ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના ટાળી, કહ્યું- ‘ટૂંક સમયમાં ડીલની જાહેરાત કરીશું’ | Trump Cancels Iran Strike Signals Historic Deal Amid Rising US Iran Tensions

![]()
Donald Trump On Iran War And Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન પર ભયાનક હુમલો કરવાની યોજના જાહેર કરી હતી, જોકે તેમણે આ મામલે મોટી ગુલાંટ મારી હુમલાની યોજના ટાળી દીધી છે. તેમણે આજે રાત્રે થનારા સૈન્ય હુમલાને અચાનક રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન સાથે ડીલ કરવાની વાતચીત ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને તે ડીલને મંજૂરી પણ મળી ગઈ છે, જેના કારણે હુમલો ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમજૂતી અંતિમ ન થાય ત્યાં સુધી ઈરાન પર નૌકાદળની નાકાબંધી યથાવત રહેશે.
ઈરન સાથે ઐતિહાસિક ડીલની ટૂંક સમયમાં જાહેરાત કરાશે
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, આ વાતચીત અને તેના અંતિમ મુદ્દાઓને અમેરિકા, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, તુર્કી, પાકિસ્તાન સહિતના તમામ સંબંધિત દેશોએ મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં જ આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવા માટેના સમય અને સ્થળની જાહેરાત કરવામાં આવશે.
આ જાહેરાત પહેલા ટ્રમ્પે આપી હતી ભયાનક હુમલાની ચેતવણી
આ શાંતિપૂર્ણ જાહેરાત પહેલા ટ્રમ્પે આજે જ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે જ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે અને ક્રૂડ ઓઈલના બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ટ્રમ્પની નજર ‘ખાર્ગ આઈલેન્ડ’ પર !
તેમણે દાવો કર્યો હતો કે, ઈરાનની નૌસેના, વાયુસેના, રડાર અને એન્ટી એરક્રાફ્ટ ગન સહિતની સંરક્ષણ પ્રણાલીઓ અમેરિકાએ પહેલેથી જ પાયમાલ કરી દીધી છે. ટ્રમ્પે ઈરાનની આર્થિક કમર તોડવાની પણ ચીમકી આપી હતી અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અમેરિકા ઈરાનના મુખ્ય તેલ અને ગેસ સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, જેમાં સૌથી મહત્વનો વ્યૂહાત્મક ટાપુ ‘ખાર્ગ આઈલેન્ડ’ શામેલ છે. ખાર્ગ ટાપુ એ ઈરાનના તેલ વેપારની કરોડરજ્જુ છે જ્યાંથી દરરોજ આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ થાય છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે અમે આ ઓઈલ માર્કેટ પર તે જ રીતે નિયંત્રણ મેળવીશું જેમ અમે વેનેઝુએલામાં કર્યું છે.
એરસ્ટ્રાઈક અને ઈરાનનો જવાબી હુમલો
ગુરુવારે અમેરિકાની સેનાએ ઈરાનની અંદર મોટા પાયે સૈન્ય કાર્યવાહી હાથ ધરીને તેમની સર્વેલન્સ સિસ્ટમ્સ અને એર ડિફેન્સ સાઇટ્સને નિશાન બનાવી હતી. જેના જવાબમાં ઈરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ પણ પીછેહઠ કરવાનો ઈનકાર કરીને ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકાના 18 સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર મિસાઈલમારો કર્યો હોવાનો દાવો કર્યો હતો.


