ટ્રમ્પ પર ભરોસો નથી… પાકિસ્તાની 82%, ફ્રાન્સની 84% પ્રજા નારાજ; ભારત સહિત 36 દેશોનો સર્વે | Pew Research 2026 Survey Trump Global Confidence Drops In 36 Countries

![]()
Pew Research 2026 Survey : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક છબીને લઈને પ્યુ રિસર્ચ સેન્ટરનો વર્ષ 2026નો ‘ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે’ સામે આવ્યો છે. ભારત સહિત વિશ્વના 36 દેશોના 42,151 લોકો સાથે ફેબ્રુઆરીથી મે 2026 વચ્ચે કરાયેલી વાતચીતના આધારે આ ચોંકાવનારો અહેવાલ તૈયાર કરાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ પરનો ભરોસો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. સર્વેક્ષણ મુજબ, વૈશ્વિક સ્તરે સરેરાશ 76% લોકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમને વૈશ્વિક બાબતોમાં સાચા નિર્ણયો લેવા માટે ટ્રમ્પ પર કોઈ ભરોસો નથી, જ્યારે માત્ર 23% લોકો જ તેમની ક્ષમતા પર વિશ્વાસ ધરાવે છે.
ભારતનો ખાસ મૂડ: અવિશ્વાસ કરતાં ભરોસો વધારે
- દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યેનો નજરીયો ઘણો સકારાત્મક જોવા મળ્યો છે.
- ભારતમાં 39% લોકો ટ્રમ્પ પર ભરોસો ધરાવે છે, જ્યારે 36% લોકોને તેમના પર વિશ્વાસ નથી.
- જો કે, અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં ભારતીયોની પહેલી પસંદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન છે, જેમના પર સૌથી વધુ 51% લોકો ભરોસો કરે છે.
- તે સિવાય ભારતીયોનો અન્ય વૈશ્વિક નેતાઓ પરનો વિશ્વાસ આ મુજબ છે: બેન્જામિન નેતાન્યાહુ પર 34%, ઈમેન્યુઅલ મેક્રોન પર 33%, વોલોદિમીર ઝેલેન્સ્કી પર 29% અને શી જિનપિંગ પર સૌથી ઓછો 25% લોકો ભરોસો રાખે છે.
- અમેરિકાની ટેરિફ નીતિ પર ભારતમાં માત્ર 18% લોકોએ જ ટ્રમ્પના નિર્ણયોનું સમર્થન કર્યું છે.
ટ્રમ્પ પર સૌથી વધુ અને ઓછો ભરોસો ધરાવતા દેશો
વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં ટ્રમ્પને સારું સમર્થન મળ્યું છે, જ્યારે ઘણા દેશોમાં તેમની લોકપ્રિયતા તળિયે બેસી ગઈ છે…
સૌથી વધુ ભરોસો ધરાવતા દેશો : ફિલિપીન્સ (68% ભરોસો, 29% ભરોસો નથી), ઈઝરાયેલ (66% ભરોસો, 33% ભરોસો નથી), નાઈજીરિયા (65% ભરોસો, 31% ભરોસો નથી), કેન્યા (63% ભરોસો, 36% ભરોસો નથી) અને ઘાના (54% ભરોસો, 33% ભરોસો નથી).
સૌથી ઓછો ભરોસો ધરાવતા દેશો : વેસ્ટ બેંક/ઈસ્ટ જેરૂસલેમ (4% ભરોસો, 87% ભરોસો નથી), તુર્કિયે (6% ભરોસો, 92% ભરોસો નથી), સ્વીડન (11% ભરોસો, 89% ભરોસો નથી), મેક્સિકો (11% ભરોસો, 88% ભરોસો નથી), પાકિસ્તાન (12% ભરોસો, 82% ભરોસો નથી), મલેશિયા (13% ભરોસો, 87% ભરોસો નથી), નેધરલેન્ડ (15% ભરોસો, 85% ભરોસો નથી), ફ્રાન્સ (15% ભરોસો, 84% ભરોસો નથી) અને જર્મની (16% ભરોસો, 84% ભરોસો નથી).
