दुनिया

‘હિટલર’ના નામે પિઝા ઓર્ડર કરવા બદલ પાંચ દિવસની જેલ, રશિયન યુવકને સોશિયલ મીડિયા સ્ટંટ કરવો ભારે પડ્યો | Russian Teen Jailed for 5 Days After Ordering Pizza in Hitler’s Name for Social Media Stunt



Clout Chasing Gone Wrong: આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા અથવા મજાક-મસ્તીમાં કંઈક અલગ કરવાના ચક્કરમાં લોકો ઘણીવાર મોટી મુશ્કેલી વહોરી લેતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના રશિયામાં બની છે, જ્યાં એક 18 વર્ષના વિદ્યાર્થીને માત્ર પિઝા ઓર્ડર કરવા માટે જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. આ કિશોરે કોઈ સામાન્ય ભૂલ નહોતી કરી, પરંતુ તેણે ક્રૂર સરમુખત્યાર ‘એડોલ્ફ હિટલર’ના નામે પિઝા ઓર્ડર કર્યો હતો અને પ્રતિબંધિત નાઝી પ્રતીકોનો પ્રચાર કર્યો હતો, જેના કારણે કાયદાએ તેના પર કડક કાર્યવાહી કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ ઘટના રશિયાના ઉરલ્સ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક શહેર ‘નિઝની તાગિલ’ની છે. ત્યાં એક સ્થાનિક શોપિંગ સેન્ટરમાં આવેલા ‘ડોડો પિઝા’ આઉટલેટમાં તિમોફે વાખોનિન (Timofey Vakhonin) નામના કોલેજ વિદ્યાર્થીએ ‘એડોલ્ફ હિટલર’ નામથી પિઝા બુક કરાવ્યા હતા. આ વિદ્યાર્થી ઇલેક્ટ્રિશિયન બનવાનો અભ્યાસ કરી રહ્યો છે. સ્થાનિક પોલીસ ઓર્ડરને આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ યુવાનનું કારસ્તાન માત્ર પિઝા આઉટલેટ પૂરતું જ સીમિત નહોતું. તેણે પોતાની કૉલેજના ડેસ્ક પર પણ પ્રતિબંધિત નાઝી પ્રતીક ‘સ્વસ્તિક’ દોર્યું હતું, જેનો ફોટો પાડીને તેણે ઓનલાઈન ચેટ ફોરમ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો: ‘અમેરિકા ગમે તેટલું દબાણ કરી લે…’, લેબેનોન અંગે નેતન્યાહૂના મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર

પોલીસે કૉલેજ પરિસરમાંથી આ વિદ્યાર્થીની અટકાયત કરી અને તેના પર ડિજિટલ તેમજ વાસ્તવિક દુનિયામાં નાઝી પ્રતીકો ફેલાવવાનો ગંભીર ગુનો નોંધાયો. પોતાની ભૂલ સમજાતા યુવક રડી પડ્યો હતો. તેણે પોતાના બચાવમાં કહ્યું કે તે નાઝીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ધરાવતો નથી અને તે પોતાના આ કૃત્યના ગંભીર પરિણામોથી તદ્દન અજાણ હતો. તેણે તેના વ્યવહારથી દુઃખી થયેલા તમામ લોકોની જાહેરમાં માફી માંગી હતી, પરંતુ કાયદાના ઉલ્લંઘન બદલ તેને સજા ભોગવવી જ પડી. નાઝી પ્રતીકોનો ગેરકાયદે પ્રચાર કરવા બદલ યુવકને 5 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ઘટના આજના ડિજિટલ યુગના યુવાનો માટે એક લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ, ફોલોઅર્સ કે ક્ષણિક પ્રમોશન મેળવવા માટે કરવામાં આવતી મજાક ક્યારેક કાયદાકીય મુશ્કેલી નોતરી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ કે ડિજિટલ પ્રવૃત્તિઓ હવે માત્ર વર્ચ્યુઅલ નથી રહી, તેની વાસ્તવિક જિંદગી અને ભવિષ્ય પર ગંભીર અસરો પડે છે. કોઈપણ સંવેદનશીલ, ઐતિહાસિક કે પ્રતિબંધિત બાબતોનો ઉપયોગ ‘કૂલ’ દેખાવા માટે કરતા પહેલાં તેના પરિણામો વિશે વિચારવું ખૂબ જરૂરી છે; કારણ કે કાયદો અજ્ઞાનતાને ક્યારેય માફ કરતો નથી. તમારી ક્રિએટિવિટી અને એનર્જીને સાચી દિશામાં વાળો, નહીં કે આવા નકામા સ્ટંટ કરવામાં. 



Source link

Related Articles

Back to top button