સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Police raid on liquor and hookah party at high profile party in Sanand 80 youths arrested

![]()
Ahmedabad Sanand News : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
80 જેટલાં લોકોની ધરપકડ
સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા બોપલ પોલીસની ટીમે રેઇડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. આ સાથે જ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં AVની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો.
પોલિસે રેઇડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા.