અન્ય દેશોમાં ટ્રમ્પ પ્રત્યે લોકોનો મિશ્ર મત
- હંગેરી: ભરોસો 44% | ભરોસો નથી 55%
- કોલંબિયા: ભરોસો 43% | ભરોસો નથી 53%
- શ્રીલંકા: ભરોસો 35% | ભરોસો નથી 51%
- પેરુ: ભરોસો 31% | ભરોસો નથી 61%
- બ્રાઝિલ: ભરોસો 30% | ભરોસો નથી 64%
- આર્જેન્ટિના: ભરોસો 29% | ભરોસો નથી 66%
- પોલેન્ડ: ભરોસો 29% | ભરોસો નથી 67%
- ચીલી: ભરોસો 28% | ભરોસો નથી 68%
- દક્ષિણ આફ્રિકા: ભરોસો 26% | ભરોસો નથી 67%
- યુ.કે. : ભરોસો 26% | ભરોસો નથી 74%
- બાંગ્લાદેશ: ભરોસો 25% | ભરોસો નથી 63%
- જાપાન: ભરોસો 25% | ભરોસો નથી 74%
- દક્ષિણ કોરિયા: ભરોસો 22% | ભરોસો નથી 77%
- ગ્રીસ: ભરોસો 22% | ભરોસો નથી 78%
- સ્પેน: ભરોસો 21% | ભરોસો નથી 78%
- ઈન્ડોનેશિયા: ભરોસો 20% | ભરોસો નથી 78%
- કેનેડા: ભરોસો 20% | ભરોસો નથી 79%
- થાઈલેન્ડ: ભરોસો 19% | ભરોસો નથી 79%
- સિંગાપોર: ભરોસો 19% | ભરોસો નથી 81%
- ઓસ્ટ્રેલિયા: ભરોસો 18% | ભરોસો નથી 82%
- ઈટાલી: ભરોસો 17% | ભરોસો નથી 83%
અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ટ્રમ્પની સરખામણી
વિશ્વના 36 દેશોના સરેરાશ આંકડા દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સૌથી વધુ લોકપ્રિય છે, જ્યારે ટ્રમ્પની સ્થિતિ ઘણી નબળી છે:
- ઈમેન્યુઅલ મેક્રોન: 43% લોકોનો ભરોસો
- વોલોદિમીર ઝેલેન્સ્કી: 35% લોકોનો ભરોસો
- શી જિનપિંગ: 34% લોકોનો ભરોસો
- વ્લાદિમીર પુતિન: 31% લોકોનો ભરોસો
- ડોનાલ્ડ ટ્રમ્પ: 23% લોકોનો ભરોસો
- બેન્ઝામિન નેતાન્યાહુ: 18% લોકોનો ભરોસો
નેતાઓની ખાસ વિગતો જોઈએ તો, શી જિનપિંગ પર પાકિસ્તાનમાં સૌથી વધુ 83% અને જાપાનમાં સૌથી ઓછો 7% ભરોસો છે. વ્લાદિમીર પુતિન પર ઈન્ડોનેશિયામાં 64% અને પોલેન્ડમાં માત્ર 4% ભરોસો છે. ઈમેન્યુઅલ મેક્રોન પર સ્વીડનમાં 82% અને ઈઝરાયેલમાં માત્ર 17% વિશ્વાસ છે. નેતાન્યાહુ પર કેન્યામાં 56% અને તુર્કિયેમાં સૌથી ઓછો 1% ભરોસો છે (નોંધ: ઈઝરાયેલમાં નેતાન્યાહુ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી).
અમેરિકાની વિદેશ નીતિ અને ગ્લોબલ ઈમેજ નબળી પડી
ટ્રમ્પના નિર્ણયોના કારણે અમેરિકાની છબીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સર્વે અનુસાર માત્ર 37% લોકો જ અમેરિકા વિશે સકારાત્મક વિચાર ધરાવે છે, જ્યારે 57% લોકો નકારાત્મક વલણ રાખે છે. ઈરાન પ્રત્યેની નીતિને 74%, ગાજા સંઘર્ષ પર 76%, રુસ-યુક્રેન યુદ્ધ પર 72% અને ટેરિફ નીતિ પર 77% લોકોએ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ કર્યો છે.
કનેડા જેવા મિત્ર દેશમાં અમેરિકાને ભરોસાપાત્ર ભાગીદાર માનનારા લોકોની સંખ્યા વર્ષ 2022ના 83% થી ઘટીને વર્ષ 2026માં માત્ર 35% રહી ગઈ છે. 36 દેશોમાં સરેરાશ માત્ર 47% લોકો જ અમેરિકાને ભરોસાપાત્ર ભાગીદાર માને છે, જ્યારે 50% લોકો તેને અવિશ્વસનીય ગણે છે. દુનિયાના માત્ર 35% લોકોનું માનવું છે કે અમેરિકા વૈશ્વિક શાંતિમાં યોગદાન આપે છે, જ્યારે 63% લોકોના મતે અમેરિકાનું યોગદાન નહિવત છે. આ ઉપરાંત, 66% લોકોનું કહેવું છે કે અમેરિકા પોતાની વિદેશ નીતિમાં બીજા દેશોના હિતોની ચિંતા કરતું નથી, અને 56% લોકો માને છે કે અમેરિકી સરકાર પોતાના જ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાનું સન્માન કરતી નથી.



