गुजरात

એક ભૂલ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે હત્યારા કલ્પેશને આ રીતે દબોચી લીધો, વાંચો હત્યા બાદનો આખો ઘટનાક્મ

વડોદરાઃ શહેરના જામ્બુવા વિસ્તારના ખેતર પાસે કાચા રસ્તા પર મંગળવારે રાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવક કલ્પેશ ઠાકોરે  19 વર્ષની તૃષા સોલંકી પર પાળિયાના 10 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ કમકમાટીભરી હત્યામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં જ હત્યારાને દબોચી લીધો હતો અને 16 કલાકમાં આખો ભેદ ઉકેલ્યો હતો. મંગળવારે રાત્રે તૃષાની હત્યા કરવા માટે તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર ગયો હતો. તેણે તૃષાને પણ તરસાલી પાસેની અવાવરું જગ્યાએ બોલાવી હતી.

મિત્ર સાથે બાઇક પર ગયો હતો કલ્પેશ

હત્યા કર્યા બાદ હત્યારો કલ્પેશ ઠાકોર ત્યાંથી યુવતીનું ટુ વ્હીલર લઈને બહાર રોડ પર નિકળી હાઈવે પર મારબલના કારખાના પાસે મુકી દીધું હતું. જે બાદ તે મિત્ર દક્ષેશ સાથે રાતે બાઇક પર સાડા આઠ વાગે ઘરે જતો રહ્યો હતો. કલ્પેશ તૃષાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને પોતાના ટુ વ્હિલરની સીટ નીચે મૂકી દીધો હતો. પોલીસે તપાસ કરતા તેણે વાહનની સીટ નીચેથી કાઢી આપ્યો હતો. કલ્પેશે હત્યામાં વાપરેલું દોઢ કિલો વજનવાળું પાળિયું પણ આરોપીએ તેની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં સંતાડી દીધું હતું. ત્યાંથી તે પણ કબજે લેવાયુ હતું.

આ સાથે પોલીસે પૂછપરછ કરવા માટે મોડી રાત્રે તૃષાના 12 મિત્રોને પણ ઉઠાડ્યા હતાં. જેની પુછપરછ કરતાં પોલીસને કલ્પેશ ઠાકોર અંગેની માહિતી મળી હતી. જેને આધારે પોલીસ મધરાત્રે માણેજા વિસ્તાર સ્થિત તેના ઘરે પહોંચી હતી. કલ્પેશ ઠાકોરને ઘરે જ ઝડપી લીધો હતો. સાથે તેના ઘરેથી લોહીવાળા કપડાં પણ કબજે કર્યા હતાં. તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે લોહીવાળું પાળિયું તેની ઓઢણીથી સાફ કર્યું હતું.

Related Articles

Back to top button