गुजरात

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી પર લાગ્યું ગ્રહણ, 4000 પોલીસ કર્મીઓની રહેશે નજર

કોરોનાની મહામારીના કારણે આવેલા વિવિધ બંધનો અને નિયમોએ છેલ્લાં એક વર્ષ દરમિયાન આવેલાં તહેવારો પર ગ્રહણ લગાડયું છે. મહામારીને પગલે પોલીસે દિવસે કે રાત્રે કોઈપણ પ્રકારની ઉજવણી કરી નહી શકાય એમ જણાવાયુ છે. પોલીસે અમદાવાદના વિવિધ પાર્ટી પ્લટો ક્લબો અને ફાર્મ હાઉસ પર જડબેસલાક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગની તૈયારી કરી છે. શહેરભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત અંદાજે 4000 જેટલા પોલીસો ફરજ બજાવશે. તે સિવાય શહેરમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર પોલીસે સઘન ચેકિંગની વ્યવસ્થા કરી છે.

નશો કરેલા શંકાસ્પદોનો બ્લડ ટેસ્ટ કરાશે

સઘન ચેકિંગ ઉપરાંત નશો કરીને નિકળનારાને તપાસવા માટે આ વખતે કોરોના મહામારીના પરિણામે પોલીસ કર્મી મોં સૂંઘીને નહીં કરે. સામાન્યરીતે અપનાવાતા બ્રેથ એનેલાઈઝર્સનો પણ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. એટલે નશો કર્યો હોવાની આશંકા પણ પડશે તો તે દરેક વ્યક્તિને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યાં રિપોર્ટ મુજબ જ આગળની કાર્યવાહી થશે. આવા શંકાસ્પદ વ્યક્તિઓને સોલા અથવા અસારવા સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

9 વાગ્યા પછી કરફ્યુનો અમલ શરૂ

શહેરમાં બપોરે કે રાત્રે ક્યાંય પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દેવાશે નહી. રાત્રે 9 વાગ્યા પછી શહેરમાં કરફ્યુનો અમલ શરૂ થતો હોવાથી પોલીસે વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા કરી છે. તે સિવાય શહેરમાં પ્રવેશવાના કુલ 28 પોઈન્ટ પર પોલીસ ચેકિંગ હાથ ધરશે. જો કોઈપણ વ્યક્તિ આવશ્યક કારણ વગર બહાર નીકળી હશે તો તેની વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.

4000 પોલીસ કર્મીઓનો સઘન બંદોબસ્ત

શહેરના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબો અને ફાર્મ હાઉસોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ન થાય તે માટે પોલીસ આ જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરીને વોચ રાખશે. પોલીસ રાત્રે 9 વાગ્યા બાદ શહેરમાં જેટલા સર્વેલન્સ કેમેરા છે તે દુકાનો પર અને રસ્તા પર કોઈ વ્યક્તિ દેખાશે તો ફોટો પાડશે. બાદમાં સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જે તે વ્યક્તિ વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.

Related Articles

Back to top button