અમેરિકા-ઇઝરાયેલનો ઇરાન પર હુમલો : 85નાં મોત | US Israeli attack on Iran: 85 dead

![]()
– મધ્ય-પૂર્વ એશિયા મહાયુદ્ધમાં સપડાયું, યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા
– ઈરાનનો વળતો જવાબ : ઈઝરાયેલ તેમજ 7 દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ પર 400 બેલિસ્ટિક મિસાઈલ છોડયા, સેંકડો સૈનિકોના મોતનો દાવો
દુબઈ : ઈરાન સાથે પરમાણુ પ્રોગ્રામ રદ કરવા અને શાંતિની વાટાઘાટો ચલાવવાની વચ્ચે જ શનિવારે સવારે અમેરિકા અને ઈઝરાયેલે અચાનક જ તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈની ઓફિસ સહિત ઈરાનના અનેક શહેરો પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. દક્ષિણ ઈરાનના મિનાબમાં એક સ્કૂલ પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ૮૫ છોકરીઓનાં મોત નીપજ્યાં હોવાનું ઈરાનના મીડિયા અહેવાલોએ જણાવ્યું હતું. બીજીબાજુ ઈરાને પણ વળતો જવાબ આપતા ઈઝરાયેલ પર ૪૦૦ મિસાઈલોથી હુમલો કર્યો હતો. વધુમાં ઈરાને કુવૈત, જોર્ડન, બહરીન, યુએઈ, કતર અને સાઉદી અરબમાં સાત દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝને પણ નિશાન બનાવ્યા હતા. આ સાથે અંતે દુનિયામાં લાંબા સમયથી જેની અટકળો થઈ રહી હતી તે મહાયુદ્ધ શરૂ થઈ ગયું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ બંધ કરવા સહિત અનેક મુદ્દાઓ પર વાટાઘાટો ચાલી રહી હતી, જેનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને બંને દેશોએ આગામી સપ્તાહે વિયેનામાં વધુ એક બેઠક કરવા તૈયારી દર્શાવી હતી. જોકે, આ પહેલાં જ શનિવારે સવારે ૧૧.૦૦ કલાકે અચાનક જ તહેરાનમાં સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનેઈની ઓફિસ સહિત ઈરાનના ૧૦ મોટા શહેરોમાં ૩૦ સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા થયા હતા.
શરૂઆતમાં આ હુમલા ઈઝરાયેલે પ્રી-એમ્ટિવના ભાગરૂપે કર્યા હોવાનું મનાતું હતું. પરંતુ હુમલા થયા પછી થોડીક જ વારમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્તરૂપે આ સૈન્ય કાર્યવાહી કરી છે. બંને દેશોના આ પહેલા જ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અને આઈઆરજીસીના કમાન્ડરનાં મોત થયા હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.
વધુમાં દક્ષિણ ઈરાનમાં એક સ્કૂલ પર અમેરિકા અને ઈરાનના હુમલામાં ૮૫ વિદ્યાર્થિનીઓનાં મોત થયા છે અને ૪૦થી વધુ છોકરીઓને ઈજા પહોંચી છે તેમ આઈઆરએનએના અહેવાલમાં જણાવાયું હતું. જોકે, ખામેનેઈની ઓફિસ પર હુમલો થતાં તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ હુમલાઓના પગલે ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે દેશભરમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દીધા હતા. સરકારી ઓફિસો અડધી ક્ષમતાથી ચલાવવાની જાહેરાત કરી હતી.
દરમિયાન ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાને વળતો જવાબ આપ્યો હતો. ઈરાનના સૈન્યે ઈઝરાયેલના અનેક શહેરો પર ૪૦૦ મિસાઈલ છોડયા હતા. એટલું જ નહીં લેબનોનમાંથી હિઝબુલ્લાહ અને યમનમાંથી હુથી બળવાખોરોએ પણ ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરતાં ઈઝરાયેલ પર ત્રણ બાજુથી આક્રમણ થયું હતું. જોકે, ઈઝરાયેલે આ પહેલાં જ યુદ્ધની સાયરનો વગાડી લોકોને સુરક્ષિત જગ્યાએ જતા રહેવા, સ્કૂલ-કોલેજો બંધ કરી દેવા નિર્દેશો આપ્યા હતા. ઈરાને યુએઈના સૌથી મોટા શહેર દુબઈમાં રહેણાંક વિસ્તારોની સાથે યુએઈ, જોર્ડન, કતર, સાઉદી અરબ, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના સૈન્ય સ્થળો પર મિસાઈલ હુમલા કર્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકા અને ઝિયોનિસ્ટ શાસને અમારા દેશની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનો ભંગ કરતા અનેક સંરક્ષણ સંસ્થાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાને યુદ્ધથી બચવાના શક્ય તમામ પ્રયત્નો કર્યા, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં દેશની સુરક્ષા અને દુશ્મનની સૈન્ય કાર્યવાહીનો જવાબ આપવો અનિવાર્ય થઈ ગયો છે.
