दुनिया

બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો! | Brahmos Fear Turkey Changes Tone with India over Pakistan Asks for a Chance




India Turkey Tension: આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતની મજબૂત વ્યૂહનીતિનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો અંધભક્તિથી સાથ આપનારા તૂર્કિયેના તેવર હવે સાવ નરમ પડી ગયા છે. ભારતે ગોઠવેલી વ્યૂહનીતિમાં તૂર્કિયે એવું ઘેરાયું છે કે તે હવે ભારત સાથે સંબંધો સુધારવા માટે ઉત્સુક બન્યું છે. સિંગાપોરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટજિક સ્ટડીઝ (IISS)ના એક કાર્યક્રમમાં તૂર્કિયેના વિદેશ મંત્રી હકાન ફિદાને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવતા ખાસ અપીલ કરી છે કે, ‘અમને ખોટા ન સમજો અને બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ વધારવા માટે અમને એક તક આપો’.

તૂર્કિયેની ભારતને અપીલ: અમારા સંબંધોને પાકિસ્તાનના ચશ્માથી ન જુઓ

સિંગાપોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તૂર્કિયેના વિદેશ મંત્રી હકાન ફિદાને ભારતને વિનંતી કરી છે કે, ભારત અને તૂર્કિયે વચ્ચેના સંબંધોને પાકિસ્તાનના ચશ્માથી ન જોવા જોઈએ. પાકિસ્તાન સાથેની પોતાની દોસ્તીનો બચાવ કરતા તેમણે કહ્યું કે, દુનિયામાં માત્ર તૂર્કિયે જ નહીં, બીજા પણ ઘણા દેશો છે જેમના પાકિસ્તાન સાથે સારા સંબંધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને તૂર્કિયે વચ્ચે સીધો કોઈ ઝઘડો કે જૂની કડવાશ નથી. જે રીતે તૂર્કિયેના અમેરિકા, રશિયા કે યુરોપના દેશો સાથે કેટલાક મુદ્દે મતભેદ હોવા છતાં તેઓ સાથે મળીને આગળ વધે છે, તેમ ભારતે પણ જૂની નકારાત્મક વાતોને બાજુ પર મૂકીને સંબંધો સુધારવા માટે એક ચાન્સ આપવો જોઈએ.

‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાનને સાથ આપી તૂર્કિયેએ વહોરી હતી ભારતની નારાજગી

વાસ્તવમાં તૂર્કિયેનો આ પસ્તાવો તેના ભૂતકાળના દગાના કારણે છે. ગયા વર્ષે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. તે સમયે તૂર્કિયેએ ભારતની ભારોભાર નિંદા કરી હતી અને પાકિસ્તાનને સૈન્ય સહાયતા તેમજ આત્મઘાતી ડ્રોન ‘ઇહા’ (IHA)ની મોટી ખેપ સપ્લાય કરી હતી. 

આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર (UN) સહિતના મંચો પર પણ તૂર્કિયે હંમેશા કાશ્મીર રાગ આલાપતું હતું. ભારતે આ દગાને ભૂલ્યા વગર તૂર્કિયેના રાષ્ટ્રીય દિવસ સમારોહનો બહિષ્કાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી હતી. જો કે, એપ્રિલ 2026માં બંને દેશો વચ્ચે 12મી વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક (FOC) પણ યોજાઈ હતી.

આ પણ વાંચો: બ્રિટન: 18 વર્ષીય વિદ્યાર્થીની હત્યા બદલ શીખ યુવકને 21 વર્ષની જેલ, કિરપાણ પર પ્રતિબંધની માંગ

ભારતે સાયપ્રસમાં રમ્યો ‘બ્રહ્મોસ’ દાવ અને તૂર્કિયે પોતાના જ ઘરમાં ઘેરાયું

ભારતે તૂર્કિયેને સૈન્ય સંઘર્ષ વિના, માત્ર કૂટનીતિના જોરે ઘૂંટણિયે લાવી દીધું છે. તૂર્કિયેએ વર્ષ 1974થી સાયપ્રસના એક-તૃતીયાંશ હિસ્સા પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે અને બંને વચ્ચે લાંબો પ્રાદેશિક વિવાદ છે. ભારતે ‘ઈંટનો જવાબ પથ્થરથી’ આપતા સાયપ્રસ અને ગ્રીસ જેવા તૂર્કિયેના કટ્ટર વિરોધી દેશો સાથે ઈસ્ટર્ન મેડિટેરેનિયનમાં પોતાની વ્યૂહાત્મક હાજરી વધારી દીધી છે. પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ પણ સાયપ્રસની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, ગયા મહિને સાયપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલાઈડ્સ ભારત આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે ‘વ્યૂહાત્મક ભાગીદારી’ (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) થઈ હતી.

સૌથી મોટો આંચકો તૂર્કિયેને ત્યારે લાગ્યો જ્યારે એવા અહેવાલો આવ્યા કે સાયપ્રસ પોતાના બચાવ માટે ભારત પાસેથી ઘાતક ‘બ્રહ્મોસ’ મિસાઇલ અને ‘નાગાસ્ત્ર-1’ સુસાઇડ ડ્રોન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે સાયપ્રસના હાથમાં બ્રહ્મોસ મિસાઇલ આપવાનો સંકેત આપતા જ તૂર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાનના ખેમામાં હડકંપ મચી ગયો છે અને તૂર્કિયેના સરકારી મીડિયાએ આને ભારતનું તૂર્કિયે વિરૂદ્ધ ‘અઘોષિત યુદ્ધ’ ગણાવ્યું હતું. પોતાના જ ઘર આંગણે ઘેરાઈ જવાના ડરથી હવે તૂર્કિયેના તેવર સાવ ઢીલા પડી ગયા છે અને તે ભારત સાથે સંબંધો સુધારવા માટે ભીખ માંગી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button