યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worked at UN remained under digital arrest for 15 days lost Rs 15 crore

![]()
પોલીસ, કોર્ટ, જજ, એરેસ્ટ મેમો બધું જ નકલી !
તેલંગણા પોલીસે ત્રણ વર્ષમાં 547 કરોડથી વધુનું ફ્રોડ કરનારી ગેંગના 18 આરોપીઓની ધરપકડ કરી
નવી દિલ્હી: તેલંગાણા પોલીસે તાજેતરના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૧૮થી વધુ આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ગેંગ વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધી ૫૪૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ચુકી છે. જ્યારે ગેંગમાં ૨૫થી વધુ આરોપીઓ સામેલ છે જેની સામે ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં નોકરી કરીને ભારત પરત ફરેલા વૃદ્ધ દંપત્તિને સાયબર ઠગોએ ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખીને ૧૫ કરોડ પડાવી લીધા છે.
તેલંગાણા પોલીસના અધિકારી સુનીલ દત્તે કહ્યું હતું કે આરોપીઓએ રોજગાર, વ્યાપાર કે અન્ય આર્થિક લાલચ આપીને અનેક વ્યક્તિઓને પોતાના નામે બેંક ખાતા ખોલવા અને સંચાલિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. બાદમાં આ ખાતા પર આ ગેંગે કબજો કરી લીધો હતો, જેમાં બાદમાં મોટા પ્રમાણમાં સાઇબર ક્રાઇમના નાણા જમા થવા લાગ્યા હતા. ઉપરાંત મની લોન્ડરિંગ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખાતામાં અત્યાર સુધીમાં ૫૪૭ કરોડ રૂપિયાની લેનદેનની જાણકારી સામે આવી છે. આ નાણા લોકોને છેતરીને મેળવવામાં આવ્યા હતા.
જ્યારે સાઉથ દિલ્હીમાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના નિવૃત્ત ડોક્ટર ઓમ તનેજા અને ડોક્ટર ઇંદિરા તનેજાને સાઇબર ઠગોએ ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા, આ દરમિયાન આ શિક્ષિત દંપતિ પાસેથી ૧૪.૮૫ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તનેજા દંપતિને વિશ્વાસમાં લેવા માટે નકલી દિલ્હી પોલીસ અધિકારીઓ, નકલી કોર્ટ, નકલી વોરંટ એટલુ જ નહીં એરેસ્ટ મેમો પણ મોકલવામાં આવ્યો જેને કારણે આ દંપતિ ડરી ગયું અને છેતરપિંડી કરનારી ગેંગને ૧૫ કરોડ રૂપિયા આપી દીધા. સંયુક્ત રાષ્ટ્રની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ૨૦૧૬માં બન્ને પતિ પત્ની ભારત પરત ફર્યા હતા. અને દિલ્હીમાં શાંતિથી જિંદગી જીવી રહ્યા હતા.