અમેરિકાના મુખ્ય એરબેઝ અલ-ધાકરા પર મિસાઇલ્સ હુમલો કરીને ઈરાને એરબેઝને ભારે નુકસાન પહોંચાડયું છે. અમેરિકા માટે અલ-ધાકરા એરબેઝ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું બેઝ છે. અહીંથી જ મધ્ય-પૂર્વમાં વિવિધ સ્થળોએ રહેલા, વિવિધ એરબેઝનું સંચાલન થાય છે. અલ-ધાકરા એરબેઝ પર મિસાઇલ્સ પડતા ધૂમાડાના ગોટા અને અગન જ્વાળાઓ આકાશમાં જતા જોવા મળી હતી. આ હુમલાથી ખાડી દેશોમાં અમેરિકાની સંરક્ષણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને આ દેશોમાં અફરા-તફરી મચી ગઈ છે.
ઈરાનના હુમલાના ડરથી બુર્જ ખલીફાને ખાલી કરાવાયું
દુબઈની પામ જુમેરાહ હોટેલ પર ઈરાનનો મિસાઈલ હુમલો
દુબઈ : અમેરિકા અને ઈઝરાયેલની ઈરાન પર સંયુક્ત સ્ટ્રાઈકથી ભડકેલા ઈરાને પલટવાર કરતા મધ્ય-પૂર્વના આઠથી વધુ દેશો પર હુમલો કર્યો હતો. ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈન્ય બેઝની સાથે દુબઈ અને અબુ ધાબીમાં નાગરિક રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે વિસ્ફોટના અનેક અવજા સંભળાયા હતા. આ સિવાય દુબઈના પામ જુમેરાહ સ્થિત ફેરમોંટ હોટેલ પર પણ મિસાઈલથી હુમલો કરાયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય હોટેલ ફેરમોંટ પર આગ લાગી હોવાનું જોવા મળે છે. બીજીબાજુ ઈરાનના હુમલાના ડરથી દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાંની એક બુર્જ ખલીફાને ખાલી કરાવાઈ છે. ઈરાનના હુમલામાં અબુ ધાબીમાં એક નાગરિકનું મોત થયું હોવાની યુએઈએ પુષ્ટી કરી છે.
અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર
મધ્ય-પૂર્વના દેશોએ એર સ્પેસ બંધ કરતા દુનિયાભરમાં ફ્લાઈટ્સ ઠપ
– હજારો પ્રવાસીઓ રઝળી પડયા, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ બધી જ ફ્લાઈટ્સ રદ કરી
દુબઈ : અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઈરાન પર આક્રમણ કર્યા પછી ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેની આજુબાજુના દેશોએ તેમના હવાઈ ક્ષેત્રો બંધ કરી દીધા છે. ઈરાન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમિરાત, યુએઈ સહિતના દેશોએ આ બબાતની પુષ્ટી કરી છે. ભારત સરકારે પણ દેશની એરલાઈન્સને આકરા નિર્દેશ આપ્યા છે.
અમેરિકા અને ઈઝરાયેલે શનિવારે સવારે તહેરાન સહિત ઈરાનમાં ૧૦થી વધુ શહેરો પર મિસાઈલ હુમલો કરતાં ઈરાને તાત્કાલિક અસરથી તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. વધુમાં આ હુમલાઓથી બદલાયેલી પરિસ્થિતિઓમાં મધ્ય-પૂર્વના મોટાભાગના દેશોએ તેમની એરસ્પેસ બંધ કરવાની જાહેરાતો કરી હતી. સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના નાગરિક ઉડ્ડયન ઓથોરિટી (જીસીએએ)એ તેની એરસ્પેસ અસ્થાયી અને આંશિકરૂપે બંધ કરવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓના સમન્વયથી સુરક્ષા અને ફ્લાઈટ્સના સંચાલનના જોખમોનું વ્યાપક મૂલ્યાંકન કર્યા પછી આ નિર્ણય લેવાયો હતો. પ્રવાસીઓને તેમના હવાઈ પ્રવાસ અંગે વિગતવાર માહિતી માટે તેમની એરલાઈન્સનો સંપર્ક કરવા જણાવાયું હતું અને એરલાઈન્સને તેમના પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ કરાયા હતા.
ઈરાન અને યુએઈના પગલે કુવૈત સહિત મધ્ય-પૂર્વના અન્ય દેશોએ પણ તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી. આ એરસ્પેસ હવે ક્યારે ખોલાશે તે અંગે કોઈ સમય મર્યાદા અપાઈ નથી. મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ થવાની જાહેરાતો પછી દુનિયાભરની એરલાઈન્સે પણ કામચલાઉ રીતે બે અથવા ત્રણ માર્ચ સુધી તેમની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાતો કરી હતી. જોકે, આ પરિસ્થિતિઓના કારણે હજારો પ્રવાસીઓ વિવિધ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. ભારતમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મધ્ય-પૂર્વની સ્થિતિ, ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટેની તૈયારીઓ અને પ્રતિક્રિયાના ઉપાયોની વ્યાપક સમીક્ષા કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશની એરલાઈન્સને વૈશ્વિક સુરક્ષા પ્રોટોકોલ અને સ્થાપિત ઈમર્જન્સી યોજનાઓને અનુરૂપ તેમની ફ્લાઈટ્સના સમય પર રી-રુટિંગ અથવા ડાયવર્ઝન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી.


