VIDEO : 40 મિનિટમાં 8 મોટા ભૂકંપ આવતા ચીનમાં ઈમરજન્સી એલર્ટ, ઈન્ડોનેશિયા-જાપાનમાં પણ ધરતી ધ્રુજી | China Japan And Indonesia Hit By Strong Earthquakes Emergency Alerts Issued

![]()
China And Japan Earthquake : ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ 40 મિનિટમાં 8 વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ મચી ગયો છે, તો જાપનમાં પણ 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ભૂકંપ બાદ ચીનમાં ઈમરજન્સી એલર્ટ
ચીનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, કિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6:40 વાગ્યે ભૂકંપનો પહેલો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ 567 કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે.
કોલસાની ખાણો તાત્કાલીક બંધ કરાઈ
શરૂઆતી માહિતી અનુસાર આ ભૂકંપમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા નજીકની કોલસાની ખાણોમાંથી લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સરકાર જાન-માલના નુકસાન અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. રિપોર્ટ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 2 સ્પેશિયલ ગાડી અને 10 કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હતાહત થયેલા લોકોની સંખ્યા જોયા બાદ સ્થાનિક પ્રશાસન આગળનો નિર્ણય લેશે.
ઈન્ડોનેશિયામાં પણ 6.7નો ભૂકંપ
મંગળવારે મધ્ય ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે અને વ્યાપક નુકસાન થયું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલુ શહેરથી આશરે 43 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું. આ જોરદાર આંચકાના કારણે આશરે 4,00,000 ની વસ્તી ધરાવતા પાલુ શહેરમાં લોકો ગભરાઈને ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતા અને સાવચેતીના પગરૂપે હોસ્પિટલોમાંથી દર્દીઓને પણ બહાર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં છત તૂટી પડવી, દીવાલોમાં તિરાડો પડવી અને રસ્તાઓ પર કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો છે. આ મુખ્ય ભૂકંપ બાદ પણ કેટલાય આફ્ટરશોક્સ અનુભવાયા હતા, જેમાં સૌથી શક્તિશાળી આંચકો 5.2 ની તીવ્રતાનો નોંધાયો હતો. પ્રશાસન દ્વારા હજુ પણ નુકસાન અને જાનમાલની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
જાપાનમાં પણ ધરતી ધ્રુજી
બીજી તરફ, જાપાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર જાપાનના ઇબારાકી પ્રાંતમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જાપાન વેધર સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 7:46 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી લગભગ 50 કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું.
The Japan Meteorological Agency says the magnitude 5.5 quake occurred in the southern part of Ibaraki Prefecture. The JMA says there is no risk of tsunami.https://t.co/bZpiKm94yl
— NHK WORLD News (@NHKWORLD_News) June 16, 2026


