गुजरात

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ પંથકને ઘમરોળ્યા બાદ ફરીથી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ વર્ષનો 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ છે.

રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે, આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે. તેમા પણ મુખ્યત્વે 19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે 20 અને 21 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યના 56 રસ્તાઓ બંધ

હજુ પણ વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ છે. જે પૈકી રાજકોટમાં 3 અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવે ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંથ છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ છે. જે પૈકી પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ બંધ છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. શુક્રવારે ડેમની સપાટીમાં 19 સે.મી.નો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ કુલ 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Related Articles

Back to top button