અમેરિકા-ઈરાન યુધ્ધ ખતમ ! પાંચ ખતરા હજી ઝળુંબે છે : સૌથી વધુ ભય તો નેતન્યાહૂનો છે | US Iran war over Five threat still looms: Netanyahu is the biggest threat

![]()
– સાચી પરીક્ષા તો હવે શરૂ થશે નાની એવી ભૂલ ભડકો કરી શકે
– ટ્રમ્પે 60 દિવસની ‘યુધ્ધ-વિરામ’ સમજૂતી તો કરી, પરંતુ તેઓ ઇઝરાયેલને કંટ્રોલ કરી શકશે ? યુ.એસ. ફરી હુમલો ન કરે તેની શી ખાતરી ?
નવી દિલ્હી : અમેરિકા-ઈરાન વચ્ચેનું ૧૦૭ દિવસનું યુધ્ધ ખતમ થયું છે. શાંતિ-સમજૂતી તૈયાર છે. ૧૯મી જુને તેની મહોર આખરી સહી-સિક્કા થઈ જશે તેમ લાગે છે. પરંતુ તેથી મિડલ-ઇસ્ટમાં શાંતિની ગેરન્ટી મળશે ? કદાચ નહીં. એક નાની એવી ભુલ ૬૦ દિવસના સીઝ-ફાયરને તોડી શકે તેમ છે. ઈઝરાયેલનાં વલણથી શરૂ કરી ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે થનારી મહત્વની મંત્રણા તો બીજી તરફ ટ્રમ્પની અનિશ્ચિત નીતિ તે એવા પ્રશ્નો છે કે તેની સાથેના બીજા પ્રશ્નો આ ઐતિહાસિક ડીલ અંગેનાં ભવિષ્યનો ફેંસલો કરી શકે. આ પાંચ પડકારો આ પ્રમાણે છે :-
(૧) પડકાર પહેલો તે છે કે આ સમજૂતી નીચે થયેલો યુધ્ધ-વિરામ ૬૦ દિવસ સુધી ટકી શકશે કે કેમ ? એક જ હુમલો બધી મહેનત ઉપર પાણી ફેરવી દઈ શકે તેમ છે. આ સમજૂતીમાં સ્પષ્ટ વાત છે કે યુધ્ધ-વિરામ દરેક મોર્ચાએ થવો જોઈએ. લેબેનોનમાં પણ ટ્રમ્પ માટે તે પડકારરૂપ છે. તેઓ નેતન્યાહૂને કાબુમાં રાખી શકશે કે કેમ ? કારણ કે ઈઝરાયેલે તો સ્પષ્ટ કહ્યું છે કે આ ડીલ ભાગીદાર નથી. ઈઝરાયેલના હુમલાઓ અંગે ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે પણ મતભેદ છે. તેમાં જો આ સીઝ ફાયર દરમિયાન ઈઝરાયેલ લેબેનોન પર ફરી હુમલો કરે તો ઈરાન તેને સીઝ ફાયરનું ઉલ્લંઘન માનશે.
(૨) પડકાર બીજો :- બીજો પડકાર હોર્મુઝ સ્ટ્રેઇટસ વહેલામાં વહેલી તકે ખોલવાનો છે. દુનિયામાં કુલ તેલ વ્યાપારનો ૨૦ ટકા હિસ્સો આ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે. પરંતુ આ યુધ્ધે તેની ઉપર સંકટ ઉભુ કર્યું છે. તે બંધ થતાં તેલ મોંઘું બન્યું છે, તેની અમેરિકાથી શરૂ કરી ભારત અને ચીન સહિત દુનિયાના લગભગ દરેક દેશ ઉપર થઈ છે. મોંઘવારી વધતી જ જાય છે. રેફર યુનિ.ના પ્રોફેસર રોકફોર્ડે વેટઝે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેઇટસમાં પથરાયેલી સુરંગો હઠાવવામાં અને ક્ષતિગ્રસ્ત વિસ્તારોની મરમ્મત કરવામાં ઘણો સમય જાય તેમ છે.
(૩) પડકાર ત્રીજો :- આ સૌથી મોટો પડકાર છે. શું ૬૦ દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે સહમતિ યોજાઈ શકશે ? આ પ્રશ્ન બંને દેશો માટે સંવેદનશીલ છે. છેલ્લા બે વર્ષમાં પરમાણુ મુદ્દે જ અમેરિકાએ બે વખત ઈરાન પર હુમલા કર્યા છે. તે સંયોગોમાં તેની કોઇ ખાતરી આપી શકે કે ટ્રમ્પ અને તેની સેના ફરી હુમલા નહીં કરે.
(૪) પડકાર ચોથો :- ઈરાનની વાત લઇએ તો ઈઝરાયેલ – અમેરિકા હુમલાથી તબાહ થયેલા તેના શહેરો ફરી બેઠા કરવાનો પડકાર બહુ મોટો છે. હજી સુધીમાં જે વાત મળી શકી છે તે પ્રમાણે અમેરિકા વિદેશોમાં જપ્ત કરેલી ઈરાનની સંપતિ (ફ્રોઝન- એસેટ) છૂટી કરવાનો પ્રશ્ન ઘણો ગંભીર છે. અમેરિકી અધિકારીએ એક્ષીઓસને જણાવ્યું હતું કે જયાં સુધી ઈરાન તેના વચનો પૂરા ન કરે ત્યાં સુધી જપ્ત સંપતિ છૂટી નહીં કરાય.
(૫) પડકાર પાંચમો :- આ બધા સાથે બંનેએ તેમના શબ્દ યુધ્ધો બંધ કરે તે મહત્વનું છે. તેઓ જુબાની -જંગ બંધ કરે તેની કોઈ ખાતરી નથી. નક્કર હકિકત તો તે છે કે બંને શબ્દ-યુધ્ધમાં મર્યાદા ઓળંગી જાય છે.



