Explainer: અમેરિકા-ઈરાનનો શાંતિ કરાર વૈશ્વિક અર્થતંત્ર માટે ગેમ ચેન્જર, જાણો કયા દેશને કેટલો અને કેવો ફાયદો થશે | US Iran peace dealgame changer for the global economy which country benefit and how much

Global economy bets on a US-Iran peace deal: ઈરાન સામે 100 દિવસથી વધુ સમય સુધી ચાલેલા ભયાનક યુદ્ધ બાદ આખરે અમેરિકાએ શાંતિ કરાર કરી લીધો છે. મહાસત્તા અમેરિકા અને ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન વચ્ચે એક શાંતિ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ છે, જે વૈશ્વિક રાજનીતિ અને વૈશ્વિક અર્થતંત્રના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. આ સોદાની સૌથી ખાસ વાત એ છે કે તે બંને દેશો માટે ‘વિન-વિન’ એટલે કે પરસ્પર જીતની સ્થિતિ લઈને આવ્યો છે. અશક્ય લાગતી આ રાજદ્વારી વાટાઘાટોના અંતે યુદ્ધવિરામ, આર્થિક રાહતો અને પરમાણુ નિયંત્રણના મજબૂત માળખા પર બંને પક્ષોએ મહોર લગાવી દીધી છે. ચાલો જાણીએ કે આ શાંતિ-સમજૂતિમાં કયા દેશને કેટલો અને કેવો ફાયદો થશે.
100 દિવસનું યુદ્ધ અને કરાર સુધીની સફર
આ ભીષણ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલા સાથે થઈ હતી. એ પછી સમગ્ર મધ્ય-પૂર્વ યુદ્ધની આગમાં હોમાઈ ગયું હતું. 100 દિવસ કરતાં પણ વધુ સમય સુધી ચાલેલા તણાવ અને સૈન્ય કાર્યવાહી બાદ આખરે ઈરાનની રાજધાની તહેરાનમાં 17 કલાક ચાલેલી મેરેથોન બેઠકોમાં શાંતિ કરારને અંતિમ સ્વરૂપ અપાયું હતું અને એની જાહેરાત 14 જૂનના રોજ કરાઈ હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ જાહેરાત કરતાં લખ્યું કે, ‘ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથેનો સોદો હવે પૂર્ણ થઈ ગયો છે. બંને પક્ષ દ્વારા 19 જૂનના રોજ આ કરાર પર હસ્તાક્ષર કરાશે.’
ઈરાનને શાંતિ કરારથી થનારા ફાયદા
આ કરારથી ઈરાનને ખૂબ જ મોટા આર્થિક, રાજદ્વારી અને ભૌગોલિક ફાયદા મળશે, જે તેના ભાંગી પડેલા અર્થતંત્રને ફરી બેઠું કરવામાં મદદ કરશે.
1. ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ પરના પ્રતિબંધો હટશે: ઈરાનના અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ તેનું ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો છે. આ પ્રતિબંધો હટવાથી ઈરાન ફરીથી આંતરરાષ્ટ્રીય બજારોમાં કોઈ પણ રોકટોક વગર ઓઇલ વેચી શકશે, જેનાથી દેશમાં વિદેશી હૂંડિયામણનો પ્રવાહ ઝડપથી વધશે.
2. નાણાકીય સંસાધનોનું ઍક્સેસ ફરી મળશે: વૈશ્વિક બેંકિંગ પ્રણાલી (જેમ કે SWIFT) પરથી ઈરાન પરના નિયંત્રણો હટી જશે. તેનાથી ઈરાનની બેંકો વિશ્વ સાથે જોડાઈ શકશે અને આંતરરાષ્ટ્રીય વેપારીઓ સાથે નાણાકીય લેવડદેવડ સરળતાથી થઈ શકશે.
3. $24 બિલિયનનું ભંડોળ મુક્ત થશે: ઈરાન જેમ જેમ કરારની શરતો પાળતું જશે, તેમ તેમ તેનું (અમેરિકા અને અન્ય વિદેશી બેંકોમાં) ફ્રીઝ થયેલું $24 બિલિયનનું ભંડોળ પણ તબક્કાવાર મુક્ત થઈ જશે. આ રકમ મળવાથી ઈરાન પોતાની આર્થિક કટોકટી, ગરીબી અને અસાધારણ મોંઘવારી પર કાબૂ મેળવી શકશે.
