રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા ઝેલેન્સ્કીએ પુતિનને લખ્યો ખુલ્લો પત્ર, કહ્યું – આ દેશોને મધ્યસ્થી બનાવો | Zelenskyy Pens Open Letter to Putin Proposes First Direct Talks in Neutral Country

![]()
Zelenskyy open letter Putin: ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને એક ખુલ્લો પત્ર લખીને આમને-સામને બેસીને વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લાંબા યુદ્ધમાં આ પ્રથમ વખત છે જ્યારે ઝેલેન્સ્કીએ આ પ્રકારે ખુલ્લેઆમ પુતિન સમક્ષ સીધી ચર્ચાની દરખાસ્ત કરી છે. તેમણે આ બેઠક માટે કોઈ તટસ્થ દેશ પસંદ કરવાનું સૂચન આપ્યું છે.
વાટાઘાટો માટે તટસ્થ દેશોના નામ સૂચવ્યા
ઝેલેન્સ્કીએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે આ શાંતિ મંત્રણા ન તો મોસ્કોમાં થવી જોઈએ અને ન તો કીવમાં. તેમણે સ્વિટ્ઝરલેન્ડ, તૂર્કિયે અથવા આરબના કોઈ પણ દેશને આ ઐતિહાસિક મુલાકાત માટે અનુકૂળ ગણાવ્યા છે. ઝેલેન્સ્કીના મતે, મોટા અને જટિલ મુદ્દાઓનો ઉકેલ માત્ર બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ જ લાવી શકે તેમ હોવાથી પુતિને વહેલી તકે કોઈ તારીખ નક્કી કરવી જોઈએ. હવે માત્ર અમેરિકા પર નિર્ભર રહીને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો કોઈ ફાયદો નથી, કારણ કે અમેરિકાનું ધ્યાન હાલમાં ઈરાન તરફ વધુ કેન્દ્રિત થયેલું છે.
રશિયા પર મિસાઇલ હુમલા અને તણાવ વધારવાનો આરોપ
ઝેલેન્સ્કીએ રશિયા પર ગંભીર આક્ષેપો કરતા લખ્યું છે કે, રશિયાને જમીની સૈન્ય અભિયાનમાં ધારી સફળતા મળી નથી. આ જ કારણે હવે તે બેલિસ્ટિક મિસાઇલનો આડેધડ ઉપયોગ વધારી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે રશિયા આ યુદ્ધને હજુ એક-બે વર્ષ લંબાવવા માંગે છે જેથી તે કોઈ પણ ભોગે પોતાનો હેતુ સિદ્ધ કરી શકે. આ ઉપરાંત, પુતિન હવે બેલારુસને પણ આ સંઘર્ષમાં સીધું સામેલ કરવા ઈચ્છે છે અને મોલ્દોવામાં પોતાના સમર્થકો દ્વારા ટ્રાન્સનિસ્ત્રિયાની આસપાસ નવો તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
‘યુદ્ધથી પાયમાલ થઈ રહ્યું છે રશિયા’: ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા પોતે આ લાંબા યુદ્ધથી સંપૂર્ણપણે ત્રસ્ત થઈ ચૂક્યું છે અને હવે તેની ભારે કિંમત ચૂકવી રહ્યું છે. યુક્રેન તરફથી થતા સતત ડ્રોન હુમલા, વધતી જતી મોંઘવારી અને ઇંધણની અછતને કારણે રશિયા ભારે આર્થિક દબાણ હેઠળ આવી ગયું છે. છેલ્લા એક મહિનામાં જ રશિયાના 30 હજારથી વધુ સૈનિકો કાં તો માર્યા ગયા છે અથવા કાયમી ધોરણે અપંગ થઈ ગયા છે. જોકે, આ જંગમાં યુક્રેનને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનનું નામ લઈ પુતિને કહી મોટી વાત, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ
સંપૂર્ણ યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલીની શરત
આ સીધી વાર્તાલાપ શરૂ કરવા માટે ઝેલેન્સ્કીએ કેટલીક શરતો પણ મૂકી છે, જે મુજબ વાતચીત દરમિયાન દેશમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ હોવો જોઈએ. આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધકેદીઓની સંપૂર્ણ અદલાબદલી થવી જોઈએ અને રશિયાની જેલમાં બંધ યુક્રેનના તમામ નાગરિકોને મુક્ત કરવા પડશે. ઝેલેન્સ્કીએ પત્રના અંતે દાવો કર્યો છે કે, આજે આખી દુનિયા યુક્રેનથી નહીં પરંતુ રશિયાની નીતિઓથી પરેશાન થઈ ગઈ છે અને રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે.


