અમેરિકા-ઇરાન વચ્ચે અંતે શાંતિ સમજૂતીના એમઓયુ થયા : આજે જિનિવામાં બેઠક | US Iran peace agreement finally signed: Meeting in Geneva today

![]()
– શાંતિ કરાર તો થયા હવે તેને પરખવાનો સમયઃ ગાલિબાફ
– વિવિધ દેશોમાં જપ્ત કરાયેલા કુલ 167 અબજ ડોલરમાંથી 124 અબજ ડોલરને છૂટા કરવામાં આવે તેવી ઇરાનની માંગ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ઇરાનના રાષ્ટ્રપતિ પેજેકિશ્યને યુદ્ધ ખતમ કરવાના પ્રારંભિક કરાર કર્યા છે. તેના પગલે ઇરાને સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો ઘટાડવો પડશે, આ બદલ તેને અમેરિકાએ લાદેલા પ્રતિબંધોમાંથી રાહત મળશે. ઇરાનને તાત્કાલિક ધોરણે તેનું ઓઇલ વેચવાની છૂટ મળશે. આની સાથે ઇરાન પણ હોર્મુઝની ખાડીને તાત્કાલિક અસરથી ખુલ્લી મૂકશે.
આ હાલનો કરાર કાયમી ધોરણે શાંતિ કરાર ત્યારે બનશે જ્યારે અમેરિકા-ઇરાન પરમાણુ શસ્ત્રોના મુદ્દે ૬૦ દિવસની મંત્રણામાં કોઈ ડીલ પર પહોંચે. જો કે ટ્રમ્પે તો હુમલો ફરીથી શરૂ કરવાના દરવાજા ખૂલ્લા જ રાખ્યા છે. ટ્રમ્પે જણાવી દીધું છે કે ઇરાને જો કરારનું પાલન નહીં કર્યુ તો તે બોમ્બમારો ચાલુ કરી દેશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સમાં વર્સેલી ખાતેના ઐતિહાસિક મહેલમાં આ કરાર પર સહી કરી હતી. વર્સેલીનો આ મહેલ સદીઆ દરમિયાન સંખ્યાબંધ યુદ્ધો, કેટલાય ઐતિહાસિક કરારો અને સંધિઓનો સાક્ષી રહ્યો છે અને તે આજે વધુ એક કરાર અને સંધિનો સાક્ષી બન્યો હતો.
વ્હાઇટ હાઉસ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં સાઇનિંગ સેરિમનીનું આયોજન કરવાનું હતુ, પરંતુ હજી બધુ અનિશ્ચિત છે. એમઓયુ પર ટ્રમ્પની સહીને જી-૭ના નેતાઓએ વધાવી લીધી હતી. ટ્રમ્પે સહી કર્યા પછી પેન અને ડોક્યુમેન્ટ વિદેશપ્રધાન માર્ક રૂબિઓને આપ્યા હતા.
તહેરાનમાં ઇરાનના પ્રમુખ પેજેકિશ્યને સ્થિતપ્રજ્ઞા એમઓયુ પર સહી કરી હતી. હવે હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકવામાં આવતા વૈશ્વિક જળમાર્ગ ખુલ્લો થતાં આખા વિશ્વ માટે રાહત થઈ છે. ઇરાન બે મહિના સુધી તેના પર ટોલ નહીં વસૂલે. બંને દેશ વચ્ચે શુક્રવારે જિનિવામાં બેઠક છે.
અમેરિકાએ ઇરાન પરના લાદેલા સંખ્યાબંધ પ્રતિબંધોમાં રાહત આપી છે. તેમા વિદેશમાં પડેલા કુલ ૧૬૭ અબજ ડોલરમાંથી ૧૨૪ અબજ ડોલર છૂટા કરવાનો સમવેશ થાય છે. ઇરાનના દાવા મુજબ આ રકમ વિવિધ દેશોમાં પડેલી છે. આ કરારના એક હિસ્સા એવા લેબનોનની પ્રાદેશિક અખંડતાની માંગ કરવામાં આવી છે, જેને ઇઝરાયેલે ફગાવી દીધી છે. આ પહેલા શાંતિ કરાર સ્વિટ્ઝરલેન્ડમાં થવાની હતી. જો કે જિનિવામાં તો નિયત સમય મુજબ બેઠક હજી પણ થવાની જ છે.
ઇરાનના સંસદીય વડા મોહમ્મદ બગૈર ગાલિબફે જણાવ્યું હતું કે ઇરાન અને અમેરિકા વચ્ચે વાતચીત જારી છે. હવે થયેલા કરારને બરોબર પરખવાનો સમય છે. તેમણે જણાવ્યું હતું કે આ સમજૂતીમાં હોર્મુઝમાંથી આવવાજવા માટેના સર્વિસ ચાર્જનો પણ સમાવેશ કરાયો છે. આ સમજૂતીને લાંબા સમયથી મધ્યપૂર્વમાંથી ચાલતા તનાવને ઘટાડવાના અને પ્રાદેશિક સ્થિરતા સ્થાપવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. બંને પક્ષ હવે સમજૂતીના અસરકારક અમલીકરણ પર નજર રાખી રહ્યા છે.
ઇઝરાયેલના ભારત ખાતેના રાજદૂત રુવેન અજારે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇઝરાયેલ દક્ષિણ લેબનોનમાંથી લશ્કર નહીં હટાવે. ઇઝરાયેલનો આ નિર્ણય તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો હિસ્સો છે. ઇઝરાયેલ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ કાળે સમાધાન નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પોતાના આત્મરક્ષાના અધિકારમાંથી પીછેહઠ નહીં કરે. તેની સાથે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે જો તણાવ ઘટાડવાની પ્રક્રિયામાં સાર્થક પહેલ થાય છે તો ઇઝરાયેલ કૂટનીતિની પ્રક્રિયામાં સામેલ થવા તૈયાર છે. ઇઝરાયેલ સુરક્ષા અને સંતુલન બંનેને જાળવીને આગળ વધવા માંગે છે.
હોર્મુઝમાંથી એક જ રાતમાં 1.25 કરોડ બેરલ કરતાં વધુ ઓઇલ પસાર થયુઃ વાન્સ
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે ગુરુવારે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી બુધવારની રાત્રે ૧.૨૫ કરોડ બેરલ કરતાં પણ વધુ ઓઇલ પસાર થયુ હતુ, જે ૨૮મી ફેબુ્રઆરીએ યુદ્ધ શરૂ થયા પછી સૌથી વધુ છે. અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની સમજૂતી થતા હોર્મુઝ ખુલ્લી મૂકવામાં આવી છે. વાન્સે જણાવ્યું હતું કે અમેરિકન નૌકાદળે ડઝનેક શિપ્સને ઇરાનના બંદરો પર જવાની છૂટ આપી હતી. આ બતાવે છે કે યુદ્ધનો અંત લાવતા અમેરિકાએ ઘેરાબંધી હટાવી દીધી છે. ગઇકાલેની રાત્રિ દરમિયાન ઇરાને કોઈપણ વેપારી જહાજ પર ગોળીબાર કર્યો ન હતો. હોર્મુઝમાં હવે દરિયાઈ ટ્રાફિક વહેવા લાગ્યો છે અને આગામી દિવસોમાં તે સ્થિર થઈ જશે.