4. $300 બિલિયનની પુનર્નિર્માણ યોજનાઓ: 100 દિવસના યુદ્ધ અને વર્ષોના આર્થિક પ્રતિબંધોના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $300 બિલિયનની પુનર્નિર્માણ યોજના શરૂ કરાશે. આ રોકાણથી દેશમાં રસ્તા, હૉસ્પિટલો અને ઉદ્યોગો ફરી ધમધમશે અને લાખો લોકોને રોજગારી મળશે. અમેરિકા ઉપરાંત મધ્ય-પૂર્વના સમૃદ્ધ દેશો રોકાણ કે લોન સ્વરૂપે ઈરાનને આ ફંડ આપશે.
5. લેબેનૉન સહિત તમામ મોરચે યુદ્ધવિરામ: આ કરાર માત્ર અમેરિકા-ઈરાન પૂરતો સીમિત નથી, પરંતુ લેબેનૉનમાં સક્રિય હિઝબુલ્લાહ સહિતના તમામ સક્રિય યુદ્ધ મોરચાઓ પર સૈન્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે અટકાવી દેવાશે. હિઝબુલ્લાહ પર હુમલો ન થાય તો તેના કાયમી સાથી એવા ઈરાને તેમની મદદે જવા માટે યુદ્ધમાં ન ઉતરવું પડે.
6. ઈરાનના સાર્વભૌમત્વનો આદર: અમેરિકા અને તેના સાથી દેશો ભવિષ્યમાં ઈરાનની ભૌગોલિક સરહદો અને તેના આંતરિક રાજકીય મામલામાં કોઈપણ પ્રકારની સૈન્ય કે રાજકીય દખલગીરી નહીં કરશે.
7. નૌકાદળ નાકાબંધી હટાવાશે: ઈરાની દરિયાઈ સરહદો અને બંદરો પર લાદેલી નૌકાદળની નાકાબંધી (Naval Blockade) હટાવી લેવાશે. આનાથી ઈરાનના માલવાહક જહાજો કોઈપણ ડર વિના વિશ્વના કોઈપણ ખૂણે વેપાર માટે જઈ શકશે.
8. અમેરિકન સૈન્ય દળો હટાવી લેવાશે: ઈરાનની આસપાસ તૈનાત અમેરિકી સૈનિકો અને લશ્કરી અસ્કયામતોને ધીમે-ધીમે પાછી ખેંચાશે, જેથી અમેરિકન હુમલાનો ઈરાનને માથે તોળાતો કાયમી ખતરો નહીં રહે. અમેરિકાને વળતો જવાબ આપવા માટે તૈયાર રાખવી પડતી મિસાઇલો વગેરેનો ખર્ચ હળવો થશે. અમેરિકાની પીછેહઠને ઈરાન સરકાર પોતાના મનોવૈજ્ઞાનિક વિજય તરીકે રજૂ કરીને જનતા પરની પકડ વધારે મજબૂત કરી શકશે.

અમેરિકા અને સાથી દેશોને થનારા ફાયદા
અમેરિકાએ પોતાના દેશની સુરક્ષા અને તેના વૈશ્વિક સાથીઓ (ખાસ કરીને ઈઝરાયલ)ના હિતોનું રક્ષણ કરવા માટે આ સોદામાં અત્યંત કડક અને મહત્ત્વપૂર્ણ શરતો મંજૂર કરાવી છે.
1. ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી શકશે નહીં: આ અમેરિકાની સૌથી મોટી રાજદ્વારી જીત છે. આ કરાર હેઠળ ઈરાન પરમાણુ બોમ્બ કે અન્ય વિનાશક પરમાણુ હથિયારો બનાવવાની પોતાની તમામ પ્રવૃત્તિઓ પર કાયમી રોક લગાવી દેશે.
