Explainer: ભારતની વસ્તી ઘટી રહી છે, ઈલોન મસ્કે છેડી ચર્ચા… શું ‘હમ દો હમારે દો’ ભવિષ્યમાં ભારે પડશે? | Tesla boss Elon Musk flags India declining fertility rate worlds most populous country

Elon Musk Flags India Declining Fertility Rate: વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં લાંબા સમય સુધી ‘વસ્તી નિયંત્રણ’ એક મુખ્ય મુદ્દો રહ્યો છે. પરંતુ તાજેતરમાં ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કની એક સોશિયલ મીડિયા પોસ્ટે આખી ચર્ચાની દિશા બદલી નાંખી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ધ ઈકોનોમિસ્ટ’ના અહેવાલનો એક ગ્રાફ શેર કરીને લખ્યું કે, ‘ભારતનો જન્મ દર રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે આવી ગયો છે. ભારતનો જન્મ દર ઘણાં વર્ષો પહેલાં સૌથી વધુ શિક્ષિત લોકોમાં રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે આવી ગયો હતો.’ આ પોસ્ટ વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ, અર્થશાસ્ત્રીઓ અને વસ્તીશાસ્ત્રીઓ વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ. કેટલાક લોકો તેને ભવિષ્યની મોટી કટોકટી માની રહ્યા છે, તો કેટલાક તેને વિકાસનું હકારાત્મક પરિણામ ગણાવી રહ્યા છે. શું મુદ્દો ખરેખર ચિંતાજનક છે?
યુએન રિપોર્ટ અને ભારતનો વર્તમાન પ્રજનન દર
મસ્કનો દાવો હવામાં નથી, તેને સત્તાવાર આંકડાઓનું સમર્થન છે. યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટિઝ(UNFPA)ના ‘સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન’ રિપોર્ટ 2025 અનુસાર, ભારતનો કુલ પ્રજનન દર એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) ઘટીને પ્રતિ મહિલા 1.9 બાળક થઈ ગયો છે. કોઈ પણ દેશની વસ્તી સ્થિર રાખવા 2.1નો પ્રજનન દર જરૂરી છે, જેને ‘રિપ્લેસમેન્ટ લેવલ પ્રજનન ક્ષમતા’ કહેવાય છે. તેનો અર્થ એ કે આગામી પેઢીમાં પોતાની જગ્યા લેવા (રિપ્લેસ કરવા) માટે દરેક દંપતિ પાસે સરેરાશ બે બાળક હોવા જરૂરી છે. ભારત હવે આ સ્તરથી નીચે સરકી ગયું છે. ભારતનો પ્રજનન દર 1950ના દાયકામાં લગભગ 5.7ના ઉચ્ચ સ્તરે હતો, જે ઘટીને 2019-21માં 2.0 અને 2023-24માં 1.9 પર આવી ગયો છે. નિષ્ણાતોની ધારણા હતી કે, ભારત આ સ્તરે 2030 કે 2035 સુધીમાં પહોંચશે, પરંતુ દેશે 2020ની આસપાસ જ આ સીમાચિહ્ન પાર કરી લીધું છે.
ભારતમાં ઘટતાં જન્મ દર પાછળના મુખ્ય કારણો
ભારતીય યુગલો હવે ઓછા બાળકો કેમ પસંદ કરી રહ્યા છે? નિષ્ણાતો અને UNFPAના અહેવાલ મુજબ તેના પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ નીચે મુજબના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોનો સમન્વય છે.
1. સતત વધી રહેલો જીવન અને ઉછેરનો ખર્ચ (The Financial Burden)
આજના શહેરી ભારતમાં બાળકોનો ઉછેર એ પાછલી પેઢીઓમાં હતો એના કરતાં ક્યાંય વધુ ‘સંસાધન-સઘન પ્રોજેક્ટ’ બની ગયો છે.
– UNFPAના સર્વેમાં 38% લોકોએ ઓછા બાળકો માટે આર્થિક મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો છે.
– 22% લોકોએ આવાસ (મોંઘા ઘર અને નાની જગ્યાઓ) અને 21% લોકોએ બેરોજગારી કે નોકરીની અસુરક્ષાને જવાબદાર ગણાવી છે.
– આજના માતા-પિતા માત્ર બાળકને ખવડાવવા-કપડાં આપવામાં નથી માનતા, તેઓ બાળકોને ખાનગી શાળાઓ અને કોચિંગ ક્લાસીસમાં ભણાવવા માંગે છે. પોતાના બાળકોને તેઓ શ્રેષ્ઠ હેલ્થકેર અપાવવા પ્રયત્નશીલ હોય છે. આ બધાં કારણોસર બાળઉછેર ખૂબ ખર્ચાળ બની ગયો છે.
