ટ્રમ્પનો નવો દાવ ! ઈરાન કાયમી ‘ન્યુક્લિયર ઈન્સ્પેક્શન’ માટે તૈયાર હોવાનો દાવો, ઈરાને ફગાવ્યો | Trump Claims Iran Agreed To Nuclear Inspections But Tehran Rejects It: Hormuz Latest

![]()
US-Iran Nuclear Deal : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન પરમાણુ મથકોના નિરીક્ષણ અને હોર્મુઝ જળમાર્ગને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ડીલમાં ‘ન્યુક્લિયર ઇમાનદારી’ હોવાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ ઈરાને અમેરિકાના દાવાઓથી વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
પરમાણુ મથકોના નિરીક્ષણ પર ટ્રમ્પનો દાવ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવો કર્યો છે કે, ઈરાન લાંબા સમય સુધી પોતાના પરમાણુ કેન્દ્રો પર ન્યુક્લિયર ઇન્સ્પેક્શન માટે સહમત થઈ ગયું છે. આ સહમતિ સૌથી ઉચ્ચ સ્તરની તપાસ માટે થઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનની આ સહમતિ વાતચીત આગળ વધારવા માટેની મુખ્ય શરત હતી અને જો ઈરાને આ માંગ ઠુકરાવી હોત, તો આગળ કોઈ ચર્ચા ન થઈ હોત. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ઈરાન લાંબા સમય સુધી ન્યુક્લિયર ઇન્સ્પેક્શનના સૌથી ઊંચા સ્તર માટે સંમત થયું છે, જેથી ન્યુક્લિયર ઇમાનદારી નક્કી થશે.’
ઈરાને અમેરિકાના દાવાને નકાર્યો
ટ્રમ્પનો દાવો સામે આવતા ઈરાને વળતો જવાબ આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી(IAEA)ના ઇન્સ્પેક્ટરો માટે હાલમાં કોઈ શિડ્યુલ નક્કી નથી. તેહરાનમાં પત્રકાર પરિષદ દરમિયાન પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું કે, અમેરિકાએ ભૂતકાળમાં જે પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો હતો, ત્યાં IAEAના ઇન્સ્પેક્ટરોના પ્રવાસનો કોઈ કાર્યક્રમ નથી. આ નિવેદન અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના તે દાવાથી તદ્દન ઉલટું છે, જેમાં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડની વાતચીતમાં IAEAના પ્રવાસ પર સહમતિ બની હોવાનું કહ્યું હતું.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ-USથી વધુ ભારતીયોના મોત, જુઓ કતારથી ઓમાન સુધીનો સંપૂર્ણ રિપોર્ટ
‘…તો હોર્મુઝની નાકેબંધી કરાશે’
ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝને ખુલ્લો રાખશે અને હાલમાં કોઈ નૌસેના નાકેબંધી કરવામાં આવશે નહીં. ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, તેમણે ચેતવણી પણ આપી છે કે, અમેરિકી નૌસેના તે વિસ્તારમાં તૈનાત રહેશે અને જો જરૂર પડશે તો નાકેબંધી તાત્કાલિક ફરી લાગુ કરી દેવાશે.
અમેરિકા નાણાં સીધા ઈરાનને નહીં આપે, પણ પોતે વહીવટ કરશે
ઈરાન પરના પ્રતિબંધોમાં ઢીલ આપવા અંગે ટ્રમ્પે નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. અમેરિકી ટ્રેઝરીમાંથી જાહેર થનારા નાણાં સીધા ઈરાનને આપવાને બદલે એક એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે, જેનું નિયંત્રણ અમેરિકી પ્રશાસન કરશે. આ નાણાંનો ઉપયોગ માત્ર અમેરિકી ઉત્પાદકો પાસેથી મકાઈ, ઘઉં અને સોયાબીન જેવી ખાદ્યસામગ્રી તથા મેડિકલ સપ્લાય ખરીદવા માટે જ કરી શકાશે. ટ્રમ્પે આ વ્યવસ્થાને એક માનવીય પગલું ગણાવ્યું છે.



