ચાંદની બારની સીકવલમાં કેટરીના કૈફની એન્ટ્રી થઈ શકે | Katrina Kaif may enter the sequel of Chandni Baar

![]()
– તબુ સાથે કેટરીનાની પણ ભૂમિકા હશે
– મધુર ભંડારકરે પરવાનગી વિના ટાઈટલનાં ઉપયોગ સામે વાંધો લીધો છે
મુંબઈ: રૂપેરી પડદાથી લાંબો સમય દૂર રહ્યા પછી કેટરીના કૈફ મહત્વની ભૂમિકા સાથે વાપસીની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ કેટરીના મધુર ભંડારકરની પ્રશંસિત ૨૦૦૧ની ફિલ્મ ‘ચાંદની બાર’ની સીક્વલ માટે વાટાઘાટ કરી રહી છે.
અજય બહલ દિગ્દર્શિત આ ફિલ્મમાં તબ્બુની પણ મહત્વની ભૂમિકા રહેશે. સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં ફિલ્મ માટે કેટરીનાનું નામ સામે આવતા તેના ચાહકોમાં ઉત્કંઠા જાગી છે. હજુ થોડા દિવસો પહેલાં એવા અહેવાલ હતા કે ગયાં વર્ષે માતા બની ચૂકેલી કેટરિના પુનરાગમન માટે કોઈ સારો ઓટીટી પ્રોજેક્ટ શોધી રહી છે.
અહેવાલો મુજબ સીક્વલમાં મૂળ ફિલ્મની જેમ મુંબઈના રેડ લાઈટ વિસ્તારો અને ગુનાખોરી ઈકોસીસ્ટમની કઠોર સચ્ચાઈ દર્શાવાશે.
જો કે આ પ્રોજેક્ટ ફરતે વિવાદ પણ સર્જાયો છે. ગયા વર્ષે મધુર ભંડારકરે ‘ચાંદની બાર’ નામના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોડયુસર સંદીપ સિંઘ અને દિગ્દર્શક અજય બહલે પછી જણાવ્યું કે તેમણે શીર્ષકના અધિકારો કાનૂની રીતે હાંસલ કર્યા છે અને ફ્રેન્ચાઈસીની તેમની માલિકીનું સંરક્ષણ કરવા જરૂરી પગલા લઈ રહ્યા છે.



