दुनिया

ઈરાન મુદ્દે નેતન્યાહૂ અડગ પણ ટ્રમ્પ ચિંતિત, છેલ્લી ચેતવણી આપતા કહ્યું- હવે અમે સાથ નહીં આપીએ | trump warns netanyahu israel isolated iran conflict



Trump Warns Netanyahu Against Striking Iran: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે નેતાન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈઝરાયલે ઇરાન પર ફરીથી મોટા પાયે હુમલા શરૂ કર્યા, તો વૈશ્વિક સ્તરે તે એકલું પડી શકે છે. 

નેતન્યાહૂને ટ્રમ્પની છેલ્લી ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે રાજદ્વારી સમજૂતી કરવા માટે મહિનાઓથી પ્રયાસ કરી રહ્યા છે. તેમને ડર છે કે જો આ યુદ્ધ વધશે તો અમેરિકાએ પણ આ પ્રાદેશિક સંઘર્ષમાં ઊંડા ઉતરવું પડશે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું, કે મેં કહ્યું, ‘બીબી હવે ચેતી જજો, નહીંતર ટૂંક સમયમાં તમે એકલા પડી જશો. 

ઈરાન અને ઈઝરાયલ ફરી યુદ્ધના દરવાજે 

આ તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ઈઝરાયલે રવિવારે બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેના જવાબમાં ઇરાને ઈઝરાયલ પર મિસાઇલો છોડી દીધી. ટ્રમ્પે નેતાન્યાહૂને વધુ જવાબી કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી અને દાવો કર્યો હતો કે આગામી થોડા દિવસોમાં જ ઇરાન સાથેની વાટાઘાટોમાં મોટી સફળતા મળી શકે તેમ છે.

અમેરિકી અને ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ અત્યારે મુશ્કેલ સંતુલન જાળવી રહ્યા છે. તેઓ ઇરાનના હુમલા સામે ઈઝરાયલના સ્વરક્ષણના અધિકારને સ્વીકારે છે, પરંતુ સાથે જ સામસામે થતા હુમલાઓ સંપૂર્ણ પ્રાદેશિક યુદ્ધમાં ન બદલાય તે માટે ચિંતિત છે.

ટ્રમ્પની વિનંતી ઠુકરાવી ઈઝરાયલે ઈરાન પર કર્યો હતો હુમલો

ટ્રમ્પના વિરોધ છતાં, નેતાન્યાહૂએ વ્હાઇટ હાઉસને સ્પષ્ટ કરી દીધું હતું કે ઈઝરાયલ મર્યાદિત હુમલાઓ ચાલુ રાખશે. ત્યારબાદ ઈઝરાયલે ઇરાનની સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી, જેના કારણે તેહરાને ફરીથી ઈઝરાયલ તરફ મિસાઇલો છોડી. જો કે આ હુમલામાં અમેરિકી સેનાએ સીધો ભાગ લીધો ન હતો, પરંતુ યુએસ સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, અમેરિકાએ ઇરાનની મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં ઈઝરાયલને મોટી મદદ કરી હતી.

ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી કરી મધ્યસ્થી 

વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે ફરી નેતાન્યાહૂ સાથે ફોન પર વાત કરી અને ઇરાન પર મોટા પાયે હુમલો કરવાની યોજના અટકાવવા દબાણ કર્યું. ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે, નેતાન્યાહૂ આખરે એ શરતે પાછા હટવા સંમત થયા કે જો ઇરાન હવે પછી કોઈ નવો હુમલો નહીં કરે તો ઈઝરાયલ પણ શાંત રહેશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે પ્રદેશના કેટલાક દેશોએ તેમનો સંપર્ક કરીને સંયમ રાખવા વિનંતી કરી છે અને ઇરાને પણ મધ્યસ્થીઓ દ્વારા સંકેત આપ્યો છે કે જો ઈઝરાયલ હુમલા રોકશે તો તેઓ પણ હુમલા બંધ કરવા તૈયાર છે.

નેતાન્યાહૂનો રાષ્ટ્રજોગ સંદેશ: અમે ઇરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઇશું નહીં

બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ સોમવારે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પોતાની સૈન્ય કાર્યવાહીનો જોરદાર બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઈઝરાયલે ઇરાનના પરમાણુ જોખમને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે, એક વર્ષ પહેલાં ઇરાન સામે કરવામાં આવેલા આગોતરા પ્રહારે તેહરાનને પરમાણુ હથિયારો મેળવતા રોક્યું હતું. ઈઝરાયલ ક્યારેય ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવા નહીં દે. આ સિવાય હિઝબુલ્લાહ ઉત્તરી ઈઝરાયલ પર હજારો લડવૈયાઓ અને મોટા પાયે મિસાઇલ હુમલાની તૈયારી કરી રહ્યું હતું, જેને અમે નિષ્ફળ બનાવ્યું છે. અમે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને ખતમ કર્યો છે અને દક્ષિણ લેબનોનમાં તેમની અંડરગ્રાઉન્ડ સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડી છે. 

ઈરાને હુમલા બંધ કર્યા તેથી હવે પણ હુમલો નહીં કરીએ: ઈઝરાયલ

નેતાન્યાહૂએ ઉમેર્યું કે ઇરાન અને હિઝબુલ્લાહ અત્યારે સૌથી નબળી સ્થિતિમાં છે, જ્યારે ઈઝરાયલ મજબૂત બન્યું છે. જો કે, તેમણે ચેતવણી આપી કે સંઘર્ષ હજુ પૂરો થયો નથી. ઇરાન અને હિઝબુલ્લાહ પોતાની ધરતી પરથી હુમલા કરીને ‘નવું સમીકરણ’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનો ઈઝરાયલે બેરૂત અને ઇરાનના આર્થિક-સૈન્ય મથકો પર હુમલા કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ પૂરતું ઈઝરાયલે ફાયરિંગ રોક્યું છે કારણ કે ઇરાનના હુમલા બંધ થયા છે, પરંતુ જો તેહરાન ફરીથી આક્રમકતા બતાવશે તો તેનો જવાબ “અતિશય પ્રચંડ બળ” સાથે આપવામાં આવશે.



Source link

Related Articles

Back to top button