2. ઈરાન ઈઝરાયલ પર હુમલો નહીં કરેઃ ઈરાન હવે ઈઝરાયલ પર પ્રત્યક્ષ કે પરોક્ષ(તેના પ્રોક્સી સંગઠનો દ્વારા) કોઈ પણ પ્રકારના સૈન્ય હુમલા કરશે નહીં. જો ઈરાન આ શરતનો ભંગ કરશે, તો આખો શાંતિ કરાર તાત્કાલિક રદ ગણાશે અને તેના પર વૈશ્વિક પ્રતિબંધો ફરી લાગુ થઈ જશે.
3. કડક દેખરેખ પદ્ધતિ અને યુએનની મંજૂરી: ઈરાન છૂપી રીતે પોતાનો પરમાણુ કાર્યક્રમ ન ચલાવે તે માટે એક અત્યંત કડક આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ સિસ્ટમ ગોઠવાશે. આ સમગ્ર કરારને યુએન સિક્યોરિટી કાઉન્સિલની મંજૂરી અને પીઠબળ રહેશે, જેથી કોઈ પક્ષ એનું પાલન કરવામાંથી ફરી ન જાય.
ઈરાન-અમેરિકા બંને માટે લાભદાયી શરતો
કેટલીક શરતો એવી છે જે માત્ર અમેરિકા કે ઈરાન પૂરતી સીમિત નથી, પરંતુ વૈશ્વિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપનારી સાબિત થશે.
1. હોર્મુઝનો જળમાર્ગ ફરી ખુલશે: હોર્મુઝની સામુદ્રધૂની વૈશ્વિક ઓઇલ વેપાર માટે વિશ્વના સૌથી મહત્ત્વના માર્ગ પૈકીનો એક છે. યુદ્ધના કારણે તે બંધ થતાં આખા વિશ્વમાં ઇંધણની કટોકટી સર્જાઈ હતી. તેને ફરીથી ખોલવાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થશે અને તેના ભાવ સ્થિર થશે, જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે.
2. નવા પ્રતિબંધો અને લશ્કરી વિસ્તરણ પર રોક: આગામી સંવાદ પ્રક્રિયા દરમિયાન અમેરિકા ઈરાન પર કોઈ નવા આર્થિક કે રાજકીય પ્રતિબંધો નહીં લગાવે અને સામે પક્ષે ઈરાન કે તેના સાથી સંગઠનો પ્રદેશમાં પોતાનું કોઈ નવું લશ્કરી વિસ્તરણ નહીં કરે, જેથી શાંતિનું વાતાવરણ જળવાઈ રહે.
60 દિવસની વાટાઘાટોનો ‘ટ્રાયલ પીરિયડ’
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો શાંતિ કરાર હજુ પૂરો નથી થયો. બંને દેશો વચ્ચે આગામી 60 દિવસ દરમિયાન નાના-મોટા મુદ્દે વાટાઘાટો જારી રહેશે. આ એક પ્રકારનો ‘ટ્રાયલ પીરિયડ’ અથવા ‘ટેસ્ટિંગ સમયગાળો’ છે, જે દરમિયાન બંને દેશો નીચે મુજબના મુદ્દે આખરી નિર્ણયો પર પહોંચશે.
1. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં આગળ વધવાનું તો તાત્કાલિક ધોરણે રોકી દેશે, પણ હાલમાં તેની પાસે જે ‘હાઇલી એનરિચ્ડ યુરેનિયમ’ છે એનું શું કરાશે, એ નિર્ણય લેવાશે.
2. 100 દિવસ કરતાં વધુ ચાલેલા યુદ્ધ પછી બંને દેશો સીધા જ એકબીજા પર ભરોસો ન કરી શકે. આ 60 દિવસનો સમય એટલા માટે રાખવામાં આવ્યો છે જેથી બંને દેશના રાજદ્વારીઓ કરારની ઝીણવટભરી શરતોનો કાયમી રોડમેપ તૈયાર કરી શકે.
3. અત્યારે જે કંઈ શરતો નક્કી થઈ છે, તે તમામનું પાલન આ 60 દિવસમાં બંને દેશો દ્વારા કરાશે તો બંને વચ્ચેનો તણાવ કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. જો આ 60 દિવસમાં કોઈ પક્ષ શરત તોડશે, તો હાલનો કરાર રદ થઈ શકે છે અને ફરીથી તણાવ વધી શકે છે.



