‘અમારું મિશન પૂર્ણ થયું…’, હોર્મુઝ નજીક ઈરાનના 3 ઠેકાણાને હચમચાવ્યા બાદ અમેરિકાનું નિવેદન | US Mission Accomplished: Military Strikes on Iranian Bases in Hormuz

![]()
Iran and USA War Update : વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાએ ઈરાનના બંદર અબ્બાસ, જાસ્ક અને કેશમ ટાપુઓ પર સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ જવાબી હુમલા કર્યા છે. આ હુમલાઓ બાદ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, ‘અમારું મિશન પૂરું થયું છે.’
અપાચે હેલિકોપ્ટરની ઘટના બાદ ટ્રમ્પનો આદેશ
આ સૈન્ય કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવા બાદ કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના એક અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. આ ઘટનાના વળતા જવાબમાં ટ્રમ્પના આદેશ પર 9 જૂનના રોજ અમેરિકન વાયુસેના અને નૌસેનાના લડાકુ વિમાનોએ ‘પ્રિસિઝન મ્યુનિશન’ (ચોકસાઈપૂર્વકના હથિયારો) નો ઉપયોગ કરીને ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જો કે, ઈરાને આ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે અમેરિકાએ હુમલો કરવા માટે હેલિકોપ્ટરની ઘટનાનું માત્ર બહાનું બનાવ્યું છે.
ઈરાની એર ડિફેન્સ અને રડાર સાઇટ્સ પર સર્જિકલ એટેક
CENTCOM ના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડાર સાઇટ્સને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવી છે. અમેરિકાએ આ હુમલાને ‘સેલ્ફ ડિફેન્સ’ (આત્મરક્ષણ) ગણાવ્યું છે. સૈન્ય પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, આ કાર્યવાહી માત્ર હેલિકોપ્ટર પાડવાના જવાબમાં જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકન સૈનિકો અને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે.
અમેરિકન સેના હાઈ એલર્ટ પર
આ હુમલાઓ બાદ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના સંપૂર્ણપણે સતર્ક છે અને ઈરાન તરફથી થનારા કોઈ પણ વળતા હુમલાનો જવાબ આપવા માટે સજ્જ છે. આ હુમલા બાદ ખાડી દેશોમાં અને ખાસ કરીને દરિયાઈ તેલ માર્ગો પર યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને આર્થિક સ્થિતિ અંગે ચિંતા વધી ગઈ છે.



