दुनिया

Explainer: અમેરિકામાં ઈઝરાયલની નીતિઓની ટીકા કરનારા નેતાઓનું રાજકીય પતન નક્કી, જાણો આ થિયરીનું સત્ય | US Israel Relations And The Political Cost For Leaders Who Criticize Israeli Policies



Power of Israel in US power corridors : અમેરિકા અને ઇઝરાયલના સંબંધોને દુનિયાના સૌથી મજબૂત વ્યૂહાત્મક સંબંધોમાં ગણવામાં આવે છે. દર વર્ષે અબજો ડોલરની લશ્કરી અને આર્થિક સહાયથી લઈને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદ્વારી સમર્થન સુધી, અમેરિકા સતત ઇઝરાયલની પડખે ઊભું રહ્યું છે. પરંતુ આ સંબંધોની પાછળ અમેરિકન રાજકારણનું એક એવું પાસું પણ છે, જેના વિશે વર્ષોથી ચર્ચા થતી રહી છે. અમેરિકામાં એવી માન્યતા છે કે જે નેતા ઇઝરાયલની નીતિઓ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવે છે કે તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, તેને ઘણી વખત ભારે રાજકીય કિંમત ચૂકવવી પડે છે. દરેક ચૂંટણી હારનું કારણ માત્ર ઇઝરાયલ નથી હોતું, પરંતુ ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો જોવા મળે છે જ્યાં ઇઝરાયલ સાથેના મતભેદોએ નેતાઓની મુશ્કેલીઓ વધારી છે. તેથી જ કેટલાક રાજકીય વિશ્લેષકો આ મુદ્દાને અમેરિકન રાજકારણનો ‘બ્લેક હોલ’ પણ કહે છે. એક એવો બ્લેક હોલ જે ઇઝરાયલનો વિરોધ કરનાર નેતાની રાજકીય કારકિર્દીને ‘ગળી’ જાય છે.

અમેરિકામાં ઇઝરાયલનો મુદ્દો આટલો સંવેદનશીલ કેમ?

અમેરિકામાં ઇઝરાયલનો મુદ્દો માત્ર વિદેશ નીતિ પૂરતો મર્યાદિત નથી. તે ચૂંટણી, પક્ષીય રાજકારણ, રાજકીય ભંડોળ, ધાર્મિક સમર્થન અને લોબિંગ સાથે પણ જોડાયેલો છે. અમેરિકામાં ઘણાં દાયકાથી ઇઝરાયલ તરફી સંગઠનો, રાજકીય કાર્યવાહી સમિતિઓ (PACs) અને Super PACs ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. તેઓ પોતાના સમર્થક ઉમેદવારોને આર્થિક મદદ કરે છે અને કેટલાક કિસ્સામાં ઇઝરાયલની ટીકા કરનારા ઉમેદવારોના વિરોધીઓ માટે પણ મોટા પાયે ભંડોળ એકત્ર કરે છે. જો કે નિષ્ણાતોના મતે, અમેરિકન વિદેશ નીતિ માત્ર લોબિંગથી નક્કી થતી નથી, તેમાં રાષ્ટ્રીય સુરક્ષા, મધ્ય-પૂર્વમાં અમેરિકાના હિતો, ધાર્મિક મતદારો અને સ્થાનિક રાજકારણ જેવા અનેક પરિબળો પણ મહત્ત્વના હોય છે.

જિમી કાર્ટર: શાંતિના નાયકને થયું કાયમી રાજકીય નુકસાન

1977માં જિમી કાર્ટર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે પશ્ચિમ એશિયામાં ભારે અસ્થિરતા હતી. તેમની સૌથી મોટી સિદ્ધિ 1978નો કેમ્પ ડેવિડ કરાર હતો, જેના કારણે ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક શાંતિ સ્થાપિત થઈ. પરંતુ એ પછી કાર્ટરે ગાઝામાં ઇઝરાયલની વસાહતોની ખુલ્લેઆમ ટીકા કરી. તેમણે દલીલ કરી કે પેલેસ્ટિનિયનોના અધિકારોને અવગણીને કાયમી શાંતિ શક્ય નથી. આ વલણને કારણે ઇઝરાયલ સમર્થક વર્ગમાં તેમની સામે અસંતોષ વધ્યો.

