કેરીના વૈશ્વિક બજારમાં ભારતને મોટો આંચકો: જાપાને 20 વર્ષ પછી આપણી કેરી પર કેમ પ્રતિબંધ મૂક્યો? જાણો તેની ગંભીર અસરો | japan bans indian mango imports after 20 years over sanitary issues

![]()
Japan Bans Indian Mango: ભારતીય ઉનાળાની ઓળખ અને વિશ્વભરમાં ‘ફળોના રાજા’ તરીકે પ્રખ્યાત એવી ભારતીય કેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો ઝટકો લાગ્યો છે. સ્વાદના શોખીન એવા જાપાને બરાબર 20 વર્ષના લાંબા સમયગાળા પછી અચાનક ભારતીય કેરીની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ આકસ્મિક નિર્ણયથી ભારતની પ્રીમિયમ ગણાતી આલ્ફોન્સો અને કેસર જેવી જાતોના નિકાસકારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ચાલો જાણીએ કે વૈશ્વિક સ્તરે અતિ લોકપ્રિય કેરીઓ બાબતે જાપાને આવું પગલું કેમ ભરવું પડ્યું, તેની પાછળ કયા તકનીકી કારણો જવાબદાર છે અને ભારતીય કૃષિ અર્થતંત્ર તથા સ્થાનિક ખેડૂતો પર તેની કેવી અસરો પડશે.
પ્રતિબંધનું મુખ્ય કારણ: યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશનનો કડક નિર્ણય
જાપાન વૈશ્વિક સ્તરે તેના કડક ફાયટોસેનિટરી (છોડની સુરક્ષા અને આરોગ્ય સંબંધિત) નિયમો માટે જાણીતું છે. જાપાનના કૃષિ મંત્રાલય હેઠળ કામ કરતા અધિકારીઓ ફળ માખી (Fruit Flies) જેવા આક્રમક જીવાતો સામે બિલકુલ બાંધછોડ ન કરવાની અર્થાત ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ ધરાવે છે. માર્ચ 2026 માં જાપાનના પ્લાન્ટ ક્વોરેન્ટાઇન અધિકારીઓની એક વિશેષ નિરીક્ષણ ટીમે ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશના રહેમાનપુર ખાતે આવેલી ‘વેપર હીટ ટ્રીટમેન્ટ’ (VHT) સુવિધાની તપાસ કરવામાં આવી હતી.
વેપર હીટ ટ્રીટમેન્ટ એ એક એવી અત્યાધુનિક બિન-રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં ગરમ અને ભેજવાળી હવા દ્વારા કેરીને નુકસાન પહોંચાડ્યા વિના ફળની અંદર રહેલા જીવાતો અને તેના ઇંડાનો નાશ કરવામાં આવે છે. પરંતુ જાપાની નિરીક્ષકોને આ પ્લાન્ટમાં ‘ધૂમ્રીકરણ’(Fumigation) અને ‘જીવાણુ નાશ’(Disinfection)ની પ્રક્રિયાઓમાં ગંભીર તકનીકી ખામીઓ અને કામગીરીમાં અનિયમિતતાઓ જોવા મળી હતી.
આ ખામીઓના પરિણામે જાપાનની જાહેર હિત સંસ્થા ‘યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન’ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે 25 માર્ચ 2026 કે તેના પછી ભારત સરકાર દ્વારા જારી કરાયેલા કોઈપણ વનસ્પતિ આરોગ્ય પ્રમાણપત્ર (Inspection Certificates) ધરાવતા શિપમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. ટોકીયોના સત્તાવાળાઓ જ્યાં સુધી ભારતીય પ્લાન્ટ્સના કાર્યકારી ધોરણોથી સંપૂર્ણ સંતુષ્ટ ન થાય, ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે.
પ્રીમિયમ જાતોને ફટકો અને નિકાસ બજાર પર તેની અસરો
જાપાન ભારતનું સૌથી મોટું કેરીનું માર્કેટ નથી, પરંતુ ગુણવત્તા અને આર્થિક વળતરની દ્રષ્ટિએ તે અત્યંત પ્રીમિયમ અને હાઇ-વેલ્યુ માર્કેટ માનવામાં આવે છે. વર્ષ 2025 ના આંકડા અનુસાર, જાપાને ભારતમાંથી કુલ 15.4 લાખ ડોલર(લગભગ 12 કરોડ 85 લાખ રૂપિયા)ની કિંમતની કેરીની આયાત કરી હતી. આ આયાતમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતની પ્રખ્યાત કેસર જાતનો હતો, જે આશરે 2 લાખ ડોલર (1 કરોડ 67 લાખ રૂપિયા) જેટલો નોંધાયો હતો.
આ વૈશ્વિક પ્રતિબંધને કારણે ભારતીય નિકાસકારોની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો છે. પ્રતિબંધને લીધે નીચે મુજબની પ્રીમિયમ ગુણવત્તાવાળી જાતો આ વર્ષે જાપાનના બજારોમાં જોવા મળશે નહીં.
– આલ્ફોન્સો (હાફુસ): મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારની વૈશ્વિક સ્તરે સૌથી મોંઘી અને લોકપ્રિય કેરી.
– કેસર: ગુજરાતના ગીર વિસ્તારની અત્યંત સુગંધિત અને મીઠી કેરી જે જાપાનમાં સૌથી વધુ વેચાય છે.
– લંગડો: ઉત્તર ભારતની અતિ સ્વાદિષ્ટ કેરી.
