લંડનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સામ-સામે ભયાનક ટક્કર, એકનું મોત, 80થી વધુ ઈજાગ્રસ્ત | London Train Accident: 1 Driver Dead Over 80 Injured Near Bedford

![]()
London Train Accident | બ્રિટનની રાજધાની લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો છે. સામસામે આવતી બે પેસેન્જર ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ટ્રેન પાઈલટનું મોત નીપજ્યું છે, જ્યારે 89 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ‘મેજર ઇન્સિડન્ટ’ (મોટી દુર્ઘટના) જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઓફિસ અવર્સમાં સર્જાઈ મોટી દુર્ઘટના
રેલ ટ્રેકિંગ વેબસાઇટ્સના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે સાંજે આશરે 5:15 વાગ્યે બેડફોર્ડ શહેરની બહાર સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બંને ટ્રેનો દક્ષિણ તરફ લંડનના સેન્ટ પેનક્રાસ (St. Pancras) સ્ટેશન જઈ રહી હતી. ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર, કોર્બીથી સેન્ટ પેનક્રાસ જતી સાંજે 4:40 વાગ્યાની ટ્રેન અને નોટિંગહામથી નીકળેલી બપોરે 3:50 વાગ્યાની ટ્રેન વચ્ચે આ ભયાનક ટક્કર થઈ હતી. આ ઘટનાના પગલે શુક્રવારની તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોના આંકડા અને એર એમ્બ્યુલન્સ તૈનાત
દુર્ઘટનાની જાણ થતાં જ બેડફોર્ડશાયર પોલીસ, સ્થાનિક ફાયર બ્રિગેડ અને ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ કામગીરી માટે એર એમ્બ્યુલન્સ (હેલિકોપ્ટર) અને ખાસ હેઝાર્ડસ ઇન્સિડન્ટ ટીમ તૈનાત કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સ સર્વિસે ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે:
કુલ મૃત્યુ: 1 વ્યક્તિ (ટ્રેન લૉકૉ પાઈલટ)
અતિ ગંભીર ઈજાગ્રસ્ત: 11 મુસાફરો
ગંભીર ઈજાગ્રસ્ત: 22 મુસાફરો
સામાન્ય ઈજાગ્રસ્ત: 56 મુસાફરો
નેશનલ યુનિયન ઓફ રેલ, મેરિટાઇમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (RMT) ના જનરલ સેક્રેટરી એડી ડેમ્પ્સીએ પુષ્ટિ કરી છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ ટ્રેનનો લોકો પાયલોટ (ડ્રાઇવર) હતો.
“લોકો ચીસો પાડી રહ્યા હતા, હાડકાં તૂટી ગયા હતા”
ટ્રેનમાં સવાર એક મુસાફર પીટર નેપે અકસ્માતની ભયાનકતા વર્ણવતા કહ્યું કે, “કોઈપણ જાતની ચેતવણી વગર અચાનક જોરદાર ધડાકો થયો. હું સીધો આગળની સીટ પર જઈને પટકાયો અને ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો. લોકો ડરના માર્યા ચીસો પાડી રહ્યા હતા અને રડતા હતા. મેં મારી આંખે ઘણા મુસાફરોના પગ તૂટેલા અને લોહીલુહાણ હાલતમાં જોયા. ટ્રેનના દરવાજા વચ્ચે થોડી જગ્યા હતી, તેમાંથી હું માંડ-માંડ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.”