1976ની ચૂંટણીમાં તેમને અમેરિકન યહૂદી મતદારો પૈકીના અંદાજે 71 ટકાનો ટેકો મળ્યો હતો, જે 1980 સુધીમાં ઘટીને 45 ટકા જેટલો રહી ગયો હોવાનું અનેક રાજકીય અભ્યાસોમાં નોંધાયું છે. જો કે 1980ની ચૂંટણીમાં તેમની હાર માટે ઇરાન કટોકટી, મોંઘવારી અને અર્થતંત્રની કથળતી સ્થિતિ જેવા પરિબળો વધુ જવાબદાર મનાય છે. 

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઇઝરાયલ સાથેના તેમના મતભેદોએ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. તેમણે લખેલા પુસ્તક ‘Palestine: Peace Not Apartheid’ના કારણે પણ ભારે વિવાદ થયો અને તેઓ મુખ્ય પ્રવાહના અમેરિકન રાજકારણથી વધુ દૂર થઈ ગયા.

આ પણ વાંચો : હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલીના પ્લાન પર સાઉદી મેદાને, પ્રિન્સ ફૈસલે ઈરાનને ચેતવ્યું

જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ: ‘લોનલી લિટલ ગાય’ બનીને રહી ગયા

1991ના ગલ્ફ યુદ્ધ પછી જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશની લોકપ્રિયતા લગભગ 90 ટકા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ એ જ વર્ષે ઇઝરાયલે $10 બિલિયનની લોન ગેરંટીની માંગ કરી. બુશ ઇચ્છતા હતા કે, ઇઝરાયલ ‘વેસ્ટ બેન્ક’ (પશ્ચિમ કાંઠા)માં નવી વસાહતોનું વિસ્તરણ અટકાવે, પરંતુ ઇઝરાયલે તે સ્વીકાર્યું નહીં. ત્યારબાદ વોશિંગ્ટનમાં ભારે લોબિંગ શરૂ થયું. સપ્ટેમ્બર 1991માં બુશે પોતાને ‘લોનલી લિટલ ગાય’ (A lonely little guy) કહીને સંકેત આપ્યો હતો કે તેમની સામે ખૂબ શક્તિશાળી લોબિંગ નેટવર્ક કાર્યરત છે.

1992માં તેઓ બિલ ક્લિન્ટન સામે ચૂંટણી હારી ગયા. આર્થિક મંદી તેમની હારનું મુખ્ય કારણ હતી, પરંતુ ઇઝરાયલ મુદ્દે થયેલા ટકરાવે તેમની રાજકીય સ્થિતિ વધુ મુશ્કેલ બનાવી હોવાનું ઘણાં ઇતિહાસકારો માને છે.

ક્લિન્ટન કે ઓબામાને પણ નેતન્યાહૂ માટે અણગમો હતો 

બેન્જામિન નેતન્યાહૂ પહેલીવાર 1996માં ઇઝરાયલના વડાપ્રધાન બન્યા હતા. એ સમયે એમને તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન સાથે નહોતું બનતું. ક્લિન્ટનને લાગતું હતું કે નેતન્યાહૂ અમેરિકાના સલાહ-સૂચનો અને દબાણને ગંભીરતાથી નથી લેતું. જોકે, બંને વચ્ચેના અણબનાવને લીધે ક્લિન્ટનને કોઈ ગંભીર રાજકીય નુકસાન નહોતું થયું.

એવી જ રીતે, અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને બેન્જામિન નેતન્યાહૂના સંબંધો પણ વર્ષો સુધી તણાવપૂર્ણ રહ્યા. ઓબામા વેસ્ટ બેન્કમાં વસાહતોના વિસ્તરણના વિરોધી હતા અને ઇરાન સાથે પરમાણુ કરાર આગળ ધપાવી રહ્યું હતું. બીજી તરફ નેતન્યાહૂએ 2015માં અમેરિકન કોંગ્રેસમાં જઈને ઓબામાની નીતિની જાહેરમાં ટીકા કરી હતી. કોઈ વિદેશી નેતા દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિની વિદેશ નીતિનો આ રીતે વિરોધ કરવો અત્યંત અસામાન્ય માનવામાં આવ્યો હતો. 

રસપ્રદ વાત એ છે કે આ તમામ મતભેદો છતાં 2016માં ઓબામા પ્રશાસને ઇઝરાયલ સાથે $38 બિલિયનના 10 વર્ષના લશ્કરી સહાય પેકેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જે તે સમયનું સૌથી મોટું અમેરિકન લશ્કરી સહાય પેકેજ હતું.

