VIDEO : PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત | Pakistan Army Mi 17 Helicopter Crash In PoK Muzaffarabad Kills All Military Personnel On Board

![]()
Pakistan Army Helicopter Crash : પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર બુધવારે ક્રેશ થયું છે. આ અકસ્માત મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન સર્જાયો હતો. ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ને ટાંકીને ત્યાંના સ્થાનિક અખબાર ‘ડૉન’એ પુષ્ટિ કરી છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ 21 સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.
ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ
સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રારંભિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરે જેવું મુઝફ્ફરાબાદ નજીકથી ઉડાન ભર્યું, કે તરત જ તે કોઈ ટેકનિકલ ગરબડનો ભોગ બન્યું અને નિયંત્રણ ગુમાવીને નીચે ગબડી પડ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સેનાની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો : ‘ફેક’ લાયસન્સના સહારે 16 વર્ષ સુધી 900 ફ્લાઈટો ઉડાવી, કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ
Mi-17 હેલિકોપ્ટર અને તેની વિશેષતાઓ
પાકિસ્તાનમાં Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હોય તેવી આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આ મોડેલના હેલિકોપ્ટરના અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. Mi-17 રશિયા નિર્મિત મીડિયમ-લિફ્ટ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. તેને રશિયાના ‘મિલ મોસ્કો હેલિકોપ્ટર પ્લાન્ટ’ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, જે જૂના Mi-8 હેલિકોપ્ટરનું એડવાન્સ અને અપગ્રેડેડ વર્ઝન છે. આ એક અત્યંત શક્તિશાળી હેલિકોપ્ટર છે, જે સંપૂર્ણ શસ્ત્રોથી સજ્જ 30 સૈનિકોને એકસાથે લઈ જઈ શકે છે. આ હેલિકોપ્ટર પોતાના કેબિનની અંદર અંદાજે 4000 કિલોગ્રામ (4 ટન) સુધીનો સામાન લઈ જઈ શકે છે. આ ઉપરાંત, તેની નીચે લાગેલા બહારી સ્લિંગ દ્વારા તે 3000 કિલોગ્રામ (3 ટન) સુધીનું વધારાનું વજન હવામાં ઊંચકી શકે છે. તે બે ક્લિમોવ TV3-117 ટર્બોશાફ્ટ એન્જિનથી સજ્જ હોય છે, જે તેને પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઉડાન ભરવાની તાકાત આપે છે. આ હેલિકોપ્ટર હવામાં 250 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ઉડાન ભરી શકે છે.
આ પણ વાંચો : રશિયા, US, ઇઝરાયેલ, ઈરાનથી ચઢીયાતુ ભારત, શાંતિની બાબતમાં ક્યા નંબરે છે રેન્ક?