– બંગનપલ્લી: દક્ષિણ ભારતની કદમાં મોટી અને લોકપ્રિય કેરી.
નિકાસકારોને મોટો ડર એ છે કે જાપાન દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધને કારણે વિશ્વના અન્ય વિકસિત દેશો પણ ભારતની ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ અને નિકાસ પાલન ધોરણો (Export Compliance Standards) પર સવાલો ઊભા કરી શકે છે, જે લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય વેપારને નુકસાન પહોંચાડી શકે છે.
આંતરરાષ્ટ્રીય કટોકટી અને આબોહવા પરિવર્તનનો બેવડો માર
કેરીના વેપારીઓ માટે આ પ્રતિબંધ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ ઓલરેડી મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષને કારણે ભારે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ સંઘર્ષને લીધે નિકાસમાં અગાઉથી જ 20% થી 30% નો ઘટાડો નોંધાયો છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધ્યા છે અને નિકાસકારો માટે કન્ટેનરના લોજિસ્ટિકલ પડકારો ઊભા થયા છે.
કેરી જેવા નાશવંત ફળો માટે રેફ્રિજરેટેડ કન્ટેનર (Refrigerated Containers) ખૂબ જ જરૂરી હોય છે. માર્ચ મહિનામાં આ કન્ટેનરોના ચાર્જિસ(શુલ્ક)માં અચાનક $1,000 નો વધારો થયો હતો. એટલું જ નહીં, યુદ્ધ પ્રભાવિત વિસ્તારોના કારણે તેમાં $4,000 ની વધારાની લેવી (War Surcharge) પણ ઉમેરવામાં આવી છે, જે સામાન્ય નૂર ખર્ચ કરતાં લગભગ 4 ગણી વધારે છે. લાંબા શિપિંગ રૂટ્સને કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.
બીજી તરફ, કુદરતે પણ ખેડૂતોની કસોટી કરી છે. મહારાષ્ટ્રના આલ્ફોન્સો ઉત્પાદક પટ્ટામાં અલ નીનો (El Nino) આબોહવા પેટર્નને કારણે ગંભીર ગરમીનું મોજું (Heatwave) અને કમોસમી વાતાવરણ જોવા મળ્યાં છે. સરકારી સર્વેક્ષણો મુજબ, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પાકનું નુકસાન 85% થી 90% જેટલું ઊંચું રહ્યું છે. આમ, એક તરફ સ્થાનિક પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારો બંધ થઈ રહ્યા છે.
ઐતિહાસિક સંદર્ભ અને વૈકલ્પિક બજારોની સ્પર્ધા
રસપ્રદ વાત એ છે કે, ભારત અને જાપાન વચ્ચે કેરીના વેપારમાં આવો વિવાદ પહેલીવાર નથી થયો. આ પૂર્વે વર્ષ 1986 માં પણ ફળ માખીના ઉપદ્રવના કારણે જાપાને ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જે પૂરા 20 વર્ષ સુધી એટલે કે વર્ષ 2006 સુધી ચાલ્યો હતો. તત્કાલીન વાણિજ્ય મંત્રી કમલનાથ અને ભારત સરકારના વર્ષોના વૈજ્ઞાનિક સર્વેક્ષણો અને જાપાનની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન બાદ જૂન 2006 માં આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
હાલમાં જાપાન માર્કેટમાં ભારત સિવાય અન્ય દેશો પણ મોટા સપ્લાયર્સ તરીકે સક્રિય છે. ભારતની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવા થાઇલેન્ડ, મેક્સિકો, તાઇવાન, પાકિસ્તાન અને વિયેતનામ જેવા હરીફ દેશો તૈયાર બેઠા છે.
શું આ પ્રતિબંધ ઉલટાવી શકાય?
‘મેંગો ગ્રોઅર એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (Mango Growers Association of India) ના પ્રમુખ એસ. ઇન્સરામ અલીના જણાવ્યા અનુસાર ભારત સરકાર આ ગંભીર મુદ્દે જાપાની નિયમનકારો અને ટોકીયોના અધિકારીઓ સાથે સતત વાર્તાલાપ કરી રહી છે અને ટૂંક સમયમાં સકારાત્મક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે.
જોકે, ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે કેરીની મુખ્ય નિકાસ સીઝન એપ્રિલથી જૂન સુધીની હોય છે. જાપાનના બજારમાં ફરીથી પ્રવેશ મેળવવા માટે ભારતે પોતાની તમામ VHT સુવિધાઓનું કડક ઓડિટ કરવું પડશે, જંતુ નિયંત્રણ સિસ્ટમ મજબૂત કરવી પડશે અને દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી પડશે. આ પ્રક્રિયા લાંબી હોવાથી વેપારીઓને ડર છે કે વાટાઘાટો સફળ થાય તો પણ વર્ષ 2026 ની વર્તમાન સિઝન તો ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંપૂર્ણપણે ગુમાવવી જ પડશે.
કેરી સંબંધિત મુખ્ય આંકડા
– ભારતનું કુલ વાર્ષિક ઉત્પાદન: 2 કરોડ 80 લાખ મેટ્રિક ટન
– ભારતમાંથી થતી વાર્ષિક નિકાસ: આશરે 32 હજાર મેટ્રિક ટન
– વર્ષ 2025 માં ભારતનો કુલ કેરી નિકાસ વેપાર: 5.6 કરોડ ડોલર (અંદાજે 532 કરોડ રૂપિયા)



