જેતપુર : 28 વર્ષના યુવકનો મૃતદેહ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો, પોલીસ સાથે FSLની ટીમ દોડી આવી
જેતપુર : જેતપુર તાલુકાના સરદારપુરા ગામમાંથી ગઈકાલે રાત્રે એક આશાસ્પદ યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો સર્જાયા છે. જેતપુરના સરદારપુરા ગામે એક યુવકનો કૂવામાંથી પગમાં દોરી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે રાજકોટ જિલ્લા પોલીસના ઘાડા વાડીમાં ઉમટી પડ્યા હતા.
અહેવાલ મુજબ મૃતક યુવકનું નામ જેન્તી માઘા બગડા છે અને તેની ઉંમર 28 વર્ષ છે. જેન્તીના મૃતદેહ મળવાની જાણ થતા જ પરિવાર અને ગ્રામજનો વાડીએ પહોંચી ગયા હતા. તેના પગમાં દોરી બાંધી હોવાથી તેણે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે અંગે રહસ્ય ઘેરાયું હતું.
આ મૃતદેહને બહાર કાઢ્તાની સાથે જ રાજકોટથી FSLની ટીમ પણ દોડી આવી હતી. જેતપુર તાલુકા પોલીસ સાથે જેતપુર મામલતદારનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સામાન્ય રીતે કૂવામાંથી મળી આવતા મૃતદેહોમાં આત્મહત્યાના બનાવો વધુ જોવા મળતા હોય છે.