આ પણ વાંચો : પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ડ્રોન સ્ટ્રાઈકમાં ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો તાલિબાનનો દાવો

ચાર્લ્સ પર્સી: એક ચૂંટણી જે આજે પણ ઉદાહરણ તરીકે યાદ કરાય છે

ચાર્લ્સ પર્સી અમેરિકન સેનેટની વિદેશ સંબંધ સમિતિના પ્રભાવશાળી અધ્યક્ષ હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમેરિકા શા માટે કોઈ ખાસ શરતો વગર ઇઝરાયલને સતત મોટી આર્થિક અને લશ્કરી સહાય આપે છે. તેમણે પેલેસ્ટિનિયન મુદ્દે વધુ સંતુલિત અભિગમ અપનાવવાની પણ હિમાયત કરી હતી.

1984ની ચૂંટણીમાં તેમની સામે ખૂબ જ મજબૂત રાજકીય ઝુંબેશ ચાલી અને આખરે તેઓ ચૂંટણી હારી ગયા. આ ઘટનાને ઘણાં રાજકીય વિશ્લેષકો અમેરિકામાં ઇઝરાયલ તરફી લોબિંગની અસરના સૌથી ચર્ચિત ઉદાહરણોમાંનું એક ગણાવે છે. જો કે તેમની હારમાં સ્થાનિક રાજકીય કારણો પણ મહત્ત્વના હતા.

પ્રોગ્રેસિવ નેતાઓની હારના પણ અનેક ઉદાહરણ

વર્ષ 2024ની પ્રાઇમરી ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીના બે પ્રગતિશીલ અને ઇઝરાયલના કડક ટીકાકાર સાંસદ, જામાલ બોમેન અને કોરી બુશ, AIPAC અને અન્ય પ્રો-ઇઝરાયલ Super PACs ના કરોડો ડોલરના ભંડોળ અને વિરોધી પ્રચારના કારણે ચૂંટણી હારી ગયા હતા.

ઇઝરાયલ તરફી લોબિંગ કેટલી અસરકારક છે?

અમેરિકામાં ચૂંટણી અત્યંત ખર્ચાળ હોય છે. પ્રમુખથી લઈને સેનેટર સુધી દરેક ઉમેદવારને કરોડો ડોલરનું ભંડોળ એકત્ર કરવું પડે છે. આવી સ્થિતિમાં વિવિધ હિત જૂથો અને PACs મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ઇઝરાયલ તરફી સંગઠનોમાં સૌથી વધુ ચર્ચાતું નામ American Israel Public Affairs Committeeનું છે. આ ઉપરાંત અનેક Super PACs પણ સક્રિય છે, જે પ્રો-ઇઝરાયલ ઉમેદવારોને સમર્થન આપે છે અથવા તેમના વિરોધીઓ સામે ખર્ચ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્વતંત્ર વિશ્લેષણો દર્શાવે છે.

જો કે, ઘણાં નિષ્ણાતો એ પણ ભારપૂર્વક કહે છે કે અમેરિકાની ઇઝરાયલ નીતિ માત્ર AIPAC અથવા અન્ય લોબિંગ જૂથો નક્કી કરતા નથી. અમેરિકાના વ્યૂહાત્મક હિતો, રક્ષણ નીતિ, મધ્ય-પૂર્વમાં સૈન્ય હાજરી, ધાર્મિક મતદારો અને કોંગ્રેસની રાજકીય ગણિત પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો : યુકેના રાજકારણમાં ઉલટફેર: ‘કિંગ ઑફ ધ નોર્થ’ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!

શું ઇઝરાયલ દરેક ચૂંટણી હારનું કારણ હોય છે?

આ પ્રશ્નનો સીધો જવાબ ‘ના’ છે. જિમી કાર્ટરની હારમાં ઇરાન બંધક કટોકટી અને અર્થવ્યવસ્થા મોટા પરિબળો હતા. જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશની હારમાં આર્થિક મંદી નિર્ણાયક રહી. ચાર્લ્સ પર્સીની હાર પાછળ પણ અનેક સ્થાનિક કારણો હતા.

પરંતુ એ પણ સાચું છે કે અમેરિકન રાજકારણમાં ઇઝરાયલ સંબંધિત મુદ્દા અત્યંત સંવેદનશીલ રહ્યા છે. ઘણા નેતાઓએ અનુભવ્યું છે કે ઇઝરાયલની જાહેર ટીકા અથવા તેના પર દબાણ લાવવાના પ્રયાસો તેમના માટે રાજકીય કારકિર્દીની સૌથી કઠિન કસોટી પણ બની શકે છે.



Source link

Related Articles

Back to top button