અમેરિકાએ પ્રતિબંધ હટાવતા દુનિયામાં બેધડક તેલ વેચશે ઈરાન, ભારતને થશે બમ્પર ફાયદો! | US Lifts Iran Oil Sanctions Boosting Global Market And Bringing Big Gains For India

![]()
US Lifts Iran Oil Sanctions Boosting Global Market : અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલી પ્રથમ તબક્કાની મંત્રણા બાદ બંને દેશો વચ્ચે મોટી સહમતી સધાઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાનને તેલની નિકાસ માટે 60 દિવસની અસ્થાયી છૂટ આપી છે, જે વૈશ્વિક ઉર્જા બજારની સાથે-સાથે ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ રાહતના બદલામાં ઈરાને વચન આપ્યું છે કે, તે હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માંથી આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવરમાં કોઈ અડચણ ઊભી નહીં કરે.
અમેરિકાએ જાહેર કર્યું ખાસ લાયસન્સ
યુએસ ટ્રેઝરી વિભાગે ‘ઈરાન જનરલ લાયસન્સ એક્સ’ (Iran General License X) જાહેર કર્યું છે. આ લાયસન્સ હેઠળ 21 ઓગસ્ટ સુધી ઈરાનથી નિકળતા ક્રૂડ ઓઈલ (કાચુ તેલ), પેટ્રોકેમિકલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તેના થોડા જ કલાકો પહેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે (JD Vance) આ વાતચીતમાં ‘ખૂબ જ સારી પ્રગતિ’ થઈ હોવાની પુષ્ટિ કરી હતી.
ભારતને શું થશે ફાયદો?
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી આયાત કરે છે. વર્ષ 2019માં જ્યારે તત્કાલીન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, તે પહેલા ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું તેલ ખરીદતું હતું. પ્રતિબંધો બાદ ભારતે ત્યાંથી આયાત ઘટાડી દીધી હતી, અને યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. હવે ઈરાનને મળેલી આ 60 દિવસની છૂટને કારણે ભારતને ફરીથી ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદવાની તક મળી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે મોટી રાહત સાબિત થશે.