2. મહિલા સશક્તિકરણ
મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધવો એ પ્રજનન દર ઘટવાનું સૌથી મોટું અને સકારાત્મક કારણ છે. 2025ના એક સંશોધન પત્ર ‘ભારતમાં મહિલાઓની પ્રજનનક્ષમતા પર પ્રસાર અને શિક્ષણની અસરો’ મુજબ, જેમ જેમ મહિલાઓ વધુ શિક્ષણ મેળવે છે, તેમ તેમની પ્રજનનક્ષમતા ઘટે છે. આર્થિક સ્વાયત્તતા અને મોડા લગ્ન જેવા કારણો આમાં ભાગ ભજવે છે. નિષ્ણાતો કહે છે કે, આજની શિક્ષિત મહિલા માટે બાળકોને દુનિયામાં લાવવા એ એક ‘પસંદગી’ છે, કોઈ સામાજિક ‘જવાબદારી’ નથી રહી.
3. સામાજિક સહકારનો અભાવ
આજે પણ દેશમાં વર્કિંગ વુમન (કામ કરતી મહિલાઓ) પર ઘરકામ અને બાળ ઉછેરનો મોટો બોજ રહે છે. જ્યારે મહિલાઓને પતિ, પરિવાર કે ઑફિસ તરફથી પૂરતો સપોર્ટ કે ગુણવત્તાયુક્ત ચાઇલ્ડકેર સુવિધા નથી મળતી, ત્યારે તેઓ બીજા બાળકનો વિચાર માંડી વાળે છે અથવા બાળક પેદા કરવામાં વિલંબ કરે છે.
4. ઇચ્છિત બાળકોની સંખ્યામાં ઘટાડો
આજના જમાનામાં ‘બાળક લાવવું’ એ માત્ર પૈસાનો મામલો નથી રહ્યો. જાપાન અને દક્ષિણ કોરિયા જેવા સમૃદ્ધ દેશો પાસે અઢળક નાણાં અને કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં ત્યાં પ્રજનન દર વિશ્વમાં સૌથી ઓછો છે. મુખ્ય બાબત એ છે કે લોકોની વધુ બાળકો પેદા કરવાની ઇચ્છા જ ઘટી રહી છે. શહેરી ભારતમાં છેલ્લા 25 વર્ષથી પ્રજનન દર રિપ્લેસમેન્ટથી ઓછો છે, કેમ કે યુવાન મહિલાઓ હવે માત્ર એક જ બાળક ઇચ્છે છે.
ભારતમાં પ્રજનન દરનું ભૌગોલિક અને શહેરી-ગ્રામીણ વિભાજન
ભારતનો પ્રજનન દર સમગ્ર દેશમાં એકસમાન નથી. તેમાં ઉત્તર-દક્ષિણ અને શહેરી-ગ્રામીણ વિભાજન સ્પષ્ટ રીતે જોવા મળે છે:

દક્ષિણના રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ, વધુ આવક અને સારી આરોગ્ય સેવાના કારણે પ્રજનન દર ઝડપથી ઘટ્યો છે, જેના કારણે ત્યાંની રાજ્ય સરકારો હવે લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીજી તરફ સૌથી ઓછો પ્રજનન દર દિલ્હી (1.2) અને ચંદીગઢમાં (1.4) છે.
ઘટતો પ્રજનન દર ખરેખર કેટલો ચિંતાજનક
શું ભારત પણ જાપાન કે દક્ષિણ કોરિયાની જેમ વસ્તી સંકટ તરફ આગળ વધી રહ્યું છે? નિષ્ણાતોના મતે, તાત્કાલિક તો કોઈ કટોકટી નથી, પરંતુ લાંબા ગાળે આ ચિંતાનો વિષય છે.
– વસ્તી ગતિ (Population Momentum): પ્રજનન દર ઘટવા છતાં ભારતની વસ્તી આગામી થોડા દાયકા સુધી વધતી રહેશે. તેનું કારણ એ છે કે ભારત પાસે અત્યારે યુવા વસ્તી મોટી સંખ્યામાં છે, જેઓ પ્રજનન વયમાં પ્રવેશી રહ્યા છે. એટલે કે સરેરાશ બાળકોની સંખ્યા ઘટવા છતાં કુલ બાળજન્મની સંખ્યા ઊંચી રહેશે.
