‘જય શ્રીરામ’ બોલતા વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકી આપનાર વાપીની સ્કૂલે આખરે માંગી માફી
વાપી: શાળામાં જયશ્રીરામ બોલતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી માફીનામું લખાવનાર વાપીની સેન્ટ મેરી સ્કૂલે આખરે માફી માગવી પડી છે. શાળામાં બે બાળકોએ એકબીજાને મળતા અભિવાદનના ભાગરૂપે જયશ્રીરામ કહેવા બાબતે સ્કૂલ સંચાલકોએ બાળકોને ઘૂંટણિયે બેસાડી અને જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવી હતી. મામલો ગરમાતા પરિસ્થિતિ પારખી ગયેલા સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી માગવાની નોબત આવી હતી.
બે વિદ્યાર્થીઓને મંગાવી માફી
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલી ચણોદ કોલોનીની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં ઉભા રહી એક બીજાને જયશ્રીરામ કહીને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જયશ્રી રામ બોલતા સ્કૂલની ડિસિપ્લીનરી કમિટી અને સંચાલકોએ બંને વિદ્યાર્થીઓએ કોઈ ગંભીર ભૂલ કે ગુનો કર્યો હોય તેમ સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. વાત એટલેથી ન અટકી પણ બંને વિદ્યાર્થીઓને સ્કૂલમા ઘૂંટણીએ બેસાડી વિદ્યાર્થીઓએ પાસે સ્કૂલ ડીસિપ્લીનરી કમિટીના હેડે સ્કૂલમાં જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફીનામું પણ લખાવ્યું હતું. જેની જાણ બાળકોના વાલીઓ અને હિન્દુ સંગઠનોની થઈ હતી.