गुजरात

મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની કરવામાં આવી ઉજવણી

ગુજરાતમાં આ વર્ષે અરવલ્લીના મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી રંગની પાઘડીમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અરવલ્લીમાં પ્રથમ વખત આ પ્રકારે રાજ્ય કક્ષા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના આ અવસર પર રાજ્યના નાગરિકોના લાભાર્થે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.રાજ્યના તમામ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડધારકોને પ્રતિ માસ કાર્ડ દીઠ રાહત દરે 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધારાશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં વર્તમાન આવક મર્યાદા રૂપિયા 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂપિયા 15000/- કરવામાં આવશે. રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર જીરો એર પોલ્યુશન ધરાવતી ઈલેક્ટ્રીક બસ સંચાલનમાં મુકાશે. રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરવા આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1,200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. રાજ્યના 50 બસ મથકો ખાતે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ATM મુકવામાં આવશે. વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઈમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. એકતાનગર-કેવડીયા કોલોની ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા ધરાવતી 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ પંકજકુમાર તથા પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા મુખ્યમંત્રીને ધ્વજવંદન તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. બાદમાં મુખ્યમંત્રીએ ખુલી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Related Articles

Back to top button