– નજીકનું ભવિષ્ય: અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલ જણાવે છે કે ભારતમાં જન્મેલા બાળકોની સર્વોચ્ચ સંખ્યા વર્ષ 2001માં જ આવી ગઈ હતી. દીર્ઘાયુષ્ય(લાંબા જીવન)ને કારણે વસ્તી હજુ વધી રહી છે, પરંતુ 2030ના દાયકા પછી વસ્તી સ્થિર થઈને ઘટવા તરફ આગળ વધી શકે છે. એ પછી વિયેતનામ અને જાપાનની જેમ ભારતમાં પણ અબજો રૂપિયા ખર્ચવા છતાં વસ્તી વધારવી મુશ્કેલ બનશે.
દેશ ધનવાન બનતાં પહેલાં વૃદ્ધ થઈ રહ્યો છે!
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન(ORF)ના નિલાંજન ઘોષ કહે છે કે ભારત સામે સૌથી મોટો પડકાર એ છે કે દેશ ‘ધનવાન બનતાં પહેલાં ઝડપથી વૃદ્ધ થઈ રહ્યો છે’.
વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તીના લગભગ 20% (આશરે 30 કરોડ) લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હશે. આનાથી દેશનો નિર્ભરતા ગુણોત્તર (Dependency Ratio) બગડશે, એટલે કે કામ કરનારા યુવાનો ઓછા હશે અને તેમના પર નભતા વૃદ્ધોની સંખ્યા વધારે હશે.
‘સિલ્વર ડિવિડન્ડ’નો અમલ જરૂરી
નિલાંજન ઘોષે સૂચવ્યું કે ભારતે હવે ‘સિલ્વર ડિવિડન્ડ’નો અમલ કરવાની જરૂર છે. સિલ્વર ડિવિડન્ડ એટલે વૃદ્ધ લોકોને આર્થિક બોજ કે આશ્રિત ગણવાને બદલે, તેમના જ્ઞાન અને દાયકાઓના અનુભવનો દેશના વિકાસમાં ફરીથી ઉપયોગ કરવો. આમાં વરિષ્ઠ નાગરિકોને નવી ટૅક્નોલૉજી શીખવીને (Re-skilling) અને પાર્ટ ટાઇમ નોકરી આપીને અર્થતંત્રમાં સક્રિય ભાગીદાર બનાવવામાં આવે છે.
યુઝર્સે સોશિયલ મીડિયા પર છેડી દીધી ચર્ચા
ઈલોન મસ્કની આ ચેતવણી સામે એક્સ પર એક યુઝરે લખ્યું કે, ‘કૃપા કરીને ઈલોન મસ્કનું સાંભળશો નહીં. દેશના વર્તમાન પ્રજનન દરને જોતાં ભારતની વસ્તી ઘટીને 100 કરોડ સુધી પહોંચવામાં આશરે 160 વર્ષ અને 50 કરોડ સુધી પહોંચવામાં 300 વર્ષ લાગશે.’
જો કે, મુદ્દો વસ્તીના કુલ ‘આંકડા’નો નથી, પરંતુ ‘વય માળખા’નો છે કારણ કે, યુવાનોની સંખ્યા ઘટશે અને વૃદ્ધોની વધી જશે. ચિંતા એ વાતની છે કે ભવિષ્યના અર્થતંત્રને ચલાવવા માટે ભારતમાં પૂરતા પ્રમાણમાં શિક્ષિત અને કુશળ યુવા કાર્યબળ ઉપલબ્ધ રહેશે કે નહીં.
યુએનની પણ નીતિઓ નહીં બનાવવાની અપીલ
યુએનની સ્પષ્ટ સલાહ છે કે, દુનિયામાં કોઈ પણ સરકારોએ પ્રજનન દરને કૃત્રિમ રીતે વધારવા કે ઘટાડવાના પ્રયાસો (જેમ કે કોઈ નીતિઓ થોપવી) કરવા જોઈએ નહીં. તેના બદલે, એવી સ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ જ્યાં લોકો મુક્તપણે અને સભાનતાથી પોતાના પરિવારનું કદ નક્કી કરી શકે. આ માટે કામ કરતાં માતા-પિતાને આર્થિક સહાય, ચાઇલ્ડકેર સેવાઓ, લિંગ સમાનતા અને બહેતર આરોગ્ય સુવિધાઓ આપવી જરૂરી છે.
મસ્ક એ બાબતમાં સાચા છે કે ભારતનો પ્રજનન દર રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. જો કે, આ કોઈ તાત્કાલિક આફત નથી પરંતુ એક લાંબાગાળાનું વસ્તી વિષયક પરિવર્તન છે. ભારત માટે ખરો પડકાર વસ્તીના ઘટાડાને રોકવાનો નથી, પરંતુ બદલાતા વસ્તી માળખાનું યોગ્ય આયોજન કરીને યુવાનોને સક્ષમ બનાવવાનો અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે.



