ઘરેથી સ્કૂટર લઇને જતી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત
ઘરેથી નીકળી બેન્કમાં કામ માટે સ્કૂટર લઇને જતી મહિલાને મંગલપાંડે રોડ પર એક કાર ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.જેમનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ન્યૂ સમા રોડ પર અભિલાષા ચોકડી પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ભાવનાબેન શશીકાંત પટેલ આજે સવારે ઘરેથી સ્કૂટર પર બેન્કના કામ માટે નીકળ્યા હતા.સવારે સવા અગિયાર વાગ્યે તેઓ મંગલ પાંડે રોડ પરથી પસાર થતા હતા.તે સમયે વળાંક પર એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા.અને માથામાં ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્ત ભાવનાબેન (ઉ.વ.૬૦) ને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામા ંઆવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.આ અંગે તેમના પુત્ર રિતેશે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.