.આવી જ રીતે સાવલી નગર પાલિકામાં વોર્ડનંબર-૩માં કોંગ્રેસના ઉમેદવારનું મારામારીના કેસમાં સાતવર્ષની સજાને કારણે ફોર્મ રદ થતાં ભાજપના ગૌરાંગ ભાટીયા બિન હરીફ જાહેર થયા છે.જેથી કોંગ્રેસે હાઇકોર્ટમાં પડકારવાની કાર્યવાહી હાથ ધરી છે.૨ કોલમ…બોક્સ
રણોલી જિ.પં. બેઠકના કોંગી ઉમેદવાર સામે વાંધો રજૂ થતાં બોલાચાલી
રણોલી જિ.પં.ની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન ઠાકોર સામે ભાજપા કૈરવીબા વાઘેલા તરફે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોંગી ઉમેદવારે મતદાર યાદીમાં બાજવાનું રહેઠાણ બતાવ્યું હોવાની અને તેઓ વડોદરામાં રહેતા હોવાનું કહેવાયું હતું.ઉમેદવારે શૌચાલયનો દાખલો મતદાર યાદી પ્રમાણેના સરનામાવાળો રજૂ કરવાને બદલે કોર્પોરેશનનો રજૂ કર્યો હોવાથી વાંધો લેવાયો હતો.બાજવાના રહેઠાણ પર મકાન પણ નહિ હોવાનો આક્ષેપ કરાયો હતો. ઉગ્ર રજૂઆતો બાદ ચૂંટણી અધિકારીએ વાંધો નહિ સ્વીકારતાં ફોર્મ મંજૂર થયું હતું.
વાઘોડિયા જિલ્લા પંચાયતની ગુતાલ અને જરોદ બેઠકના ઉમેદવારોનું અપહરણઃકોંગ્રેસ
ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલ અને મળતિયાઓ સામે પોલીસ ફરિયાદ લેતી નથી
વડોદરા જિલ્લામાં ભાજપે બેઠકો જીતવા માટે ભયનો માહોલ ઉભો કર્યો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની યાદીમાં કહેવાયું છે કે,જિલ્લા પંચાયતની ગુતાલ બેઠકના ઉમેદવાર નરેન્દ્ર વસાવા ફોર્મ ચકાસણી પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે ભાજપના જિ.પં.ના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને તેમના મળતીયાઓ તેમને જબરદસ્તી ઉઠાવી ગયા હતા.
આવી જ રીતે જરોદ જિ.પં.બેઠખના કોંગી ઉમેદવાર પ્રકાશભાઇ વસાવાને દુકાનની બહાર બોલાવી જબરદસ્તી ઉઠાવી જવામાં આવ્યા છે.વાઘોડિયા પોલીસ ફરિયાદ પણ નહિ લેતી હોવાનો આરોપ મુકાયો છે.


