ફિલિપાઇન્સમાં 7.8ના ભૂકંપથી તારાજી : 32નાં મોત, 200 ઘાયલ | 7 8 magnitude earthquake wreaks havoc in the Philippines: 32 dead 200 injured

![]()
– સુનામીની ચેતવણી : દરિયાકિનારે ત્રણ-ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
– ભૂકંપની અસર છેક ઇન્ડોનેશિયા, જાપાન અને પલાઉ ટાપુ સુધી અનુભવાઈ : કાંઠા વિસ્તારના ગામો અડફેટે ચડયા
– અનેક ઇમારતો ધરાશાયી, સુપર માર્કેટ્સમાં સંખ્યાબંધ લોકો ફસાયા,ઓફિસોમાં મોટાપાયે નુકસાન થતાં કામકાજ અટક્યું
મનીલા : ફિલિપાઇન્સના દક્ષિણ હિસ્સામાં સોમવારે સવારે ૭.૩૭ વાગે આવેલા ૭.૮ની તીવ્રતાના ભીષણ ભૂકંપના કારણે ૩૨ના મોત થયા હતા અને ૨૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના લીધે ઇન્ફ્રાસ્ટ્રકચરને મોટાપાયા પર નુકસાન થયું હતું. આ ભૂકંપના લીધે ત્રણ-ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને તેની અસર છેક ઇન્ડોનેશિયા અને પલાઉ અને દક્ષિણ જાપાન સુધી અનુભવાઈ હતી.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ ફિલિપાઇન્સ મીન્ડાનાઓ ટાપુમાં માત્ર ૨૨ માઈલ જ ઊંડે આજે (સોમવાર) હતું. અગાઉ પેસિફિક સુનામી વાર્નિંગ સેન્ટર (પી.ટી.ડબલ્યુ.સી.)એ આગામી ત્રણેક કલાકમાં જ સુનામી જાગવાની ચેતવણી ઉચ્ચારી હતી, જે બપોર પછી પરત ખેંચી લેવાઈ હતી. આ સુનામી ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, પાવા ઉ.ટાપુઓ, તાઈવાન તથા પાપુઆ ન્યૂગીનીમાં ફરી વળવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે દરિયાકિનારે આવેલા ગામને નુકસાન થયું હતું.
જાપાને પણ તેના પેસિફિક તટે સુનામી જાગવાની ચેતવણી આપી હતી. દરમિયાન ફિલીપીનો ઓથોરિટીએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ ઉપર પાકી નજર રાખી રહ્યાં છે તેમજ ધરતીકંપનો ભોગ બનેલાઓને શક્ય તેટલી સહાય પણ પહોંચાડવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ધરતીકંપને લીધે ઘણાં મકાનો પડી ગયાં છે, તેથી પણ મૃત્યુઆંક તેમજ ઇજાગ્રસ્તોની સંખ્યા વધવા સંભવ છે. સીઓલ સીટી પોલીસના માસ્ટર સાર્જંટ રોબર્ટ ડેગને, પત્રકારોને કહ્યું હતું કે અનેક મકાનો પડી ગયાં છે. અનેક પાકાં મજબૂત મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે.ે આજે સવારથી આફટર શોક્સ પણ અનુભવવામાં આવ્યા હતા. ફિલિપાઇન્સમાં તો અનેક સ્થળોએ ધરતીકંપના હળવાથી વધુ આંચકા લાગ્યા હતા. આફટર શોક્સ પણ આવ્યા હતા.
ભૂકંપના લીધે જનરલ સાન્તોસ શહેરમાં કેટલાય બિલ્ડિંગો તૂટી ગયા હતા અને ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પહોંચ્યું હતું. દક્ષિણ ફિલિપાઇન્સમાં ભૂકંપના લીધે જમીન ધસી પડતા ૧૩ ગામવાસીઓના મોત થયા હતા. આ સિવાય બીજા ચાર ગામવાસી કોઈ અજાણ્યા કારણસર મૃત્યુ પામ્યા હતા. સિવિલ ડિફેન્સના પ્રવક્તા જુની કેસ્ટિલોએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે બિલ્ડિંગો પડતા અને ભૂસ્ખલનથી ૧૯નાં મોત થયા હતા. તેમા જનરલ સાન્તોસમાં સાતના મોત થયા હતા. અહીં કેટલીક બિલ્ડિંગ તૂટી પડી હતી, એમ સોસમેનાએ જણાવ્યું હતું. કાટમાળમ પડવાના લીધે પણ અન્ય મોત થયા હતા.મસ્જિદને નુકસાન થયું હતું અને સારંગણી, સાઉથ કોટાબેટો અને દવાઓ ઓક્સિડેન્ટલ તથા ઓન બલુત આઇલેન્ડ, સોસમેનામાં ભૂસ્ખલનથી લોકોના મોત થયા હતા.
સોસમેનાએ જણાવ્યું હતું કે તઓને એવા સમાચાર મળ્યા છે કે જનરલ સાન્તોસમાં બે માળની સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. તેઓ તેની ચકાસણી કરી રહ્યા છે. ભૂકંપના પગલે જનરલ સાન્તોસનું એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું હતું. ટ્રેન સર્વિસિસ થંભાવી દેવામાં આવી હતી. તેના પગલે ૧૭ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ ફિલિપાઇન્સની નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ જણાવ્યું હતું.



