હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્! ઓઇલ ટેન્કરોએ શરૂ કર્યો નવો ખેલ | strait of hormuz opens oil tanker rates double global inflation crisis

![]()
Strait Of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયો છે અને તેની સાથે વિશ્વના 20 ટકા તેલ વપરાશ માટે જવાબદાર હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમેરિકાએ બે મહિનાથી ચાલતો નાકાબંધી હટાવી લીધી છે અને ઈરાની તેલ શિપમેન્ટ પણ ફરી શરૂ થઈ ગયું છે. જો કે, હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્ છે!
હોર્મુઝ રૂટ ખુલતા તેલની ગ્લોબલ સપ્લાય સુચારુ થવાની આશા છે, પરંતુ તેનાથી ક્રૂડ ઓઇલ અંગે એક નવો સંકટ પણ ઉભો થયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફના અન્ય ભાગોમાંથી શિપિંગનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
ડિમાન્ડ વધતા દર વધાર્યો
શિપિંગ ડેટા અને સ્ત્રોતોને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ ક્ષેત્રમાં જહાજોના પરિવહનનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો હોવાથી ઓઇલ ટેન્કર સંચાલકો રેકોર્ડ નફો કમાઈ રહ્યા છે. આનું કારણ એ છે કે, દરિયાઈ માર્ગો ખુલવાથી માગ વધી રહી છે.
28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયો તે પહેલાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા દૈનિક સરેરાશ 125 કરતા ઘણી ઓછી થઈ છે. બજારના અંદાજ મુજબ, લગભગ 100 ટેન્કર કાર્ગોથી ભરેલા સ્ટ્રેટની અંદર ફસાયેલા છે.
હોર્મુઝ સ્ટ્રેટની બહાર ટેન્કર ચાર્ટરના દર વધ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટની બહાર ટેન્કર ચાર્ટરના દર એક અઠવાડિયા પહેલા 106,500 ડોલર પ્રતિ દિવસથી વધીને 190,500 ડોલર પ્રતિ દિવસ થયા છે. વધુમાં ગલ્ફ ક્ષેત્રની બહાર ટેન્કર ચાર્ટરના દરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
જહાજ માલિકોની સારી કમાણી
ટેન્કરના દર લગભગ બમણા થવા સાથે હોર્મુઝ સ્ટ્રેટની અંદર ત્યાંથી પસાર થતા કાર્ગો જહાજો (VLCCs) ની સરેરાશ દૈનિક કમાણી લગભગ 470,000 ડોલર પ્રતિ દિવસની સપાટીએ પહોંચી ગઈ છે, જે એક અઠવાડિયા પહેલાની સરખામણીમાં 50,000 ડોલરથી વધુનો વધારો છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
બીજી બાજુ, યુએસ-ઈરાન કરાર પછી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે. બુધવારે(24 જૂન) બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ ટકાથી વધુ ઘટીને 74 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. WTI ક્રૂડના ભાવ ઘટીને 71 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા. મુર્બન ક્રૂડના ભાવ ઘટીને 67 ડોલર પ્રતિ બેરલની આસપાસ થઈ ગયા હતા.



