વ્યાજખોરોના આતંકથી બચવા થરાદના શિક્ષકે 15 લાખમાં શ્રીલંકામાં કિડની વેચી
રાજ્યમાં વ્યાજખોરોના આતંકના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે પરંતુ થરાદમાં એક શિક્ષકને વ્યાજખોરોને રૂપિયા આપ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા કિડની વેચવાનો વારો આવ્યો છે. આનાથી કંટાળીને શિક્ષકે 4 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે ઇન્ટરનેશનલ કિડની કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યું છે.
વ્યાજખોર પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, થરાદના મોરીલા ગામના વતની અને થરાદમાં રહીને ખોડામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા શિક્ષક રાજાભાઇ ગમાજી પુરોહિતે વર્ષ-2012માં પોતાના લગ્ન અને ભાણીનું મામેરું કરવા માટે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. શિક્ષકે, થરાદની રાશીયાશેરીમાં રહેતા હરેશ પ્રભુભાઇ વજીર પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતા. વર્ષ 2014 સુધીમાં તેમણે 9 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર શિક્ષકને ધમકી આપતો હતો. આથી શિક્ષકે વ્યાજની ભરપાઇ કરવા ગામના દેવા ઓખાભાઇ રબારી પાસેથી રૂ.4 લાખ વ્યાજે લીધા. વર્ષ 2014 સુધીમાં દેવાભાઇને પણ 8 લાખ ચુકવવા છતાં બંને વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી.
કિડની વેચીને 15 લાખ મળ્યા
આ બધી રોજની ધમકીઓથી કંટાળીને છેવટે શિક્ષકે કિડની વેચવા માટે શ્રીલંકાના કોલંબોના તબીબ ડો.મોનીકનો સંપર્ક કર્યો હતો. 28 માર્ચ, 2014એ પોતે કામથી દિલ્હી જાય છે એવુ કહીને તે પાસપોર્ટ કઢાવી ડો.મોનીકના કહ્યા પુના પહોંચ્યા હતા. જ્યાંથી એક માણસ પાસેથી ટિકિટ લઇ તે શ્રીલંકા પહોંચ્યો હતો. શિક્ષક 31 માર્ચે કોલંબો પહોંચીને ઓપરેશન કરાવી કિડની વેચી નાંખી હતી. આ કિડનીનાં શિક્ષકને કુલ 15, 80, 000 રૂપિયા મળ્યા હતા. જેમાંથી રૂ.8 લાખ દેવાભાઇને અને રૂ.7 લાખ હરેશભાઇને આપી દીધા હતા. આમ છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતાં કંટાળેલા શિક્ષકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું.